બોલીવુડમાં મુકેશના ભાગે ભાગ્યે જ મસ્તીભર્યા ગીતો ગાવાનું આવ્યું હતું. પરંતુ તેમના ગીતોના મિજાજથી અલગ નિર્દોષ મજાક કરવાનું તેઓ ભાગ્યે જ ચૂક્યા હશે.

“સીધો સાદો, સજ્જન ગાયક: મુકેશ”

….બોલીવુડમાં મુકેશના ભાગે ભાગ્યે જ મસ્તીભર્યા ગીતો ગાવાનું આવ્યું હતું. પરંતુ તેમના ગીતોના મિજાજથી અલગ નિર્દોષ મજાક કરવાનું તેઓ ભાગ્યે જ ચૂક્યા હશે. પોતાની પણ મજાક કરી શકે તેટલા નિખાલસ અને ખેલદિલ માણસ હતા. કહેવાય છે કે તેઓ જ્યારે સ્ટેજ શો માટે જતા ત્યારે લતા મંગેશકરનો ઉલ્લેખ અવશ્ય કરતા. આમ તો મુકેશ ઉમર અને કારકિર્દી બન્ને રીતે લતાજીના સિનિયર પણ તેઓ તેમના માટે લતા દીદી જેવું માનભર્યુ સંબોધન કરતા. સ્ટેજ શો દરમિયાન શ્રોતાઓને ઉદ્દેશીને કહેતા કે, લતાદીદી મારા કારણે જ ઉત્તમ ગાયિકા તરીકે જાણીતા છે. જ્યારે પણ તેમની સાથે મારું યુગલગીત હોય તેમાં હું પુષ્કળ ભૂલો કરું છું તેને કારણે લોકોને લતાદીદી ગાયિકા તરીકે ખૂબ ગમી જાય છે. આમ આ પ્રકારે મજાક કરીને તેઓ જાતે જ તેમની ટીકાઓને આડકતરી રીતે સ્વીકારી લેતા. કેટલાક સંગીતમાં પ્રવિણ લોકો તેમને સીમિત પ્રતિભા ધરાવતા ગાયક ગણાવતા. સંગીત વિશારદોને કોઈકાળે ફરિયાદ રહી હશે પરંતુ દર્શકો મુકેશના ગીતો મજાથી સાંભળતા અને માણતા. હિન્દી ફિલ્મસંગીતના ૧૯૫૦થી લઈને પછીના ત્રણ દશકમાં સૌથી લોકપ્રિય પુરુષ ગાયકોના નામ લેવામાં આવે તો તેમાં મોહમ્મદ રફી, મન્ના ડે, કિશોરકુમાર અને મુકેશના નામ આવે. આપણે જે સમયની વાત કરી તે દરમિયાન અન્ય ગાયકોએ કર્ણપ્રિય ગીતો નહોતા ગાયા તેમ નહોતું પરંતુ આ ચાર ગાયકોના નામ સાથે લેવાય છે. કારણ કે તેઓ લોકપ્રિયતામાં એકબીજાની આસપાસ રહે છે. આ ચારેયની ગાયન શૈલી એકબીજાથી એટલી અલગ હતી કે સંગીતના જાણકારો તેમને ચાર અલગ ખાનામાં વર્ગીકૃત કરતા. દાખલા તરીકે રફીને વૈવિધ્યપૂર્ણ ગાયક ગણવામાં આવતા તો કિશોરકુમારને વિદ્રોહી ગાયક ગણવામાં આવતા. અન્ય ત્રણની સરખામણીએ મન્ના ડે પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ અને સમજ વધુ હતી એટલે સંગીતક્ષેત્રના જાણકારો તેમને સંપૂર્ણ ગાયક ગણાવતા. જ્યારે મુકેશ અંગે જાણકારોનો સર્વસામાન્ય અભિપ્રાય એ રહેતો કે તેઓ બહુ ‘સાદુ‘ ગાય છે. અહીં ‘સાદુ‘ ગાવાનો અર્થ કંટાળાજનક નહીં પરંતુ સરળ ગાયિકી થાય છે. સંગીત વિશારદો લાંબા સમય સુધી મુકેશને ‘સીમિત પ્રતિભા‘ ગણાવતા રહ્યા. જ્યારે જીવનની ઉદાસી અને દર્દ ફિલ્મીગીતોમાં મુકેશના સ્વરના માધ્યમથી વ્યક્ત થતા રહ્યા હતા. જો દર્દસભર ગીતોની વાત આવે તો તે જમાનામાં મોહમ્મદ રફી, તલત મહમૂદ અને કિશોરકુમારે પણ ઓછા નહોતા ગાયા. તો પછી મુકેશના સ્વરમાં ગવાયેલા ગીતોમાં એવી તે શી ખાસિયત હતી કે તે ગીતો લોકપ્રિય થતા ગયા અને તેમને જ દર્દનો સ્વર માની લેવામાં આવ્યો હતો. આ સવાલનો જવાબ મુકેશના ગીતો સાંભળીને જ મળી શકે તેમ છે. તેમના ગીતો સાંભળતા દર્દનું ઉંડાણ અનુભવી શકાય છે. મુકેશની ખાસિયત