વડોદરામાં વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં રૂા.૬૩૫.૧૬ કરોડના ખર્ચે ૫૨૯૩ જેટલાં લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના આવાસોનું લોકાર્પણ
જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે આવાસના લાભાર્થીઓને ચાવી/પ્રતિકૃતિનું વિતરણ
રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે યોજાયો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ રાજપીપલા,તા19
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરા ખાતે “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત રૂા.૨૧ હજાર કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણના યોજાયેલા કાર્યક્રમના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આજે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રીમતી મમતાબેન તડવી, તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ પારૂલબેન તડવી, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ.ડિંડોર, મહિલા અગ્રણી ભારતીબેન તડવી, તાલુકા વિકાસ અધિકારીઓ અને જિલ્લાના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના લાભાર્થીઓને આવાસની ચાવી પ્રતિકૃતિના વિતરણના યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામો-પ્રવાસન સ્થળોનો સમૂચિત વિકાસ કરીને પ્રવાસીઓ-શ્રદ્ધાળુઓ માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢના મહાકાળી માતાના મંદિરે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ધ્વજાજીનું પૂજન કરી કાલિકા માતાના મંદિરના નવનિર્મિત શિખર પર ધ્વજારોહણ કરાવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. પર્યુષાબેન વસાવાએ આજે વડાપ્રધાનના હસ્તે પોષણસુધા યોજના અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ઉપરાંત પ્રધાનમંત્રી આવાસોના લોકાર્પણના લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ મેળવી કુપોષણમાંથી મુક્તિ મેળવવાની સાથોસાથ આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે બાળકોના શિક્ષણની સવિશેષ ચિંતા સાથે આજના સ્પર્ધાત્મક યુગમાં અન્ય લોકો સાથે મેરીટમાં પણ કદમ મિલાવે તેવા પ્રયાસો સાથે આપણાં બાળકોની પણ શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર થાય તેવી હિમાયત કરી હતી. મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવીએ તેમના ઉદબોધનમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્ર અને દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અમલમાં મુકાયેલી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેકટર ડી.એ.શાહે તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ રૂા.૬૩૫.૧૬ કરોડના ખર્ચે ૫૨૯૩ જેટલાં લાભાર્થીઓના આવાસોનું આજે લોકાર્પણ કરાયું છે. જિલ્લાને ફાળવાયેલ કુલ-૯૬૪૯ આવાસના લક્ષ્યાંક અંતર્ગત તમામ આવાસોને મંજૂર કરી પ્રથમ હપ્તો ચૂકવવાની સાથે આજદિન સુધી કુલ રૂા. ૯૫૩.૮૮ કરોડના ખર્ચે ૭૮૧૩ આવાસો પૂર્ણ કરીને નર્મદા જિલ્લાએ વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. જિલ્લાકક્ષાના યોજાયેલા આવાસ યોજનાના લાભો એનાયત કરવાના કાર્યક્રમ બાદ તુરંત વડોદરામાં વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને લાભાર્થીઓ વર્ચ્યુઅલી જોડાઇને ઉક્ત કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું.
તસવીર :દીપક જગતાપ,રાજપીપલા