ફ્રેન્ડશીપ વ્યક્તિગત પસંદગીથી બંધાતો સંબંધ હોવાથી વિવેક અનિવાર્ય
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજ
મનુષ્ય જન્મ સાથે જ અનેક સંબંધો સાથે જોડાય જાય છે, પરંતુ એ સંબંધ એની ઈચ્છા કે પસંદગીથી જોડાતો નથી એટલે કે માતા-પિતા, ભાઈ-બહેન, સગા-સંબંધી બધા સંબંધો self-made નહીં પરંતુ haven-made હોય છે. શક્ય છે વ્યક્તિને એ પસંદ હોય કે ન હોય પરંતુ લોહીના સંબંધને નાતે આપણે એ નિભાવવા પડતા હોય છે. આવા સંબંધો નિભાવવામાં કદાચ મુશ્કેલી પડી શકે કે સંબંધ તોડવાની ઈચ્છા પણ થાય એ સમજી શકાય એવી વાત છે. પરંતુ મિત્રતાનો સંબંધ એક એવો વિશિષ્ટ સંબંધ છે કે વ્યક્તિ સ્વેચ્છાથી અને પસંદગી સાથે સંપૂર્ણ સભાનાતામાં ખૂબ સમજી-વિચારીને બાંધે છે. જેથી મારી દ્રષ્ટિએ આ સંબંધ તો જીવનપર્યંત આપોઆપ સચવાવવો જોઈએ તાના માટે વિશેષ પ્રયત્ન કરવાની જરૂર નહિ.
મને લાગે છે જીવનને અતિ ઉત્સાહપૂર્ણ, આનંદમય, સ્વર્ગ જેવું બનાવવા આ સંબંધ અનિવાર્ય છે . મિત્રતાની ગહેરાઈને સમજવા મિત્રતા અને તેની સાથે જોડાયેલ કેટલીક બાબતોને સમજવી પડે જેમ કે મિત્રતા કોને કહેવાય? મિત્રતાની જીવનમાં શું આવશ્યકતા? મિત્રતા નિભાવવી કેવી રીતે? વગેરે. મિત્રતા એટલે દિલથી દિલનો સંબંધ, આત્માથી આત્માનો સંબંધ, જેમાં મિત્રને માત્ર પામવાની, તેને માટે ન્યોછાવર થવાની ઇચ્છા હોય. મિત્ર એક એવી વ્યક્તિ છે જેની જરૂર ખુશી અને ગમ બંનેમાં પડતી હોય છે. મિત્રતા જીવનનો આધારસ્થંભ છે કેમ કે જીવનની કોઈપણ મુશ્કેલી જે ઘણીવાર પોતાના લોકો(લોહીના સંબંધી) સાથે ખુલ્લા દિલે શેર ના થઈ શકે તે મિત્ર સાથે ખૂબ સહજ રીતે સરળતાપૂર્વક થઈ શકતું હોય છે. વળી મુશ્કેલીમાં કદાચ રસ્તો ન મળે તો પણ સાંત્વના અવશ્ય મળી રહે છે. જીવનમાં ઘણી બાબતો એવી હોય છે કે જે માત્ર મિત્ર સાથે જ શેર થઈ શકે.