એ છે કે જ્યારે આપણે ‘ઝિંદગી હમે તેરા ઐતબાર ના રહા‘ સાંભળીએ ત્યારે ધીરે-ધીરે હતાશા તરફ સરકતા જતા હોઈએ તેમ લાગે છે. તો વળી બીજા એક ગીત ‘ગર્દિશ’ મેં તારે રહેંગે સદા‘માં ઘણૂબધુ ખતમ થઈ ગયા પછી પણ કેટલૂક બચી ગયાનું આશ્વાસન આપતા હોય તેમ લાગે છે. હતાશા અને આશ્વાસનનો સૂર મુકેશના કેટલાય ગીતોમાં જોવા મળે છે. આ બન્ને ભાવ પીડામાંથી આવે છે. એ પીડા જે મનુષ્ય જીવનની અનિવાર્ય બાબત છે. એટલે જ શ્રોતાઓને મુકેશના ગીત પોતાની નજીક લાગતા. ઈ.સ.૧૯૬૦-૭૦ ના તબક્કામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એ તો સાબિત થઈ ગયું હતું કે, દર્દીલા ગીતો માટે મુકેશના બહેતરીન અવાજનો કોઈ પર્યાય નથી પરંતુ છતાં હકીકત એ પણ હતી કે સંગીતકારો અને ફિલ્મ નિર્દેશકો તેમના અવાજ સાથે પ્રયોગ કરવામાં પાછા પડતા હતા. આ જ પ્રકારની એક ઘટના ફિલ્મ ‘મેરા નામ જોકર‘ના મેકિંગ સમયે ઘટી હતી. આમ તો મુકેશ, રાજ કપૂરનો અવાજ ગણાતા હતા. પરંતુ જ્યારે ફિલ્મ ‘મેરા નામ જોકર‘ના ગીત “જાને કહાં ગયે વો દિન…” માટે ગાયકની પસંદગી કરવાનો વખત આવ્યો ત્યારે રાજ કપૂર અસમંજસમાં મુકાઈ ગયા. તેમને ભરોસો નહોતો કે મુકેશ આ ગીતને ન્યાય આપી શકશે. રાજ કપૂરનું કહેવુ હતું કે, દર્દમાં ડૂબેલા વ્યક્તિના ગીતની પીડા અલગ હોય છે (જે પ્રકારના ગીતો ગાવામાં મુકેશ માહિર હતા) અને રૂઝાઈ ગયેલા ઘાને યાદ કરવાની પીડા કંઈક જુદી હોય છે. આ ગીત એ બીજા પ્રકારની પીડાને વ્યક્ત કરે છે. જો કે પછી અંતે રાજ કપૂર સહમત થયા અને ગીત મુકેશ પાસે જ ગવડાવ્યું. જેમણે સાંભળ્યું છે તેઓ જાણે છે કે સાંભળતી વખતે આ ગીતમાં અન્ય કોઈ સ્વરની શક્યતાનો વિચાર સુદ્ધાં નથી આવતો એટલી બહેતરીન ઢબે મુકેશે ગાયુ છે. સંગીતના જાણકારોનું માનવું છે કે મુકેશના સ્વરમાં મોહમ્મદ રફીના સ્વર જેવી વિવિધતા નહોતી. મન્ના ડે જેવા શ્રેષ્ઠ સૂર નહોતા કે નહોતી કિશોરકુમારના સ્વર જેવી મસ્તી! પણ છતાં તેમની પોતાની એક આગવી મૌલિકતા હતી એક સહજતા હતી. એક વખત આ અંગે સંગીતકાર કલ્યાણજીએ કહ્યું હતું કે, “જે કંઈ પણ સીધું હૃદયમાંથી નીકળે છે તે સામેવાળાના હૃદયને સ્પર્શે જ છે.” મુકેશની ગાયનશૈલી પણ એવી જ હતી. તેમની ગાયનશૈલીની સાદાઈ અને સરળતાને કેટલાક સંગીતજ્ઞાોએ ખામી ગણાવી હતી. પરંતુ સંગીતપ્રેમીઓને મુકેશનો સ્વર હંમેશા અસરકારક લાગતો.” મુકેશના ગાયનમાં રહેલી સાદાઈ તેમણે ઓઢેલી સાદાઈ નહોતી પરંતુ તેમના વ્યવહારમાં પણ એ સાદાઈનું પ્રતિબિંબ જોવા મળતું. ફિલ્મ ‘હમરાઝ‘ (૧૯૬૭)ના ગીત ‘નીલે ગગન કે તલે‘ને સ્વર આપવા બદલ મહેન્દ્ર કપૂરને ફિલ્મફેર એવોર્ડ મળ્યો ત્યારે કોઈ ગાયકે મહેન્દ્ર કપૂરને અભિનંદન પાઠવવાની તસ્દી લીધી નહોતી. જ્યારે મુકેશ અભિનંદન આપવા તેમના ઘરે પહોંચી ગયા હતા. ખાસ કરીને મહેન્દ્ર કપૂર ગાયક તરીકે મુકેશ કરતાં કેટલાય વર્ષો જુનિયર હતા છતાં મુકેશને કોઈ અહમ નહોતો. મુકેશની સહજતા સિનિયર-જુનિયરનો તફાવત જ નહોતી જાણતી.
