ગાંધીનગર: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વસ્થભાર બનાવવાના આહવાનના ભાગરૂપે ગુજરાતમાં ૧૮ થી ૨૨ એપ્રિલ દરમિયાન રાજ્યવ્યાપી આરોગ્યમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યના ૨૪૮ તાલુકાઓમાં બ્લોક સ્તરે આરોગ્યલક્ષી અનેકવિધ પ્રવૃતિઓ યોજીને નાગરિકોને આરોગ્યપ્રદ બનાવવાની દિશામાં આ નવતર પહેલ છે.

 

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પાંચ દિવસીય આરોગ્ય મેળામાં રાજ્યના વધુમાં વધુ લાભાર્થીઓને આરોગ્યલક્ષી સેવાઓના લાભ થી લાભાન્વિત બનીને આરોગ્યપ્રદ બનવા અનુરોધ કર્યો છે.

ગ્રામ્ય સ્તરે આરોગ્યલક્ષી કેમ્પ યોજીને લોકોમાં આરોગ્યસેવાઓ અને સુવિધાઓ સંદર્ભે જનજાગૃતિ વધે તે આશયથી જનજાગૃતિના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

હેલ્થમેળામાં એક જ સ્થળથી આરોગ્યસેવાઓ અને જુદી-જુદી આરોગ્યવિષયક યોજનાઓના લાભ મળી રહે તે પ્રકારનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.

૫ દિવસીય આરોગ્યમેળામાં આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા સંચાલીત વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની માહિતી આપવામાં આવશે. આયુષ્માન ભારત ડિજીટલ હેલ્થ મિશન અંતર્ગત યુનિક હેલ્થ આઇ.ડી.કાર્ડ બનાવવાની કામગીરી હાથ ધરાશે.ટી.બી. નિર્મૂલન કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

 

આરોગ્ય મેળામાં તાલુકા સ્તરીય આરોગ્યલક્ષી સંસ્થાઓ પી.એચ.સી., સી.એચ.સી., અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં આ મેળાઓ યોજીને તેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા (આયુષ્યમાન) કાર્ડ પણ કાઢી આપવામાં આવશે. જુદા જુદા પ્રકારના ચેપી અને બિન ચેપી રોગ સંદર્ભે અટકાયતી પગલાથી પણ લોકોને માહિતગાર કરવામાં આવશે.

 

૧૮ થી ૨૨ એપ્રિલ દરમિયાનના આરોગ્ય મેળાઓમાં પ્રાથમિક આરોગ્ય સંભાળ કેન્દ્રોમાં બ્લડ ડોનેશન કેમ્પ, અંગદાન માટે રજીસ્ટ્રેશન, ટેલીકન્સલ્ટિંગ, વિવિધ રોગોનું સ્ક્રીનીંગ અને ઝડપી નિદાન, દવાઓ વિતરણ કરવામાં આવશે. આ આરોગ્ય મેળામાં સ્થાનિક સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીગણ ઉપસ્થિત રહીને લાભાર્થીઓનો ઉત્સાહ વધારશે.