મને કોઈ પૂછે કે “ફ્રેન્ડશીપ ડે” કેવી રીતે ઉજવવો જોઈએ તો મારી સોચ આ અંગે થોડી ભિન્ન છે. એક અધ્યાપક તરીકે કોલેજના વિદ્યાર્થીઓને હું વર્ષોથી સમજાવું શીખવાડું છું કે ફ્રેન્ડશીપ ડે માત્ર મોજમસ્તીમાં વિતાવવાને બદલે કંઈક વિશિષ્ટ રીતે મનાવવો જોઈએ જેમકે સમાજથી બીછડેલા દુખી પરેશાન લોકોની સાથે મિત્રતા બાંધી કમ-સે-કમ વર્ષમાં એક દિવસ તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન કરી શકાય. જે મારી દ્રષ્ટિએ સાચુ ફ્રેન્ડશીપ સેલિબ્રેશન કહેવાય. દાખલા તરીકે અનાથ આશ્રમમાં જઈ અનાથ બાળકો સાથે ગેમ્સ રમો, તેમના માટે રમકડાં કે મીઠાઈ લઈ જાઓ, તે જ રીતે વૃદ્ધાશ્રમમાં જઈ વડીલોને હૂંફ, સથવારો આપી સાનિધ્યનું સુખ પ્રદાન કરી શકાય કેમ કે વડીલોની હંમેશા એક માત્ર ઇચ્છા હોય છે કે તેમની સાથે કોઈ થોડો સમય પસાર કરે. જે વધારે નહીં તો કમ-સે-કમ ફ્રેન્ડશીપ ડેના દિવસે તો થઈ જ શકે. ઉપરાંત અપંગમંડળ, અંધજનમંડળ જેવી અનેક સંસ્થામાં જઈ જીવનથી હારેલા થાકેલા દુઃખી પરેશાન લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય ફ્રેન્ડશીપ ડેના દિવસે થઈ શકે.
ફ્રેન્ડશીપ માત્ર સમવયસ્ક લોકો સાથે જ થઈ શકે એવું નથી. મિત્રતા કોઈપણની સાથે થઈ શકે. દિલના ઉત્તમ ભાવ બીજા દિલ સુધી (ઉંમરના ફાંસલાને જોયા વગર) પહોંચી જ જતા હોય છે. વળી મનુષ્યની દોસ્તી માત્ર મનુષ્ય સાથે જ થઈ શકે એવું પણ બિલકુલ જરૂરી નથી. પશુ-પક્ષી, વનસ્પતિ, ફૂલ-ઝાડ વગેરે સાથે પણ દોસ્તી થઈ શકે. દર ફ્રેન્ડશીપ ડેના દિવસે કમસેકમ એક ઝાડ વાવવાનો નિર્ણય લઈ શકાય અને વર્ષ દરમિયાન યથાયોગ્ય સમયે તેની માવજત પણ કરી શકાય. જેને સાચા અર્થમાં મિત્રતા કરી કહેવાય. ઝાડ સાથે મિત્રતા ઉપરાંત ગાયને રોટલી ખવડાવવી, કૂતરાને બિસ્કીટ આપવા, કબૂતરને ચણ નાખવું વગેરે કાર્યો પણ ફ્રેન્ડશીપ ડેના દિવસે કરી આ તમામ જીવસૃષ્ટિ સાથે મિત્રતા કેળવી શકાય. ફ્રેન્ડશીપ ડે જેવા વિશિષ્ટ દિન જીવસૃષ્ટિના કોઈએક જીવ માત્રના મુખ પર પણ સ્મિત અને સંતોષ લાવી શકાય તો મને લાગે છે ફ્રેન્ડશીપ ડે સાચા અર્થમાં ઉજવ્યો કહેવાય. કેમ કે જીવનમાં જેટલા વધુ દોસ્તો એટલી જિંદગી વધુ જીવવા લાયક અને આનંદમય. એ દ્રષ્ટિએ સમગ્ર અસ્તિત્વ સાથે મિત્રતા કેળવવી મને તો અનિવાર્ય લાગે છે.