વધુ એક પ્રસંગ વિશે જાણીએ જેમાં મુકેશની ઉદારતા અને સરળતા જોવા મળે છે. ગાયક મહેન્દ્ર કપૂરનો પુત્ર જે સ્કૂલમાં ભણતો હતો તેમાં કોઈ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ મુકેશ આવે તેમ ઈચ્છતા હતા. પ્રિન્સિપાલે મહેન્દ્ર કપૂરને વિનંતી કરી કે તેઓ મુકેશને કાર્યક્રમમાં લઈ આવે. મહેન્દ્ર કપૂરે મુકેશને આ વાત કરી અને સાથે કહ્યું કે, કાર્યક્રમના તમે કેટલા નાણાં લો છો? મુકેશે આવવાની સહમતી દર્શાવતા કહ્યું કે, હું ત્રણ હજાર લઉં છું. નક્કી થયા પ્રમાણે મુકેશ કાર્યક્રમમાં ગયા ત્યાં ગીતો ગાયા. પરંતુ કાર્યક્રમ પતાવીને પૈસા લીધા વિના નીકળી ગયા. બીજે દિવસે મહેન્દ્ર કપૂરે ફી ની વાત કરી ત્યારે તેમણે કહ્યું કે, માની લો કે નીતિન (મુકેશનો પુત્ર)ની સ્કૂલમાં ફંક્શન હોય અને તમારે હાજર રહેવાનું થાય તો શું તમે તેના પૈસા લેવાના હતા?! આ સાંભળીને મહેન્દ્ર કપૂરે કહ્યું કે,’પણ તમે ત્રણ હજાર લો છો એમ કહ્યું હતું ને?!’ મુકેશ કહે કે,’હું ત્રણ હજાર લઉં છું એમ કહ્યું હતું ત્રણ હજાર લઈશ એમ નહોતું કહ્યું.‘ મુકેશની ગાયનશૈલીની નકલ કરનારાઓનો પણ તોટો નહોતો. તેમાંથી કેટલાક ગાયક તરીકે ચાલ્યા પણ ખરા પરંતુ તેમની ગાયકીમાં એટલું ઉંડાણ નહોતું કે મુકેશ જેવી અસર પેદા કરી શકે. ગાયકના સ્વરનો જાદુ એ હોય છે કે ગીતો સાંભળતી વખતે શ્રોતા સાથે ગણગણતા પોતાની જાતને રોકી ન શકે. ફિલ્મ ‘કભી-કભી‘માં મુકેશના સ્વરમાં ગીત છે જેમાં એક કડી છે, ‘વો ભી એક પલ કા કિસ્સા થે, મૈં ભી એક પલ કા કિસ્સા હૂં, કલ તુમસે જુદા હો જાઉંગા જો આજ તુમ્હારા હિસ્સા હૂં…‘ આ ગીત જાણે મુકેશ પોતાના સંદર્ભમાં ગાતા હોય તેમ લાગે છે. આ ગીત સાંભળતી વખતે ક્યારેક સવાલ તો થાય કે, હશે કોઈ જે મુકેશથી બહેતર ગાઈ શકે, હશે કોઈ જે આપણાથી બહેતર સાંભળી શકે. આજે પણ કલાકોનો સમય ખર્ચીને મુકેશને લોકો માત્ર સાંભળતા જ નથી પરંતુ યાદ પણ કરે છે. એટલે જ તો આ ગીતના બીજા સંસ્કરણમાં તેઓએ કહેવું પડે છે, “હર એક પલ મેરી હસ્તી હૈ, હર એક પલ મેરી જવાની હૈં….”