*સિંગરવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસીસ કેન્દ્ર શરૂ*
……………….
*C.H.C.માં ત્રણ એચ.ડી. ડાયાલિસીસ મશીન કાર્યાન્વિત કરાયા*
……………….
*ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ(GDP) હેઠળ રાજ્યમાં 53 કેન્દ્રો કાર્યરત*
……………….
ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસી એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC) અમદાવાદે રાજ્યભરના વિવિધ જિલ્લા અને તાલુકા સ્તરે ડાયાલિસિસ કેન્દ્રને વેગવાન બનાવ્યો છે. રાજ્યસરકારના સહયોગથી કાર્યરત ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ (GDP) અંતર્ગત ડાયાલિસીસનીં જરૂરિયાત ધરાવતા દર્દીઓને સરળતાથી સેવા ઉપલબ્ધ થઇ છે.
અમદાવાદ જિલ્લાના સિંગરવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર(CHC) માં ત્રણ ડાયાલિસીસ એચ.ડી. મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. અત્યાધુનિક સુવિધાઓ અને તકનીકથી સજ્જ આ મશીનોના કાર્યાન્વિત થવાથી ગ્રામ્ય સ્તરે ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈ.એસ.આર.ડી. દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ(જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે.સિંગરવા હોસ્પિટલમાં ડાયાલિસીસ મશીનો મૂકાવવાથી આજે ડાયાલિસીસ કેન્દ્રોની સંખ્યા ૫3 થઇ છે. જેમાં ૫૦૦થી વધુ ડાયાલિસિસ મશીન સજ્જ છે. અહીં વર્ષમાં ૩ લાખથી વધુ ડાયાલિસિસ કરે છે.
ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટરે (IKDRC) એન્ડ સ્ટેજ રિનલ ડીસીસ( ઈએસઆરડી) દ્વારા સંચાલિત રાજ્યભરના ડાયાલિસીસ કેન્દ્રો જિલ્લાઓમાં ૫૦ લાખથી વધુ વસ્તી માટે ઈએસઆરડી દર્દીઓને લાસ્ટ માઈલ કનેક્ટીવીટી સાથે કિડની કેર પુરુ પાડી રહ્યું છે.
આ અંગે પ્રતિભાવ આપતા ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર( IKDRC)ના નિયામક શ્રી વીનિત મિશ્રાએ જણાવ્યું : “ અમારો પ્રયાસ એ છે કે ડાયાલિસિસ સેવાને સરળતાથી સુલભ અને આરામદાયક બનાવવા માટે મુસાફરીનો સમય ઘટાડવા માટે ૩૦ કિલોમીટર અંતરની અંદર રાજ્યમાં દરેક ઈએસઆરડી દર્દી માટે ડાયાલિસિસ સેવાઓને સુલભ બનાવવામાં આવે. ”
શ્રી મિશ્રાએ ઉમેર્યું હતું કે, ડાયાલિસિસ કેન્દ્ર સુધી પહોંચવાના મુસાફરીના સમયમાં ઘટાડો કરવો મહત્વપૂર્ણ છે. કારણ કે એક ઈએસઆરડી દર્દીને ડાયાલિસિસ કરવામાં ૩ થી ૪ કલાક લાગે છે. જો કોઈ દર્દીને ડાયાલિસિસ કેન્દ્ર સુધી પહોંચવામાં એક કલાકથી વધુનો સમય લાગે તો આખો દિવસ વેડફાય છે.”
****