અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વૃક્ષારોપણ દ્વારા રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વૃક્ષારોપણ દ્વારા રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

અમદાવાદ: સિવિલ મેડિસીટી કેમ્પસની સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે ની અનોખી ઉજવણી કરવામાં આવી. સિવિલ હોસ્પિટલના વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરીને તબીબો દ્વારા ઉજવણી હાથ ધરાઇ હતી.
અસારવા વિધાનસભાના ધારાસભ્યશ્રી પ્રદિપભાઇ પરમાર દ્વારા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં વૃક્ષારોપણ માટે દોરવણી કરીને વૃક્ષોનું વાવેતર કરવામા આવ્યુ હતુ.
કોરોનાની બીજી લહેરમાં પ્રાણવાયુ સમા ઓક્સિજનનું મહત્વ સમજાયું છે ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દી અને તેમના સ્વજનોને વૃક્ષો માંથી ઓક્સિજન મળી રહે તે માટે ના શુભ આશય થી વૃક્ષારોપણ હાથ ધરવામાં આવ્યું હતુ.
સિવિલ હોસ્પિટલ અને સિવિલ મેડિસીટી કેમ્પસના ગ્રીન કવરમાં વધારો થાય તે હેતુથી સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ દ્વારા વધુમાં વધુ વૃક્ષો વાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં બી.જે.મેડિકલ કૉલેજના ડીન ડૉ. પ્રણવ શાહ, સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી સહિત તબીબો , નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

કોરોના મહામારીમાં સતત દોઢ વર્ષથી ખડપગે સેવારત તમામ તબીબો ને આજે ખરા અર્થમાં આ નેશનલ ડૉક્ટર્સ ડે સમર્પિત છે. જેઓએ રાત-દિવસ દરેક પરિસ્થિતિમાં જીવના જોખમે સ્વ નહીં પરંતુ સમષ્ટિને પ્રાધાન્ય આપીને કાર્ય કર્યું છે.
તબીબો ખરા અર્થમાં દેવદૂત છે તે આ કોરોના મહામારીમાં જોવા મળ્યું છે. ભગવાન તો માણસને એક જ વખત જન્મ આપે છે પરંતુ કેટલીક પરિસ્થિતિમાં ડોક્ટર માણસને વારવાંર જીવતદાન આપે છે. આપણી આસપાસ કેટલાય એવા કિસ્સા જોવા મળ્યા છે જેમાં ડૉક્ટર્સે એક માણસને અનેક વાર મોતના મુખે થી બચાવીને નવજીવન બક્ષ્યું હોય.