ફ્રેન્ડશીપ ડે ના દિવસે ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધવાની પરંપરા છે એટલે કે વિભિન્ન પ્રકારના બેલ્ટ બાંધીને ફ્રેન્ડશીપ ડે મનાવવામાં આવે છે. મારી દ્રષ્ટિએ આ બેલ્ટ કદાચ એટલા માટે બાંધવામાં આવે છે કે મિત્રતાનો સંબંધ ever lasting એટલે કે કાયમી બને અને બે વ્યક્તિઓ પ્રેમના બંધનમાં હંમેશા બંધાઈ રહે. મિત્રતા બાંધવી સૌથી સહેલું કામ છે પરંતુ મિત્રતા નિભાવવી સૌથી અઘરું કામ છે. બે વ્યક્તિ જ્યારે એકબીજા સાથે સંપૂર્ણ નિસ્વાર્થ બની મિત્રતા નિભાવે તો દોસ્તી ટકાવવા વિશેષ પ્રયત્નની જરૂર ન પડે. આજના યુગની એ કમનસીબી છે કે આપણે નીજ સ્વાર્થપૂર્તિ માટે એકબીજાનો ઉપયોગ કરીએ છીએ અને એકબીજા સાથે મિત્રતાના સંબંધો સામાન્ય રીતે બાંધતા હોઈએ છીએ. જેના કારણે દોસ્તીના સંબંધોમાંથી જે સ્વર્ગનું સુખ પ્રાપ્ત થવું જોઈએ તે થઇ શકતું નથી.
મિત્રતાના ઉત્તમ ઉદાહરણ બાળકો છે, જે ખૂબ શુદ્ધ પવિત્ર અને નિસ્વાર્થ દોસ્તી નિભાવે છે અને કદાચ એટલે જ બાળપણની દોસ્તી જીવનપર્યંત ટકી રહે છે. આપણા સૌનો એ અનુભવ હશે કે બાળપણની દોસ્તી જે આનંદ આપે છે તે પુખ્તવયે બાંધેલી દોસ્તી આપી શકતી નથી. ફ્રેન્ડશીપ ડે જેવા દિવસો આપણને સમજાવે છે કે બે વ્યક્તિ એકબીજા માટે કેટલા અગત્યના છે. જેની સાથે અનુકૂળતા અનુભવાય તેની સાથે દોસ્તી કરવાને બદલે એવી વ્યક્તિ સાથે કરવી જોઈએ કે જે તમારી પ્રગતિમાં એક્સીલેટર લીવરનું કામ કરે એટલે કે આપણને સાચા માર્ગે દોરે.
આપણું જીવન કેવું હશે એનો 50% આધાર આપણી વૃત્તિ, સ્વભાવ અને પ્રકૃતિ પર હોય છે જ્યારે ૫૦ ટકા આપણે કેવા મિત્રો પસંદ કરીએ છીએ તેના પર છે. કોઈપણ વ્યક્તિ આંતરિક રીતે કેવો છે તે જો જાણવું હોય તો તેના મિત્રવર્તુળને જાણવું પડે જેના દ્વારા વ્યક્તિનો સાચો ચિતાર મેળવી શકાય. મિત્ર હંમેશા પ્રેરણાત્મક હોવો જોઈએ જે તમને સત્કર્મો અને સદાચરણ તરફ અગ્રેસર કરે. જ્યારે કોઈ એક વ્યક્તિમાં જ સમગ્ર દુનિયાના દર્શન થાય ત્યારે સમજવું કે તે સાચો મિત્ર છે. એની હાજરીમાં બીજા કોઈ સંબંધોની યાદ ન આવે, જિંદગીના કોઈ દુઃખ ન અનુભવાય, દુઃખ હોય તો પણ મિત્રના સત્સંગમાં તે ભુલાઈ જાય. માત્ર તમારા સ્માઇલને સમજે એવા લાખો મિત્રો કરતાં તમારા આંસુને સમજે એવો એક મિત્ર જીવનમાં પર્યાપ્ત છે.
