તા. ૧૯ : ફેબ્રુઆરીના મધ્યથી જ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ વખતનો ઉનાળો દેશના મોટાભાગના વિસ્તારોમાં ધોમધખતો રહેવાનો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે, મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં સામાન્ય કરતાં તાપમાન વધુ રહેવાની ‘પ્રબળ શકયતા’ છે. એપ્રિલમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંડીગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મોટાભાગના મહારાષ્ટ્રમાં સરેરાશ તાપમાન સામાન્ય કરતાં ૧-૧.૫ ડિગ્રી સેલ્સિઅસ ઊંચું રહેશે.
દક્ષિણ ભારત રાજયનો અને મહારાષ્ટ્ર માટે શિયાળાનો મહિનો હોવા છતાં ફેબ્રુઆરી થોડો ગરમ રહ્યો હતો. આગામી બે મહિનામાં ગરમીનો પારો ઊંચો ચડશે તેવી શકયતા છે. દેશમાં માર્ચ અને એપ્રિલમાં મહિનાનું સરેરાશ તાપમાન સામાન્ય કરતાં ૧-૧.૫ ડિગ્રી સેલ્સિઅસ ઊંચું રહી શકે છે. ખાસ કરીને મધ્ય ભારતમાં આ સ્થિતિ જોવા મળશે. આગાહી મુજબ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દક્ષિણ ભારતના કર્ણાટક, આંધપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજયોમાં સરેરાશ તાપમાન વધારે રહેશે. ગ્લોબલ વોર્મિંગના કારણે થતી ગ્રીનહાઉસ ઉત્સર્જન સાથે સંકળાયેલું ગ્લોબલ વોર્મિંગનું વલણ વધુ ગરમી માટે જવાબદાર છે.
એક અધિકારીએ કહ્યું, ‘હાલ તો હવામાનમાં અલ નીનો (તાપમાનને સામાન્ય કરતાં વધુ ગરમ બનાવે) જેવા આબોહવાના મોટાપાયાના પરિબળોની હાજરી વર્તાતી નથી. પરંતુ ગયા વર્ષે જૂન મહિના સુધી અલ નીનો જેવી સ્થિતિ જોવા મળી હતી. જેની અસર આ વર્ષના ઉનાળા પર જોવા મળી શકે છે. આ વર્ષે ઉનાળો સામાન્ય કરતાં વધુ ગરમ રહી શકે છે. આ સંભાવનાને ભૂતકાળમાં થયેલા એક સ્ટડીનો ટેકો મળ્યો છે.’