સલામ છે ભાણવડના શિક્ષકોને.. માત્ર 20 મિનિટમાં 50 હજાર ભેગા કરી અગ્નિદાહ આપવાનું સેવાકીય કાર્ય કરતા પશાભાઈને ઇ-બાઇક અર્પણ કરી દીધુ.

દેવભૂમિ દ્વારકા (ભાણવડ): દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ ગામ. આ ગામના પ્રાથમિક શિક્ષકોએ અદભુત સરાહનીય કામ કરી બતાવ્યુ છે જેને જોતા સમાજમાં કેટલાક લોકોના મતે નાણાકીય બાબતોમાં શિક્ષકો ખૂબ જ કંજૂસ હોય છે તે વાતને નકારાત્મક સાબિત કરી છે અને ભાણવડ તાલુકાનાં સરકારી પ્રાથમિક શિક્ષકોએ આ કાર્ય દ્વારા એક અનેરા અને સરાહનીય કાર્યને અંજામ આપ્યો છે જેના માટે આ શિક્ષકો માટે ગર્વની લાગણી અનુભવાય એમાં કોઈ મત નથી..

ભાણવડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઈન્દ્રેશ્વર ખાતેના સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમમાં સર્વેના મને એક ઉત્તમ વિચારએ આકાર લીધો અને તાત્કાલિક તેને પરિણામના રૂપમાં ફેરવી અમલમાં મૂકી દીધો.

દેવભૂમિ દ્વારકાના ભાણવડ ગામ ખાતે આવેલ ઇન્દ્રેશ્વર સ્મશાનગૃહ ખાતે એક વિરલ વ્યક્તિત્વ આગ્નિદાહ દેવાનું સેવાકીય કામ નિઃસ્વાર્થ ભાવે કરે છે. જેનું નામ પશાભાઈ ઢોકળીવાળા છે અર્થાત સાચું નામ પરશોત્તમ સુંદરજી સવજાણી ઉર્ફે પસિયો ઢોકળીવાળો. માથે ટોપી અને સફેદ દાઢી-મુંછ ધરાવતા એવા પશાભાઇ રાત દિવસ, છાંયો તડકાની પરવા કર્યા વગર ઇન્દ્રેશ્વર સ્મશાનગૃહમાં મૃતદેહને અગ્નિદાહ આપવાની સેવામાં સતત કાર્યરત રહે છે અને નિષવાર્થ પોતાનું સેવા કાર્ય કરતા આવે છે. સમસ્ત શિક્ષકના ભોજન સભારંભમાં પશાભાઇની પોતાની પાસે ભાણવડથી ઈન્દ્રેશ્વર સુધી જવા માટે કોઈ વાહનની કોઈ વ્યવસ્થા નથી તેમજ તેઓ માત્ર ઇ બાઇક પ્રકારનું વાહન જ ચલાવી શકે છે તેવું જાણવા મળ્યું. બસ પછી પૂછવું શું હતું.. આવા સંજોગોમાં આ સમસ્ત શિક્ષક પરિવારે માત્ર 20 મિનિટમાં સર્વે સાથે મળી રૂપિયા 50000 નો ફાળો એકત્ર કરી તાત્કાલિક રૂપિયા 72000 નું બાઇક પશભાઈને અર્પણ કર્યું જેમાં 10000 રૂપિયા બાઈકના વ્યાપારીએ પોતાનો નફો ન લેતા અને રૂપિયા 12000 સબસિડી સાથે શિક્ષકોએ ભેગા કરેલા રૂપિયા 50000 થકી તે જ દિવસે આ પશાભાઈને આ બાઇક નાની બાળાઓ અને શિક્ષિકા બહેનોના હસ્તે અર્પણ કરવામાં આવી.

આ શિક્ષકો દ્વારા સમસ્ત ભાણવડ માટે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને સાચા વ્યક્તિને સાચા સમયે મદદ કરીને આદર્શ પ્રસ્થાપિત કર્યો છે. સમસ્ત શિક્ષક પરિવાર દ્વારા આ ઉમદા સેવા કાર્ય દ્વારા માનવતાનું સરાહનીય કાર્યને અંજામ આપી સમાજ માટે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જે બદલ આ શિક્ષક પરિવારને સાચા અર્થમાં સલામ કરવી તો બને જ છે જેના પરથી મને ગુજરાત માટે ગર્વ છે જ્યાં માનવતા હજુ પણ જીવંત છે તે વાત માટે દરેક ગુજરાતી અને શિક્ષક સમાજ માટે છાતી ફૂલી ગર્વની લાગણી અનુભવાય તે સ્વાભાવિક છે. એક સલામ ભાણવડ શિક્ષક પરિવાર સંઘને નામ..