ગાંધીનગર: ગુજરાતના ૧૮,૦૦૦ ગામોમાં પીવા માટે સરફેસ વોટર પહોંચાડવાનો રાજ્ય સરકારે સંકલ્પ કર્યો છે. આ વર્ષના અંત સુધીમાં તમામ ગામોમાં નલ સે જલ અભિયાન હેઠળ નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર અને ખેડા જિલ્લાને ૧૦૦ ટકા નલ સે જલ દ્વારા પાણી અપાતા જિલ્લા જાહેર કરવામાં આવ્યા છે.
આમ હવે ગુજરાતમાં કુલ ૧૬ જિલ્લાનો આ યોજના હેઠળ સમાવેશ કરાયો છે તેમ આજે ગાંધીનગર ખાતે વિશ્વ જળ દિવસની ઉજવણી નિમિત્તે જળસંપત્તિ મંત્રી શ્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું હતું. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા વિભાગ અને ઇન્ડિયન વોટર વર્કસ એસોશિએશનના સંયુક્ત ઉપક્રમે ઓડિટોરિયમ સિવિલ હોસ્પિટલ ગાંધીનગર ખાતે વર્લ્ડ વોટર ડે-૨૦૨૨ની ઊજવણી કરવામાં આવી હતી.
મંત્રીશ્રી પટેલે પાણી વિશે યોજાયેલા એક દિવસીય મહામંથન કાર્યક્રમમાં કહ્યું હતું કે ગુજરાત પાણી ક્ષેત્રે આત્મનિર્ભર બન્યુ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલા હર ઘર જલ અભિયાન અંતર્ગત તમામ ઘરોમાં નળ દ્વારા પીવાનું પાણી આપવાના અભિયાનમાં ગુજરાત અગ્રેસર છે. અગાઉ આપણે પાણીની અછત એટલે કે ગામેગામ ટેન્કર રાજ પણ જોયા છે. ઉનાળામાં કચ્છના પશુપાલકોએ તો સ્થળાંતર કરવું પડતું હતું જ્યારે અત્યારે નર્મદા યોજના, સુજલામ સુફલામ યોજના સહિતની વિવિધ પાણી પુરવઠા યોજનાના પરિણામે પાણીના જળસ્તર ઊંચા આવ્યા છે અને પાણીની અછત દૂર થઈ છે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે નવી ટેકનોલોજીના ઉપયોગથી પીવાનું શુદ્ધ પાણી છેવાડાના ઘર સુધી કેવી રીતે પહોંચે તેની ચિંતા કરવી પડશે.
આ સિવાય પાણીના સુચારૂં ઉપયોગ માટે જન-જાગૃતિ પણ લાવવી પડશે. પાણીના મૂલ્ય તેની કિંમત અંગે લોકોને સતત પ્રતીતિ કરાવી પડશે તો જ પાણીનો દુરુપયોગ અટકાવી શકીશું. આપણે પાણી, વીજળી, પર્યાવરણ બચાવીએ તો આ પણ એક શ્રેષ્ઠ દેશભક્તિ જ છે તેમ જણાવી મંત્રીશ્રીએ પાણી સમિતિની બહેનો અને પાણી પુરવઠા વિભાગના કર્મીઓને પાણી ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ અભિનંદન આપ્યા હતા. મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વિશ્વ જળ દિવસ નિમિત્તે ગાંધીનગર મુકામે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને ફિનિશ વોટર ફોરમ, ફિનલેન્ડ દ્વારા MOU કરવામાં આવેલ છે. આ MOU માં Sustainable Development Goal No 6 – Clean Water & Sanitation ને બંને દેશો એ એકબીજાના સહકાર થકી પૂર્ણ કરવાનો નિશ્ચય કરાયો છે. પીવાના પાણી ક્ષેત્રે વોટર ડિસ્ટ્રીબ્યુશન, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, Severage System, Non-revenue Water, Reuse of Treated Waste Water અને Water Management બાબતે ટેકનોલોજીનાં આદાન પ્રદાન માટે બંને દેશોએ પરસ્પર સહમતી દર્શાવેલ છે. આ પ્રસંગે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે પ્રતિકરૂપે ગાંધીનગર જિલ્લાની ચરાડા ગામની તેમજ મહેસાણા જિલ્લાની ધરબુટા ઘારી ગામની એમ બે મહિલા પાણી સમિતિની બહેનોને અને પાણી પુરવઠા વિભાગના કર્મયોગીઓને પાણી ક્ષેત્રે વિશેષ સેવા બદલ ચેક અને પ્રમાણ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વાસ્મોની સ્થાપનાના 20 વર્ષ નિમિત્તે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યુ હતુ.મંત્રી શ્રી પટેલે ઓડિટોરિયમ ખાતે પાણી વ્યવસ્થાપન અંગે યોજાયેલ એક્ઝિબિશનમાં વિવિધ કંપનીઓના સ્ટોલ્સની મુલાકાત લઇ રૂબરૂ માહિતી મેળવી હતી. વર્લ્ડ વોટર ડે-૨૦૨૨ની એક દિવસીય ઊજવણીમાં પાણી પુરવઠા વિભાગના સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ પાણી વ્યવસ્થાપન અંગે વિશેષ માર્ગદર્શન આપ્યું હતુ. ઇન્ડીયન વોટર વર્કસ એસોશિએશનના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી પ્રમોદકુમાર સિંહા, પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવશ્રી મયુર મહેતાએ આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. એક દિવસીય વર્લ્ડ વોટર ડે-૨૦૨૨ની ઊજવણીમાં વિવિધ તજજ્ઞોની ઉપસ્થિતિમાં ટેકનિકલ સેશન અને એકઝિબિશન યોજાયા હતા. આ પ્રસંગે વાસ્મોના સી.ઇ.ઓ. ડૉ. જિન્સી રોય, ફિનિશ વોટર ફોરમના સિનિયર પ્રોજેક્ટ મેનેજર ડૉ.અંતિ હેર્લેવી, શ્રી ગ્રે કોવે, ઇન્ડીયન વોટર વર્કસ એસોશિએશન અમદાવાદના ચેરમેન શ્રી પ્રકાશ શાહ, સચિવ શ્રી પી.જી.ગદાની સહિત પાણી બચાવવા ક્ષેત્રે કામ કરતા તજજ્ઞો, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ,ઇજનેરો, પાણી સમિતિના સભ્યો, સંસ્થાઓ, તેમજ પાણી ક્ષેત્રે કામ કરતી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.