આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર પણ ઉપસ્થિત રહ્યા
અમદાવાદ: રાજ્યના નવનિયુક્ત આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે આજે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.સોલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓ, માળખાગત સુવિધાઓ, વ્યવસ્થાપન વગેરેનું નિરિક્ષણ કરી તાગ મેળવ્યો હતો. મુલાકાત બાદ મંત્રીશ્રીએ હોસ્પિટલના તમામ વિભાગના વડા , તબીબો સાથે બેઠક યોજી હતી.
મુલાકાત બાદ મીડિયા સાથેને સંવાદમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા સંપુર્ણ તૈયારીઓ સાથે ગુજરાત સરકાર સજ્જ છે. કોઈ પણ પરિસ્થિતિમાં સરકારે હકારાત્મક અને સંવેદનશીલ અભિગમ સાથે પગલાં લીધા છે. કોરોના બંને લહેર ઉપર સફળતાપૂર્વક નિયંત્રણ મેળવવામાં સરકાર સફળ રહી છે જેના પરિણામે આજે રાજ્યમાં કોરોનાના નજીવા કેસ છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ દર્દીને સત્વરે શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે દવાના જથ્થા, તબીબી ઉપકરણો, ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર જેવી તમામ આરોગ્ય સેવાઓની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતુ.
કોરોના રસીકરણ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, ડિસેમ્બર સુધીમાં નાગરિકો રસીના બંને ડોઝ લઇ સુરક્ષિત બને એવું સુદ્ર્ઠ આયોજન સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં રસીનો જથ્થો સરળતાથી ઉપલબ્ધ કરાવીને ખુબજ સરાહનીય કામ કરવામાં આવી રહ્યું છે.
તેઓએ વિશેષમાં જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ૨૩મી સપ્ટેમ્બરથી “આપ કે દ્વાર આયુષ્માન” મેગાડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવમાં રાજ્યના ૮૦ લાખ કુંટુબોને આવરી લઇ PMJAY-MA કાર્ડ કઢાવી લાભાન્વિત કરવામાં આવશે.
રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારે આ પ્રસંગે કહ્યું કે, સરકાર દ્વારા કોરોનાની જનજાગૃતિના વ્યાપક પ્રચાર –પ્રસાર હાથ ધરવામાં આવ્યો છે.કોરોનાના કેસ ઓછા થયા છે, પરંતુ કોરોના સંપૂર્ણપણે ગયો નથી માટે કોરોનાની તમામ ગાઇડલાઇનનુ પાલન કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
આરોગ્યમંત્રી શ્રી એ સોલા સિવિલ હોસ્પિટલના તમામ વિભાગના વડા સાથે સંવાદ કરીને તેમની જરૂરિયાતો વિશેની પૃચ્છા કરી હતી. હોસ્પિટલના પી.આઇ.યુ., સિક્યુરીટી , મેડિકલ , પેરામિડકલ વિભાગ સાથે સંવાદ સાધીને તેમની જરૂરિયાતો વિશે જાણકારી મેળવી હતી. આ તમામ જરૂરિયાતો તેમના પ્રશ્નોના ત્વરાએ નિરાકરણ અને ઉકેલ લાવવાની ખાતરી મંત્રી શ્રી એ આપી હતી.
આ બેઠકમાં આરોગ્ય વિભાગની તબીબી શિક્ષણ શાખાના એડિશનલ ડાયરેક્ટર શ્રી આર.કે દીક્ષિત, PMJAY-MA ના મદદનીશ નિયામક શ્રી મહેશ કાપડિયા ,સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ.પીનાબેન સોની, GMERS કૉલેજના ડીન ડૉ. નીતીન વોરા, સોલા સિવિલ હોસ્પિટલના તમામ વિભાગના વડા અને સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા.