*હર ઘર તિરંગા- હર ઘર ઔષધિ*

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

*વડાપ્રધાનશ્રીના દેશભક્તિ સભર અભિયાનમાં વ્યક્તિગત રીતે સામેલ થતા વીરનગરના શિક્ષક*

*રાજકોટ તા. ૧૦ ઓગસ્ટ -* આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન દેશભરમાં “હર ઘર તિરંગા” અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે, આ અભિયાનમાં વીરનગર શાળાના શિક્ષિકા વ્યક્તિગત છતાં અનોખી રીતે સામેલ થયા છે.

વીરનગર પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રી દેવકુબેન બોરીચાએ આ ઉજવણી નાવીન્યપૂર્ણ રીતે કરવામાં આવી. તેમણે “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી “હર ઘર ઔષધિ” દ્વારા કરી.

દેવકુબેન બોરીચાએ પોતાની શાળા શ્રી વીરનગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ૧૫૧ ઔષધીય રોપાઓનું વિતરણ કર્યું.ગળો, અજમા, અરડૂસી, પાનફૂટી જેવા ઔષધીય રોપાઓ તેમણે પોતાના ઘરે જ તૈયાર કરેલા.આ રોપાઓ તેમણે શાળાના વિદ્યાર્થીઓને પોતાના ઘરે ઉછેર માટે આપ્યા. સાથે જ તેમણે આ ઔષધીય છોડના ઔષધીય ઉપયોગો પણ શીખવ્યા.

હાલ જ્યારે માનવ સમાજ પર્યાવરણ અને ઔષધિઓથી દૂર થઈ રહ્યો છે ત્યારે બાળકોમાં શાળા કક્ષાએથી જ પ્રકૃતિ પ્રેમ જાગે અને આસપાસના પર્યાવરણની વનસ્પતિના ઔષધીય ઉપયોગો અંગે જાગૃતિ આવે તે માટે તેમનો આ પ્રયાસ સરાહનીય છે.

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*