નર્મદા જિલ્લામાં તા.૨૫ મી જુલાઇના રોજ વેપારીઓ-સેવાકિય સંસ્થાના
કર્મચારીઓ માટે ખાસ વેક્સીનેશન ડ્રાઇવ યોજાશે
રાજપીપલા સહિત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વ્યાપાર-ધંધા-વ્યવસાય કે અન્ય વ્યાપારિક ધંધા સાથે સંકળાયેલા તમામ લોકોને વેક્સીનેશની રસી લેવા અને મહત્તમ વેક્સીનેશન થાય તેમાં સહભાગી બનવા વેપારી મંડળોને કે.ડી.ભગતની જાહેર અપીલ
પ્રાંત અધિકારી કે.ડી.ભગતના અધ્યક્ષપદે કોવિડ-૧૯ રસીકરણની સ્પેશીયલ ડ્રાઇવ અંગે યોજાઇ બેઠક
રાજપીપલા,તા25
નાંદોદના પ્રાંત અધિકારી કે.ડી.ભગતના અધ્યક્ષપદે આજે રાજપીપલાના જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે તા.૨૫ મી જુલાઇના રોજ યોજાનારી કોવિડ-૧૯ રસીકરણની સ્પેશીયલ ડ્રાઇવ અંગે યોજાયેલી બેઠકમાં કોરોના સામે સુરક્ષિત રહેવા વેક્સિન જ એક અમોધ શસ્ત્ર છે. જિલ્લાના વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેક્સીનેશન ડ્રાઇવનું આયોજન કરીને વધુમાં વધુ વેપારીઓ તેમાં ભાગ લે તે માટેનું સુચારૂં આયોજન ઘડી કાઢવા જિલ્લા આરોગ્યતંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેજશભાઇ ચૌધરી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીત, મામલતદારઓ, રાજપીપલા નગર પાલિકાના ચીફ ઓફીસર રાહુલ ઢોડિયા, તાલુકા આરોગ્ય અધિકારીઓ, તબીબી અધિકારીઓ, મેડીકલ એસોશિયેઅન અને વિવિધ વેપારી મંડળના પ્રમુખ નયનભાઇ કાપડીયા સહિત વિવિધ વેપારી મંડળોની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા પ્રાંત અધિકાર કે.ડી.ભગતે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ રસીકરણના ભાગરૂપે રાજપીપલા સહિત જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારામાં પણ તા.૨૫ મી જુલાઇના રોજ ખાસ વેક્સીનેશન સેન્ટરો ઉભા કરાશે જેમાં, વ્યાપાર-ધંધા-વ્યવસાય કે અન્ય વ્યાપારિક ધંધા સાથે સંકળાયેલા લોકોને અગ્રતાના ધોરણે કોરોના વેક્સીનેશનમાં મહત્તમ વેક્સીનેશન હાથ ધરવા જાહેર અનુરોધ કર્યો હતો.
સ્પેશિઅલ વેક્સીનેશન ડ્રાઇવ દ્વારા નાના નાના વેપારીઓ, મજૂરો તેમજ તેમના પરિવારોને પણ કોરોના સંક્રમણથી બચવા માટે ખૂબ જ અગત્યનું હોવાની સાથે વેક્સીનેશન કેમ્પ વેપારી મંડળોના વેપાર સ્થળોની નજીક રાખવા સુચના આપી હતી. તેની સાથોસાથ વ્યાપાર-ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલ તમામ લોકો અને તેમની સાથે દુકાનમાં કામ કરતાં અન્ય લોકો અને તેમના પરિવારજનોને પણ આ વેક્સીનેશનનો લાભ આપવામાં આવશે. તેમજ જે લોકોએ વેક્સીન લઇ લીધી હોય તેવા વેપારીઓએ વેક્સીન રસીના સર્ટિફિકેટ પણ દુકાનમાં રાખવા અને તા. ૩૧ મી જુલાઇ સુધીમાં વેક્સીનેશનની રસી અવશ્ય લેવાની તાકીદ કરાઇ છે.
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીતે વેપાર-ધંધા સાથે સંકળાયેલ તમામ લોકોને રાજપીપલામાં સ્પેશિયલ ડ્રાઇવ માટે રાજપીપલા પ્રાઇમરી અર્બન હેલ્થ સેન્ટર, વીર અસ્ફાક ઉલ્લાખાન શાળા, રેડ ક્રોસ બ્લડ બેંક અને દોલત બજાર મંદિર પાસે તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વેક્સીનેશન સાઇટ પર વેક્સીનેશની રસી લેવા અને મહત્તમ વેક્સીનેશન થાય તેમાં સહભાગી બનવા વેપારી મંડળોને અપીલ કરી છે.
પ્રાંત અધિકારી કે.ડી.ભગતે ઉક્ત બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી તા.૨૫ મી ના રોજ વેપારીઓ અને વેપારી મંડળો માટે સ્પેશીયલ વેક્સીનેશન ડ્રાઇવ રાખવામાં આવી છે. તેના અનુસંધાને આજે તમામ વેપારી મંડળો અને સંલગ્ન જિલ્લા વહિવટીતંત્રના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાવામાં આવી હતી. જેમાં નર્મદા જિલ્લામાં દરેક તાલકાઓમાં વેપારીઓ અને તેમની દુકાનો કે જે પણ એમની સંસ્થામાં કામ કરતા દરેક કર્મચારીઓ વેક્સીન લઇ લે એટલા માટે સુચારૂં આયોજન જિલ્લા વહિવટીતંત્ર તરફથી કરાયું છે.
વધુમાં કે.ડી.ભગતે ઉમેર્યું હતું કે, તા. ૨૫ મી ના રોજ સ્પેશીયલ ઝુંબેશ થકી વેક્સીનેશન લઇ લે અને જે વેક્સીનેશન નહી લે તેઓ તેમના વાણિજ્ય કર્મ ચાલુ રાખી શકશે નહી. આજે ઉક્ત યોજાયેલી બેઠકમાં વેપારી મંડળ તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હોવાની સાથે તા. ૨૫ મી ના રોજ યોજાનારી સ્પેશીયલ ડ્રાઇવમાં વેપારી મંડળો અને વાણિજ્યક સંસ્થાઓને વેક્સીનેશનમાં મહત્તમ લાભ લેવા ભગતે અપીલ કરી છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા