સંકટની સંજીવનીઃ માત્ર ૩૮ દિવસના દીકરા ઉસામાનાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી મળ્યું નવજીવન
અમદાવાદ: ‘ઉસામાના જન્મ સાથે જ અમારી ચિંતા શરૂ થઈ ગઈ. તેના પેટમાં માનું ધાવણ ટકે જ નહીં, થોડી જ વારમાં ઉલટી કરીને કાઢી નાંખે. ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા પણ ઑપરેશન અને દવાઓ મળી રૂ.૬૦ હજારથી વધુનો ખર્ચ થાય. આ ટૂંકા પગારમાં જીવથીય વ્હાલા દિકરાની સારવારના પૈસા ક્યાંથી લાવવા?’
પાટણના બાલીસણા ખાતે માત્ર રૂ.૬,૦૦૦/-ના માસિક પગાર પર મદરેસામાં ઉર્દુની તાલીમ આપતા અબ્દુલ મન્નાન શેખના આ શબ્દો નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા કોઈપણ પરિવારમાં સામાન્ય છે. પરંતુ નાગરિક તરીકે સરકારશ્રી પરનો અતૂટ વિશ્વાસ તેમના માટે આશાનું કિરણ સાબિત થયું. આજથી ત્રણ વર્ષ પહેલા રાજ્ય સરકાર આયોજીત સેવા સેતુ કાર્યક્રમ થકી ઘર આંગણે મેળવેલું આયુષ્માન ભારત કાર્ડ અબ્દુલભાઈની વ્હારે આવ્યું.
દિકરા ઉસામાની શારિરીક સમસ્યાના નિવારણ માટે શરૂઆતમાં અબ્દુલભાઈએ પાટણ શહેરના સ્થાનિક પીડિયાટ્રીશિયન પાસે સારવાર કરાવી. બાળકના મેડિકલ રિપોર્ટ્સ પરથી ડૉક્ટરે ઑપરેશન કરાવવાની સલાહ આપી. સારવારનો ખર્ચ કરવા અસમર્થ અબ્દુલભાઈએ બાલીસણા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસરનો સંપર્ક કરતાં તેમણે ઉસામાનો કેસ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ ઑફિસરને રિફર કર્યો.
આ અંગે વાત કરતાં આર.બી.એસ.કે. મેડિકલ ઑફિસર ડૉ. સંગીતા વિરસોડીયા જણાવે છે કે, બાળકની ગૃહ મુલાકાત દરમ્યાન તેની તપાસ અને મેડિકલ રિપોર્ટ્સ ચેક કરતાં તેને કન્ઝનાઈટલ હાઈપરટ્રોફિક પાઈલોરીક સ્ટેનોસીસ હોવાનું જણાયું. રાજ્ય સરકાર દ્વારા ડેઝીગ્નેટ કરવામાં આવેલી અમદાવાદની જયદીપ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડૉ. જયુલ કામદારે ઑપરેશન માટે કેસ રીફર કરવાની સલાહ આપતાં આર.બી.એસ.કે. વાનમાં પરિવારને અમદાવાદ મોકલી આપવામાં આવ્યો.
૩૮ દિવસના બાળક ઉસામાને અમદાવાદની જયદિપ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બીજા જ દિવસે નિષ્ણાંત તબીબો દ્વારા તેનું સફળ ઑપરેશન કરવામાં આવ્યું. ઉસામાને મેડિકલ ટર્મમાં કન્ઝનાઈટલ હાઈપરટ્રોફિક પાઈલોરીક સ્ટેનોસીસ તરીકે ઓળખાતી શારિરીક સમસ્યા હતી, જેમાં જઠર અને આંતરડાને જોડતો ભાગ સાંકડો હોય છે. આ જન્મજાત તકલીફના કારણે નવજાત બાળક તેના પોષણના એકમાત્ર સહારા સમાન માતાનું ધાવણ ગણતરીની મિનિટોમાં વોમિટીંગ કરી બહાર કાઢી નાંખતું હતું.
આધુનિક સુવિધાઓથીયુક્ત ખાનગી હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવેલી સર્જરી બાદ હાલ ઉસામા સ્વસ્થ છે. બાળકના ઑપરેશન ઉપરાંત હોસ્પિટલમાં રહેવાનો તથા ઘરે પાછા જવા ભાડા સહિતનો ખર્ચ સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવશે.
સરકાર માટે આભારની લાગણી વ્યક્ત કરતાં અબ્દુલ શેખ કહે છે કે, પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ હોય ત્યારે દિકરાની સારવારનો ખર્ચ કાઢવો તો અશક્ય જ હતો. પરંતુ સરકાર અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી મારા જેવા નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકોના આરોગ્યની ચિંતા કરી રહ્યા છે. આજે સરકારની સહાયથી જ મારો દિકરો સ્વસ્થ થયો છે, તેના માટે હું સરકારનો હંમેશા ઋણી રહીશ.
જનસુખાકારી માટે સંકલ્પબદ્ધ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સુશાસનના સંકલિત પ્રયાસોથી જનસામાન્યના આરોગ્યની દરકાર લેવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ઈસ્યુ કરવામાં આવેલા આયુષ્માન ભારત કાર્ડ થકી આવા લાખો જરૂરિયાતમંદ નાગરિકો ગંભીર બિમારીઓ અને સર્જરીની વિનામૂલ્યે સારવાર પ્રાપ્ત કરી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા જનસામાન્યને ઘરઆંગણે જ વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ મળે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં આપવામાં આવતા યોજનાકીય લાભો અંતર્ગત મેળવેલા આયુષ્માન ભારત કાર્ડની મદદથી અબ્દુલભાઈના પુત્રનું વિનામૂલ્યે ઑપરેશન થયું. કેન્દ્ર સરકારની યોજના અને રાજ્ય સરકારના લોકાભિમુખ વહિવટની સફળતાનું આ ઉદાહરણ સુશાસનની સાક્ષી પૂરે છે.
………………….