*જામનગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂ.૮૨૯.૦૩ લાખના ૩૬૯ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા.*
જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી તેમજ ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ*
જામનગર: જિલ્લા આયોજન મંડળ જામનગર દ્વારા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટરશ્રી સૌરભ પારધી તેમજ સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ અને કલેકટરશ્રી ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા તેમજ કલેકટર કચેરીના સભાખંડ ખાતેથી મેયરશ્રી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઇ ચનિયારા તથા ધારાસભ્યશ્રી રાઘવજીભાઇ પટેલ, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા અને અન્ય અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતોથી તાલુકા અધિકારીઓ વર્ચ્યુઅલ જોડાયા હતા. આ બેઠકમાં જામનગર મંત્રીશ્રીએ જિલ્લામાં તેમજ તાલુકાઓમાં, ગ્રામ વિસ્તારોમાં થયેલા કામકાજો, બાકી રહેલ કામકાજો વગેરેની વિગતવાર માહિતી મેળવી કામોની સમિક્ષા કરવામાં આવેલ અને લોકવિકાસના પ્રાથમિક આવશ્યકતાના કામોને અગત્યતા આપવા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
પ્રભારી મંત્રી તરીકે સૌરભભાઇ પટેલ દ્વારા લેવામાં આવેલ જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ યોજનાઓ પૈકી ૧૫% વિવેકાધીન જોગવાઇ હેઠળ રૂ.૭૨૮.૦૩ લાખના ૩૨૧ કામો, અનુ.જાતિ જોગવાઇનાં રૂ. ૮૧ લાખના ૪૯ કામો તથા ૫% પ્રોત્સાહક જોગવાઇ હેઠળ રૂ.૨૦ લાખના ૮ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આમ,કુલ રૂ.૮૨૯.૦૩ લાખનાં કુલ ૩૬૯ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રાજેન્દ્ર રાયજાદા, આયોજન અધિકારીશ્રી તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.