.જીએનએ સુરત: સુરત આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો ગાંઘીનગર પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજી તેમજ રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, આમ આદમી પાર્ટીના સુરત શહેરના પાંચ કોર્પોરેટર પક્ષની કાર્ય પ્રણાલીથી નારાજ થઇ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. ભાજપા ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજીની ઉપસ્થિતિમાં ગાંઘીનગર પ્રદેશ કાર્યાલયશ્રી કમલમ ખાતે ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા. જેમા સુરત વોર્ડ નંબર 3 ના રૂતાબેન કેયુર કાકડીયા, વોર્ડ નંબર 2 ના ભાવનાબેન ચિમનભાઇ સોલંકી,વોર્ડ નંબર 16ના વિપુલભાઇ મોવલીયા,વોર્ડ નંબર 8 ના જ્યોતિકાબેન લાઠીયા, વોર્ડ નંબર 5ના મનિષાબેન કુકડીયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની 27 બેઠકો હતી જેમાંથી આજે પાંચ બેઠકના કોર્પોરેટરશ્રીઓ આજે ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના નિશાન પર સુરત શહેરમા ચૂંટાયેલા પાંચેય કોર્પોરેટરો દેશના વડાપ્રધાન નેરન્દ્રભાઇ મોદીની વિચારધારા તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં પાર્ટીમાં જોડાયા હતા. ભાજપા ગુજરાત પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા,પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઇ ભટ્ટ,રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી,પ્રદેશના મંત્રી મહેશભાઇ કસવાલા,યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંતભાઇ કોરાટ,સહ પ્રવકતા ડો. રૂત્વીજ પટેલે ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યા હતા. પાંચેય કોર્પોરેટરોએ પક્ષમાં જોડાયા પછી આમ આમ આદમી પાર્ટી વિરુદ્ધ હૈયા વરાળ ઠાલવી અને તેઓ જનતાના કામ કરવા પક્ષમાં જોડાયા છે રૂપિયાના લોભ લાલચ કે વચનોમાં આવ્યા વગર ભાજપની વિકાસની વિચારધારાથી પ્રેરાઇને આજે ભાજપમાં જોડાયા છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે સુરતના કોર્પોરેટરશ્રી રૂતાબેન કાકડીયાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ મારી પર્સનલ લાઇફ પર પણ રાજનીતી કરી,મારા પરિવાર પર આપ પાર્ટી દ્વારા ત્રાસ આપવામાં આવ્યો. મારા ડિવોર્સના મુદ્દા પર પાર્ટીએ રાજનીતી કરી. ભાજપ વિરુદ્ધ પ્રેસ કરવા દબાણ કરતા હતા. આ પ્રસંગે સુરતના કોર્પોરેટરશ્રી ભાવનાબેન સોંલકીએ જણાવ્યું કે, પ્રજાના હિત માટે અમને અવાજ ઉઠાવવા નોતા દેતા. હું પોતે એસ.સી સમાજમાંથી આવું છું અને આપ પાર્ટીમાં મારી સાથે ઘણો અન્યાય કરવામાં આવતો. આપ પાર્ટીના પ્રદેશના નેતા મારી સાથે અછુત જેવું વર્તન કરતા હતા અને મારા હાથનું પાણી પણ નહોતા પિવા માંગતા. આ પ્રસંગે સુરતના કોર્પોરેટરશ્રી વિપુલભાઇ મોવલીયાએ જણાવ્યું કે મારા પર પાર્ટીના હોદેદારો આક્ષેપ કરતા હતા કે હુ વોર્ડમાં કામ નથી કરતો તેમ નોટીસ પાઠવી પરંતુ મારા વોર્ડમાં તપાસ કરે. અમારી પાર્ટીના નેતાઓ તેમના વાણી વિલાસથી ગુજરાતની પ્રજાની આસ્થાને મજાક બનાવી બેઠા છે. આપ પાર્ટીની તાનાશાહીથી અમે આપ પાર્ટીમાં કેમ જોડાયા ? તેવો ડર હતો. અમે વિકાસની વિચારધારાથી આજે ભાજપમાં જોડાયા છીએ. અમે કોઇ રૂપિયા લઇ ભાજપમાં જોડાયા નથી.
