આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ”ની ઉજવણી કરતું જામનાગરનું સખી વન સ્ટોપ સેન્ટર

જામનગર: સમગ્ર વિશ્વમાં ૧૦ મી ડિસેમ્બર “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ જામનગરનાં સખી-વન સ્ટોપ સેન્ટર દ્વારા પણ ઉજવણીના ભાગરુપે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. જે અંતર્ગત એસ.એચ & સી.આર ગાર્ડી આર્ટસ/કોમર્સ કોલેજ-ધ્રોલ ખાતે વિદ્યાર્થીનીઓને મહિલાઓના અધિકારો અને મહિલાઓની સુરક્ષા સંબંધી વિવિધ યોજનાઓ જેવી કે સખી વન સ્ટોપ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન, વ્હાલી દીકરી યોજના વિશે વિસ્તૃત માહિતી આપેલ તેમજ સખી-વન સ્ટોપ સેન્ટર જામનગર દ્વારા “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ”ની ઉજવણી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.જેમા જણાવાયુ હતુ કે માનવ અધિકાર વિશ્વમાં રહેતા દરેક માનવીને મળેલા કેટલાક વિશેષ અધિકારો છે જે વિશ્વને એકસાથે બાંધે છે તેમજ દરેક વ્યક્તિનું રક્ષણ કરે છે, લોકોને સ્વતંત્રતા આપે છે. માનવ અધિકારોમાં આરોગ્ય, આર્થિક, સામાજિક અને શિક્ષણનો અધિકાર પણ શામેલ છે. માનવ અધિકાર એ એવા મૂળભૂત કુદરતી અધિકારો છે કે, જેનાથી જાતિ, જ્ઞાતિ, રાષ્ટ્રીયતા, ધર્મ, લિંગ વગેરેના આધારે મનુષ્યને વંચિત અથવા દમન કરી શકાય નહીં.માનવ અધિકારો એટલા માટે બનાવવામાં આવ્યા હતા કે, તેઓ માનવી પોતાનુ જીવન ખુશીથી જીવી શકે. માનવ અધિકાર દિવસ લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.કાર્યક્રમ અંતર્ગત જામનગર શહેરની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલી કિશોરીઓને સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત કરાવવામાં આવી હતી તેમજ સેન્ટરની કામગીરીથી વાકેફ કરાવવામાં આવ્યા હતા.