*વિદ્યાર્થીઓને ગણવેશ/બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરાશે : શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી*

……………

*વિદ્યાર્થીઓ-વાલીઓના હિતમાં બિન અનુદાનિત ખાનગી શાળા સામે દંડનીય કાર્યવાહિથી લઇને શાળા કે સંસ્થાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઇ કરાઇ*

………….

• *પાંચ કે તેથી વધુ વખત અનિયમિતતા આચરે તો તેવા કિસ્સામાં શાળા/સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે*

• *જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરાવવા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને નિયમોનુસાર કાર્યવાહી કરવા આદેશો અપાયા*

………….

રાજ્યની બિન અનુદાનિત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના હિતમાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના હિતમાં બિન અનુદાનિત ખાનગી શાળા સામે કડક વલણ અપનાવી દંડનીય કાર્યવાહિથી લઇને શાળા કે સંસ્થાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઇઓ કરવામાં આવી હોવાનું શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે.

 

શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વિદ્યાર્થીઓને ગણવેશ/બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવશે. એટલુ જ નહિ, અનિયમિતતા આચરતી ખાનગી શાળાઓ સામે પહેલી વખતમાં રૂ. ૧૦ હજાર અને ત્યારબાદના અનિયમિતતાના દરેક કિસ્સામાં રૂ. ૨૫ હજાર દંડ કરવાની શિક્ષણ વિભાગ દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત પાંચ કે તેથી વધુ વખત અનિયમિતતા આચરે તો તેવા કિસ્સામાં શાળા/સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.

 

મંત્રીશ્રીએ કહ્યુ કે, વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ સંસ્થા કે એજન્સી પાસેથી કે ચોક્કસ માર્કા કે કંપની પાસેથી ખરીદી કરવા માટે આગ્રહ રાખી શકાશે નહીં કે ફરજ પાડી શકાશે નહીં. અગાઉ કરવામાં આવેલી જોગવાઈઓનું ચુસ્તપણે પાલન થાય તે માટેની તકેદારી રાખી, તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને અંગત રસ લઈ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવા આદેશો આપી દેવામાં આવ્યા છે.

………….