જામનગર
જામનગર ની જી.જી. હોસ્પિટલ ખાતે સગર્ભાઓ માટે નવા અલાયદા સોનોગ્રાફી વિભાગનો શુભારંભ કરવામાં આવ્યો.*
જી. જી. હોસ્પિટલ ખાતે પ્રતિદિવસ અંદાજિત ૧૫૦થી ૨૦૦ જેટલી સગર્ભા સ્ત્રીઓની અને વાર્ષિક ૫૦ હજારથી વધુ સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફી કરવામાં આવે છે. આ સમયે કોરોના મહામારી દરમ્યાન પણ સગર્ભા સ્ત્રીઓ અને ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્યની કાળજી અર્થે સગર્ભાઓને કોઈ તકલીફના રહે તેવા હેતુ સાથે જૂની કેન્ટીન ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ રેડિયોલોજી દ્વારા અલાયદા સોનોગ્રાફી વિભાગનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ અલાયદા સોનોગ્રાફી વિભાગનો આજરોજ ડેપ્યુટી ડાયરેકટર મેડિકલ સર્વિસીસ ડો. તૃપ્તિ નાયક તથા સગર્ભા મહિલાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. જી.જી. હોસ્પિટલ ખાતે જામનગર શહેર ઉપરાંત જિલ્લાના સિક્કા, ફલ્લા, પડાણા, અલીયાબાડા, ધ્રોલ, વસઈ, લાલપુર, ધુતારપર, મોડપર વગેરે પી.એચ.સીથી પણ સગર્ભા સ્ત્રીઓને વાહનની સુવિધા દ્વારા સોનોગ્રાફી માટે અહીં લાવવામાં આવે છે. વધુમાં વધુ સગર્ભાઓને આ લાભ મળી શકે અને હાલ કોરોના મહામારીમાં હોસ્પિટલના સંભવતઃ સંક્રમિત વિસ્તારથી દૂર સુરક્ષિત જગ્યામાં તપાસ થઈ શકે તે માટે આ અલગ વ્યવસ્થા નિર્મિત કરવામાં આવી છે.
આ વિભાગમાં વેઇટીંગ એરીયા, હવા-ઉજાસ સાથેનું વાતાવરણ, પીવાના ઠંડા પાણી તેમજ નાસ્તાની સુવિધાઓ નિર્મિત કરવામાં આવી છે જેથી સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફી સલામતીપૂર્વક, સમયસર અને અનુકૂળ વાતાવરણમાં કરી શકાય. આ સાથે જ વિભાગમાં સગર્ભાઓ માટે હકારાત્મક વાતાવરણના નિર્માણ હેતુ વાંચન માટે ઉમદા પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી છે જે તેઓ ત્યાં વાંચી શકે છે અને સાથે જ પોતાના ઘરે પણ લઈ જઈ શકે છે. આમ સ્વસ્થ ભારતના નિર્માણ હેતુ તંદુરસ્ત બાળક અને તંદુરસ્ત માતાની અભિલાષાને પરિપૂર્ણ કરવા આ નવી વ્યવસ્થાઓનો જામનગર જિલ્લાની સગર્ભાઓને આજથી લાભ મળશે. આ પ્રસંગે જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ શ્રી દિપક તિવારી, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીનશ્રી નંદિની દેસાઇ, એડીશનલ સુપ્રિટેન્ડંટશ્રી ધર્મેશ વસાવડા, રેડિયોલોજી વિભાગના વડા હિરલ વસાવડા તથા હોસ્પિટલના અન્ય કર્મચારીઓ અને સગર્ભાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
https://youtu.be/sE-H4iwAdYY