આ પ્રસંગે સુરતના કોર્પોરેટરશ્રી મનિષાબેન કુકડીયાએ જણાવ્યું કે, વિપક્ષના નેતા ધર્મેશભાઇ ભંડેરી અમને જનતાના કોઇ કામ કરવા દેતા ન હતા. અમે જનતાની સાથે છીએ જનતાના કામ કરવાના છીએ અમે દબાણ વગર ભાજપામાં જોડાયા છીએ .આ પ્રસંગે સુરતના કોર્પોરેટરશ્રી જ્યોતિકાબેન લાઠીયાએ જણાવ્યું કે, વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરી અમને પુરો સહકાર આપતા ન હતા.
પાર્ટીમાં તેમને પુછીને જ કામ કરવાનું દબાણ કરતા હતા. આજે કંટાળી અમે પાર્ટી છોડી ભાજપમાં જોડાયા છીએ. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ સંબોધન કરતા જણાવ્યું કે, સુરત મહાનગર પાલિકાના પાંચ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેમનું પાર્ટી વતી હ્રદયથી સ્વાગત કરુ છું.
ગુજરાતની જનતા છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને પ્રેમ કરે છે અને ભાજપ પ્રત્યે શ્રદ્ધા તેમજ વિશ્વાસ ધરાવે છે. દેશના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતની જનતાના આશિર્વાદથી ગુજરાતના માધ્યમથી આજે દેશભરની અંદર વિકાસની રાજનીતી પ્રસ્થાપીત કરી છે જેના કારણે દેશભરમા વિકાસનો પર્યાય બની છે. ચૂંટણી કયાંયં પણ હોય તો વિકાસ જ કરવો પડે તેવો માહોલ ભાજપે ઉભો કર્યો. તો સામે વિરોધી પાર્ટી આમ આદમી પાર્ટી હમેશા ખોટી રાજનીતી કરી અરાજકતા ફેલાવવાનું કામ કરે છે આપ પાર્ટી સર્જીકલ સ્ટ્રાઇક સમયે પણ વિરોધ કર્યો અને દેશના જવાનોને બિરદાવવાને બદલે તેમના પર પ્રશ્નો ઉભા કર્યા હતા. આમ આદમી પાર્ટી પોતાના કાર્યકરોને સાચવી શકી નથી . જયારે ભાજપા એ કેડરબેઝ પાર્ટી છે. કોંગ્રેસ નું જયારે દેશમાં અસ્તિત્વ રહ્યુ નથી ત્યારે આપ પાર્ટી દેશ વિરોધી તાકાતથી ભારતની રાજનીતીમાં પોતાનું અસ્તિત્વને ઉભુ કરવા હવાતીયા મારે છે. શ્રી પ્રદિપસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી કાર્યકરોની પાર્ટી છે કાર્યકરોના પરિશ્રમથી પક્ષનું સગંઠન મજબૂત બન્યું છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ, દેશના ગૃહરાજયમંત્રીશ્રી અમિતભાઇ શાહ,રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપ વધુ મજબૂત બની છે. આ પ્રસંગે રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું કે, કોઇ પણ મહિલાઓ પર અત્યાચાર થાય એ વ્યાજબી નથી અને એમાં પણ રાજકીય પાર્ટીઓમા કામ કરતા મહિલા કાર્યકર પર અત્યાચાર થવો એ આમ આદમી પાર્ટી માટે ગંભીર બાબત છે. તેમને સારુ પ્લેટફોર્મ મળે સમાજ માટે સારુ કામ કરવાની ભાવના હોય અને તેનુ ભવિષ્ય ઉજવળ બનવું જોઇએ તેમ દરેક ઇચ્છતા હોય આ લોકોને આપ પાર્ટીમાં પોતાનું ભવિષ્ય સારુ ન દેખાયુ અને કામ કરવાની તક ન મળી તેથી ભાજપમાં જોડાયા છે પાંચેય કોર્પોરેટરોનું ભાજપમાં સ્વાગત છે. હું વિશ્વાસ આપું છું કે આવનારા દિવસોમાં ગુજરાતના દરેક નાગરિકો સાથે મળીને ગુજરાતના વિકાસ માટે કામ કરીશું.