પશુદવાખાના દ્વારા તાત્કાલિક સારવાર મળતા સંજેલીના પિછોડા ગામે પશુઓનો બચાવ થયો

*પશુદવાખાના દ્વારા તાત્કાલિક સારવાર મળતા સંજેલીના પિછોડા ગામે પશુઓનો બચાવ થયો*હિતેશ કલાલ સુખસર: રાજ્ય સરકારના દસ ગામ દીઠ પશુદવાખાનાની યોજના અંતર્ગત છેવાડાના ગામોના પશુપાલકોને પણ પોતાના પશુઓ માટે સમયસર સારવાર મળી રહી છે. પશુપાલકો ૧૯૬૨ નંબર ડાયલ કરીને આ સેવા મેળવી શકે છે. દાહોદનાં સંજેલીના પિછોડા ગામના પશુપાલકે ફોન દ્વારા મદદ માગતાં ભયંકર આગમાં દાઝી ગયેલા તેમના પશુઓને સમયસર સારવાર મળતાં બચાવ થયો છે. દાહોદના સંજેલી તાલુકાના પિછોડા ગામમા મોહનભાઇ સુરસિંગભાઇના વાડામાં અચાનક આગ લાગતા તેમણે ૧૯૬૨ નંબર ઉપર ફોન કરીને મદદ માંગી હતી. પિછોડા ગામામાં દસ ગામદીઠ એક પશુદવાખાના અંતર્ગત એમ્બ્યુલન્સ ફાળવાયેલી છે જયાં નજીકના દસ ગામ આવરી લેવામાં આવ્યા છે. આ ફરતા પશુ દવાખાનામાં કાર્યરત ડો. કેયુર સોલંકી અને પાયલોટ અજય વણઝારા બપોરે તેમના શિડ્યુલ મુજબ કલ્યાણપુરા ગામે વિઝિટ લીધી હતી. જયાં મોહનભાઇનો ફોન આવતાં વાડામાં આગથી ઘવાયેલા ઢોરની સારવાર માટે તેઓ તાત્કાલિક પહોંચી ગયા હતા. આ આગમાં એક ગાય તુરત જ મૃત્યુ પામી હતી. જયારે વાછરડું તથા એક ભેંસને સમયસર સારવાર આપતાં બચાવી લેવામાં આવી હતી.૦૦૦