સ્થાનિકોને મોટી સંખ્યામાં રોજગારી આપીને તેમનો સામાજીક અને આર્થિક સ્તરે વિકાસ કરવાનું પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થયુ છે – શંભુજી ચેલાજી ઠાકોર,અધ્યક્ષ- સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતી,ગુજરાત વિધાનસભા અને ધારાસભ્ય,ગાંધીનગર દક્ષિણ.
રાજપીપલા, તા 3
ગુજરાત વિધાનસભાની સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતીએ અધ્યક્ષ શંભુજી ચેલાજી ઠાકોર(ધારાસભ્ય- ગાંધીનગર દક્ષિણ)ની આગેવાનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટની મુલાકાત લઇને મહામાનવ સરદાર વલ્લભભાઇ પટેલને ભાવાંજલી આપી હતી. શંભુજી ચેલાજી ઠાકોરે જણાવ્યું હતું કે,સરદાર સાહેબે ભારતને આઝાદી અપાવવામાં અને અખંડ ભારતનાં નિર્માણમાં આપેલા યોગદાનને યાદ કરીને આ પ્રતિમા સ્થળ આવનાર સદીઓ સુધી નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
સમિતીની મુલાકાતમાં અધ્યક્ષ શંભુજી ચેલાજી ઠાકોર(ધારાસભ્ય- ગાંધીનગર દક્ષિણ) સહિત ધારાસભ્ય સર્વ ગેનીબેન ઠાકોર(ધારાસભ્ય- વાવ), અજમલજી વાલાજી ઠાકોર(ધારાસભ્ય – ખેરાલુ), રાજેન્દ્રસિંહ શિવસિંહ ઠાકોર(ધારાસભ્યશ્રી- મોડાસા) ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમાર (ધારાસભ્ય-પ્રાંતિજ) દેવાભાઇ માલમ(ધારાસભ્ય- કેશોદ), આર.સી.મકવાણા(ધારાસભ્ય- મહુવા), ભીખાભાઇ બારૈયા (ધારાસભ્ય- પાલીતાણા), અરવિંદભાઇ રાણા(ધારાસભ્ય- સુરત પુર્વ) અને ગુજરાત વિધાનસભાનાં અધિકારીઓ જોડાયા હતા.
સમિતીનાં અધ્યક્ષ શંભુજી ચેલાજી ઠાકોરે મુલાકાત બાદ જણાવ્યુ હતુ કે, સરદાર સાહેબે આપેલ યોગદાનને આવનારી પેઢી યાદ કરે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશાળ પ્રતિમા બનાવી છે,ત્યારે અહિયાની મુલાકાત એક આહાલાદક અનુભવ આપનાર છે.
સમિતીનાં સભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યુ હતુ કે, આજની મુલાકાત બાદ અમો ભાગ્યશાળી છીએ અને આ પ્રોજેકટ થકી ગરીબોને રોજગારી મળી છે અને બહારના લોકો આવીને ગુજરાતની અસ્મિતાના દર્શન કરે છે અને આવનારી પેઢી સરદાર સાહેબના બતાવેલ રસ્તે ચાલે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા