રાજપીપલા મુખ્ય મથકે જીતનગર ખાતે ૭૨ માં વન મહોત્સવની જિલ્લાકક્ષાની
થયેલી ઉજવણી : મહાનુભાવોના હસ્તે કરાયેલું વૃક્ષા રોપણ
પ્રત્યેક નાગરિકે વૃક્ષ વાવવાની સાથે તેના યોગ્ય ઉછેર, જતન અને સંવર્ધન થાય તેવા સંકલ્પ સાથે ગુજરાતની ૧૦ કરોડ વૃક્ષોના વાવેતર લક્ષ્યાંક સિધ્ધિ માટે સૌ કોઇને કટિબધ્ધ થવા ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી લીલીબેન આંકોલીયાનો ભારપૂર્વક અનુરોધ
રાજપીપલા,તા.14
ગુજરાતના મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન આંકોલીયા, ધારાસભ્ય પી.ડી.વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, પૂર્વ રાજયમંત્રી શબ્દશરણ તડવી, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, નાયબ વન સંરક્ષક નિરજકુમાર અને પ્રતિક પંડયા, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ મમતાબેન, અગ્રણી વિઠૃલભાઇ તડવી, અજીતભાઇ પરીખ સહિત પદાધિકારીઓ/અધિકારીઓ અને વૃક્ષપ્રેમીઓની ઉપસ્થિતિમાં રાજપીપલામાં નર્સિગ સ્કૂલ-જીતનગર ખાતે ૭૨ માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની યોજાયેલી ઉજવણીને દિપ પ્રાગટય દ્વારા ખૂલ્લી મૂકાઇ હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન આંકોલીયાએ માનવીના જીવનમાં વૃક્ષોનુ મહત્વ અને અગત્યના સમજાવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌ પ્રથમ વન મહોત્સવનો પ્રારંભ શ્રી કનૈયાલાલ મુન્શીના હસ્તે કરાયો હતો. ત્યારબાદ દર વર્ષે વૃષારોપણની ઉજવણી થઇ રહી છે ત્યારે ગુજરાતમાં પણ ચાલુ વર્ષે ૧૦ કરોડ વૃક્ષોના વાવેતરનો લક્ષ્યાંક સિધ્ધ થાય તે માટે પ્રત્યેક નાગરિકે વૃક્ષ વાવવાના સંકલ્પ સાથે તેનો યોગ્ય ઉછેર, જતન અને સંવર્ધન થાય તે માટે સૌ કોઇએ કટિબધ્ધ થવા તેમણે ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો.
કોરોનાની મહામારીમાંથી દેશને ઉગારવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો વિસ્તૃત ચિતાર આપતા શ્રીમતી લીલાબેન આંકોલીયાએ વધુમાં ઉમેર્યુ હતું કે ચાલુ વર્ષે એક હેકટરથી વધુ ખૂલ્લી જગ્યામાં ઓક્સિજન પ્લાન્ટ મહત્તમ ઉભા થાય તે દિશામાં સરકારશ્રી દ્વારા વિશેષ લક્ષ અપાયું છે ત્યારે વડ, લીમડા, પીપળા, ગરમાળો, સેવન, ઉમળો, આમળાં વગેરે જેવા કિંમતી તેમજ ઔષધિય રોપાઓનું મહત્તમ વાવતેર અને માવજત કરીને તેના યોગ્ય ઉછેર અને સંવર્ધન માટેની પૂરતી કાળજી લેવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.
નાંદોદના ધારાસભ્ પી.ડી.વસાવાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, અ વિભાજીત ભરૂચ જિલ્લો અને હાલના નર્મદા જિલ્લામાંથી ગુજરાતના પનોતા પુત્ર કનૈયાલાલ મુન્શી દ્વારા સમગ્ર દેશમાં વન મહોત્સવની શરૂઆત કરાઇ હતી. દેશનો પ્રત્યેક નાગરિક જો આ વૃક્ષારોપણ પ્રવૃતિમાં જોડાય તો પર્યાવરણની અસમતુલા રહેશે નહિ. પીપળાના ઝાડમાંથી ૭૦ થી ૮૦ ટકા ઓક્સિજન મળતું હોય છે, ત્યારે વધુ ઓક્સિજન આપતાં આવા વૃક્ષોના વાવેતર સાથે વિશાળ સંખ્યામાં ઓક્સિજન પાર્ક ઉભા થાય તેવા ઘનિષ્ઠ પ્રયાસો હાથ ધરવા વસાવાએ ખાસ અનુરોધ કર્યો હતો.
પૂર્વ રાજયમંત્રી શબ્દશરણભાઇ તડવીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં ૪૦ ટકા જેટલો વિસ્તાર વન આચ્છાદિત છે, ફળ-ફૂલથી અને ઔષધિય વન સંપદાથી નર્મદા જિલ્લાની ૫૦ ટકા વસ્તી ગાઉન વન પેદાશમાંથી રોજગારી મેળવી રહ્યાં છે, ત્યારે વન પેદાશોમાંથી આદિવાસી લોકોને કઇ રીતે વધુ રોજગારી મળી રહે તે માટે વન વિભાગને રોજગારલક્ષી દિશાના પ્રયાસો વધુ તેજ બને તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે શ્રીમતી લીલાબેન આંકોલીયા અને ઉપસ્થિત મહાનેભાવોના હસ્તે અનુસુચિત જાતિના ૪૦ જેટલા લાભાર્થીઓને રૂા. ૪.૯૮ લાખથી પણ વધુ રકમની કિટ્સ તેમજ ૪૦ હજાર રોપાઓનું વનીકરણ કરનાર લાભાર્થીઓને કિટ્સ વિતરણ રૂા. ૧.૨૫ લાખના ખર્ચે ૫૦ લાભાર્થીઓને નિર્ધૂમ ચૂલા તેમજ ૭૭ લાભાર્થીઓને વન મહોત્સવ હેઠળ કુલ ૮.૮૦ લાખ રોપાઓના વિતરણ, પર્યાવરણ જાગૃતિ અને વન બંધુઓના આરોગ્યની સુધારણામાં સહભાગી થયેલ સંસ્થાઓને ઉત્કૃષ કામગીરી બદલ સંસ્થાના વૃક્ષમિત્ર પ્રતિનિધિને પ્રશસ્તિપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. તેવી જ રીતે રૂા. ૧,૮૦,૭૧,૩૮૬/- ની રકમના ચેકો પટૃી વાવેતર વૃક્ષ હરાજીથી ઉપલબ્ધ થયેલ રકમની ૫૦ ટકા રકમ તાલુકા પંચાયત લાભાર્થીઓને વિતરણ માટે સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓને એનાયત કરાયાં હતા.
કાર્યક્રમના અંતમાં શ્રીમતી લીલાબેન આંકોલીયા સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યુ હતું. ત્યારબાદ પર્યાવરણ જાગૃતિ રોપ વિતરણ “વન રથ” ને લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
તસવીર :જ્યોતિ જગા
તાપ, રાજપીપલા