સૌપ્રથમ ૧૯૩૦માં માર્કેટિંગ ગીમિક તરીકે હોલમાર્ક કાર્ડના સ્થાપક જોયસ હોલ દ્વારા ફ્રેન્ડશીપ ડે શરૂ થયેલો જેથી તેના કાર્ડ્સ વધુ વેચાય. ત્યારબાદ ધીરે-ધીરે લગભગ દરેક દેશોએ આ “ડે” ને સ્વીકાર્યો અને હવે “ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે” ઊજવાય છે જે મિત્રતાની જીવનમાં અગત્યતાને દર્શાવે છે. દર વર્ષે ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે આ દિવસ મનાવાય છે. બે વ્યક્તિ વચ્ચેના વિશેષ ખેંચાણ (બોન્ડ)ને ઉજવવા આ દિવસ મનાવાય છે. મનુષ્ય સામાજિક પ્રાણી છે જેને સતત પ્રેમ, સ્નેહ, હૂંફ અને સપોર્ટ સિસ્ટમની જરૂર પડે છે જે હંમેશા એક સાચા મિત્ર દ્વારા પ્રાપ્ય થતી હોય છે.
“ફ્રેન્ડશીપ ડે” ના વિશેષ દિને કૃષ્ણ-સુદામા જેવી મિત્રતાના પાયા નાખી શકાય કેમ કે પરમાત્માથી ઉત્તમ મિત્ર બીજો કોણ હોઈ શકે. જે કોઈ સમજણ કે જ્ઞાન આપણી પાસે છે તેનો ઉપયોગ પ્રભુ સાથે મિત્ર રૂપે જોડવા કરી લેવો જોઈએ. જ્ઞાનનું ફળ પૈસા નથી પણ ધ્યાન છે એટલે કે ઈશ્વરનો સાથ છે. દોસ્તી કરો તો પરમાત્મા સાથે કરો કેમ કે માત્ર ઈશ્વર જ દરેક જીવનો નિસ્વાર્થ મિત્ર છે. પરમાત્મા સાથે દોસ્તી કર્યા પછી જીવનમાં બીજા કોઈ મિત્રની જરૂર રહેતી નથી. વળી પરમાત્મા માટે જો તમે વીસ ડગલા ચાલશો તો પ્રભુ તમારા માટે વીસ ગાઉ ચાલશે. જેનું કાળજું ધોળું છે, હૃદય ગંગાજળ સમાન પવિત્ર છે તેના પ્રભુ કપડા જોતા નથી, તે ગરીબ હોય તો પણ ઈશ્વર તેને પોતાનો સખા બનાવે છે જે સુદામાચરિત્રની કથા દ્વારા સમજાય છે. પ્રભુ જેને મિત્ર બનાવે તેને જોતજોતામાં સફળતાના શિખર પર બેસાડી દે છે, જીવનના તમામ દુઃખોને હરી લે છે. પ્રભુ શ્રીકૃષ્ણને સખા બનાવી અર્જુને જીવનનો જંગ જીતી લીધો હતો એ તો સર્વવિદિત છે. તો આજના “ફ્રેન્ડશીપ ડે” નિમિત્તે ઈશ્વર કે ઈશ્વરની સૃષ્ટિના કોઈ પણ તત્વ સાથે દોસ્તી અવશ્ય બાંધીએ અને એ દ્વારા નિસ્વાર્થપણે ઈશ્વરના કોઈ ને કોઈ રૂપ સાથે જોડાઈએ તો આજના આ વિશેષ દિનની ઉજવણી સાર્થક થઇ કહેવાય. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઈશ્વર એટલે શક્તિ(દિવ્યઉર્જા) અને સનાતન અસ્તિત્વ. આપણે સૌ એટલું તો અવશ્ય જાણીએ છીએ કે અસ્તિત્વ સાથે જોડાવાથી શક્તિ પ્રાપ્તિ સહજ બને છે અને શક્તિ દ્વારા એટલે કે યથાર્થ ઉર્જા દ્વારા જીવનમાં સુખ,શાંતિ, સફળતા, સ્નેહ અને સમૃદ્ધિ આપોઆપ આવી મળે છે. તો આવો આવી ઊંડી વૈજ્ઞાનિક સમજણ સાથે ફ્રેન્ડશીપ ડે ઉજવીએ અને જીવનને સાર્થક કરીએ.