.
અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા ૮૬૮ વ્યક્તિઓને ભારતીય નાગરીકતા આપવામાં આવી.
જીએનએ અમદાવાદ: અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે દ્વારા લઘુમતી ધરાવતા ૧૧ પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા.
નવા ૯ પાકિસ્તાની હિન્દુઓની નાગરિકતા માટેનું અરજીપત્રક સ્વીકારીને આગામી નાગરીકતા પ્રક્રિયા માટે એનાયત કરવામાં આવ્યું હતું.
અત્રે નોંધનીય બાબત છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.
ખૂબ જ ટૂંકા ગાળામાં આ નવ(૯) વ્યક્તિઓની પણ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને તેઓને પણ નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે,છેલ્લા સાત વર્ષથી કોઇ પણ એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકો, લઘુમતીઓને, બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવતું હોય.જે સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૮૬૮ લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા એનાયત કરવામાં આવ્યા છે.