ભારતીય તટરક્ષક દળે ગુજરાતના ઉમરગામમાં ડુબી રહેલા MV કંચન પરથી 12 ક્રૂને બચાવ્યા
પ્રતિકૂળ હવામાનમાં વીજળીના અભાવે MV કંચન પાણીમાં ફસાયું હતું. ICGના MV હેર્મીઝે ત્વરિત ઓપરેશન હાથ ધરીને તમામ 12 ક્રૂને બચાવી લીધા. વધુ ICG જહાજો મદદ માટે સહાય માટે તૈનાત કરવામાં આવ્યા
ભારતીય તટરક્ષક દળે 21 જુલાઇ 2021ના રોજ ગુજરાતના ઉમરગામ નજીક દરિયામાં ફસાયેલા મોટર વેસેલ (MV) કંચનમાં સવાર 12 ક્રૂને બચાવી લીધા હતા. મુંબઇ સ્થિત સમુદ્રી બચાવ સંકલન કેન્દ્ર (MRCC)ને મુંબઇ સ્થિત DG સંદેશાવ્યવહાર કેન્દ્ર પરથી 21 જુલાઇ 2021ના રોજ બપોર પછી માહિતી પ્રાપ્ત થઇ હતી કે, MV કંચન તેનું ઇંધણ દૂષિત થઇ જવાથી અને તેના કારણે એન્જિન કામ કરતું બંધ થવાથી તેમજ પ્રતિકૂળ હવામાનના કારણે ઓનબોર્ડ વીજપુરવઠો ખોરવાઇ જવાથી દરિયામાં ફસાઇ ગયું છે. બાદમાં તે દિવસની સાંજે, વેસેલ (જહાજ)ના માસ્ટરે જાણ કરી હતી કે, સ્ટીલ કોઇલનો સામાન લઇ જઇ રહેલા MV કંચને લંગર છોડી દીધું છે અને જમણી બાજુએથી પાણીમાં ડુબી રહ્યું છે.
MRCC મુંબઇ દ્વારા તાત્કાલિક આંતરરાષ્ટ્રીય સલામતી નેટ (ISN) સક્રિય કરવામાં આવી હતી અને MV હેર્મીઝને તાત્કાલિક ડુબી રહેલા જહાજ તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યું હતું. કઠોર સમુદ્રી સ્થિતિઓમાં પણ MV હેર્મીઝ દ્વારા ત્વરિત ઓપરેશન હાથ ધરીને MV કંચન પર સવાર તમામ 12 ક્રૂને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ફસાયેલા જહાજની મદદ માટે ઇમરજન્સી ટોઇંગ વેસલ (ETV) વોટર લીલીને પણ મુંબઇ સ્થિત DG શિપિંગ દ્વારા તૈનાત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, જહાજને મદદ પહોંચાડવા માટે જહાજના માલિક દ્વારા બે ટગ (ખેંચીને લઇ જવા માટેની બોટ) પણ નિયુક્ત કરવામાં આવી હતી.