સેવાભાવી સંસ્થાના સહયોગથી જિલ્લા પ્રશાસન દ્વારા અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત નિરાધાર પરિવારોને નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્તે જીવન જરૂરી ચીજ-વસ્તુઓના કિટ્સના વિતરણ સાથે સાંજનું ભોજન પીરસાયું
“નોંધારાનો આધાર પ્રોજેક્ટ” માર્ગદર્શિકા પુસ્તિકાનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે કરાયેલું વિમોચન
રાજપીપલા,તા 9
નવસારીના સાંસદઅને ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલે નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન જિલ્લા પ્રશાસન દ્વારા સેવાભાવી સંસ્થાના સહયોગ થકી હાથ ધરાયેલા “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત શરૂ કરાયેલા “સેન્ટ્રલ કિચન” દ્વારા રાજપીપલા શહેરમાં ફૂટપાથ પર પોતાનું જીવન ગુજારતા લોકોને બે ટંકનું ભોજન પુરું પાડવાની માનવીય તાસભર પ્રવૃત્તિ અંતર્ગત રાજપીપલામાં હરસિધ્ધી માતાજીના મંદિર સામેના વિસ્તારમા વસવાટ કરતા આવા નિરાધાર પરિવારના સભ્યોને પાટીલે આજે સાંજનું ભોજન પિરસ્યું હતું. તેમજ જીવન જરૂરીયાતની તમામ પ્રકારની ચીજવસ્તુઓની કિટ્સના વિતરણની સાથે દિવ્યાંગ લાભાર્થીને સાધન-સહાય અર્પણ કરાઇ હતી. ત્યારબાદ “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” માર્ગદર્શિકા પુસ્તિકાનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે વિમોચન પણ કરાયું હતું.
છોટાઉદેપુરના સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી શ્રી ઘનશ્યામભાઇ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ તેમજ વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજશભાઇ ગાંધી, યુવા અગ્રણી નીલ રાવ,સહિત વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહીને ઉક્ત કિટ્સ વિતરણમાં સહભાગી બન્યાં હતાં.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત રાજપીપલા શહેરમાં જેમના માથે આકાશની છત અને જમીનનો ઓટલો છે એવા સાવ નોંધારા પરિવારોનો સર્વે કરીને સાવ અસહાય પરિવારોના સદસ્યોને વિવિધ પ્રકારે મદદરૂપ બનીને તેમને સમાજમાં સ્થાપિત કરવા માટે જિલ્લા પ્રશાસને હાથ ધરેલા પ્રયાસોની વિસ્તૃત જાણકારી આપી પાટીલે આ માનવીયતાસભર પ્રવૃત્તિથી વાકેફ કર્યાં હતાં. પાટીલે જિલ્લા પ્રશાસનના પ્રયાસોને બિરદાવી જિલ્લા કલેક્ટર સહિત તેમાં સહયોગી સહુ કોઇને અભિનંદન આપ્યાં હતાં.
આ પ્રસંગે માધ્યમો સાથેના સંવાદમાં સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટરે જે રીતે લોકોનો સાથ મેળવીને અને સરકારની યોજનાઓને જોડીને રાત્રિના ૮ થી ૧૧ કલાક દરમિયાન પોતે રાઉન્ડ લઇને આવા કોઇ પણ વ્યક્તિ ભુખ્યા ન સૂઇ જાય તેના માટે કરેલો પ્રયત્ન ખરેખર પ્રસંશાનેપાત્ર હોઇ, તેમને ખૂબ ખૂબ અભિનંદન સાથે ધન્યવાદ પાઠવ્યાં હતાં. આ પ્રવૃત્તિમાં અલગ-અલગ NGO ને પણ જોડેલ છે, જે જરૂરીયાતમંદ લોકોને અપાતી આ કિટ્સમાં જરૂરીયાતની તમામ ચીજ-વસ્તુઓ આપી છે. સાથે સાથે તેમને તૈયાર જમવાનું ભોજન જ્યાં હોય ત્યાં પહોંચાડે છે. એ જ રીતે અન્નદાન સાથે તેમની તમામ જીવન જરૂરીયાતની સંપૂર્ણ વસ્તુઓ આપીને એક નવો ચીલો પાડ્યો છે. દરેક અધિકારી અને દરેક કાર્યકર્તા આ રીતે કામ કરશે તો દેશની જે સંસ્કૃતિ છે તે સંસ્કૃતિ મુજબ ક્યારેય કોઇ ભૂખ્યો ન સૂઇ જાય કે કોઇ ભૂખ્યો સૂતો નથી તેવી આ બંન્ને વાતની પ્રતીતિ થશે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા