રંગીલું રાજકોટ આવતીકાલે રાષ્ટ્રભક્તિના રંગથી રંગાશે
રાજકોટની વિશાળ “તિરંગા યાત્રા” માટે સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ૧૦,૦૦૦ તિરંગાઓ તૈયાર કરાયા
વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન સાથે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાશે
રાજકોટ તા.૧૧ ઓગસ્ટ – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી અને ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “તિરંગા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. રંગીલા રાજકોટમાં ઠેર ઠેર આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ સંગઠનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે ત્યારે આવતીકાલે રાજકોટ ખાતે યોજાનાર તિરંગા યાત્રાને કારણે રંગીલું રાજકોટ રાષ્ટ્રભક્તિના રંગથી રંગાશે.
આ “તિરંગા યાત્રા”માં માટે રાજકોટ જિલ્લાની સખી મંડળની સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ૧૦,૦૦૦ તિરંગાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ અંગે લાઈવલીહુડ મેનેજરશ્રી વિરેન્દ્રસિંહ બસિયાએ વાત કરતાં જણાવ્યું હતું કે, તિરંગા યાત્રા હેઠળ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવાની આ તકને ઝડપી લેતાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારના જુદા – જુદા સ્વ સહાય જૂથની ૧૦૦ જેટલી બહેનો દ્વારા આશરે ૧૦,૦૦૦ જેટલા તિરંગા તૈયાર કરવામાં આવ્યા છે. બહેનોએ હોંશભેર તિરંગાઓ તૈયાર કરીને આ યાત્રામાં પરોક્ષ રીતે સહભાગી આત્મસંતોષ અનુભવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આવતીકાલે તિરંગા યાત્રા હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી હેઠળ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં યોજાનાર તિરંગા યાત્રા પુરા સૌરાષ્ટ્ર અને તેમાં જોડાનાર લોકો માટે યાદગાર સ્મૃતિરૂપ બની રહેશે.