પાર્થિવ અધ્યારુ
Scientist ( Electronics )
West Germany
1969
સફેદ સૂતરાઊ ઝભ્ભામાં છુપાયેલી બહુમુખી પ્રતિભા …
સૂટબુટ અને ખાદીની વચ્ચે ધબકતી એક નિરાળી અભિવ્યક્તિ!
શુધ્ધ ગુજરાતી ભાષા અને ફ્લુઅન્ટ જર્મન ભાષા વચ્ચે ઝૂલતી એક સરળ વ્યક્તિ!
ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર અને મિલમાલિકની વચ્ચે સુમેળ સાધતી એક અનન્ય પરિભાષા!
બેન્કીંગ ક્ષેત્ર અને હનુમાન ભક્ત વચ્ચે સધાયેલી એક અનોખી સાધના!
પારિવારિક જવાબદારીઓ અને સમાજસેવાની વચ્ચે છલકાતી લાગણીઓની એક કહાની!
એક અલગારુ નાગર વ્યક્તિત્વ!
૬૦નાં દાયકામાં જ્યારે વિદેશ જવું એ જાણે ચંદ્ પર જવા જેવું ગણાતું ત્યારે તે વખતમાં તેઓ જર્મની આગળ અભ્યાસ અર્થે ગયા. શાળા પછી તરત જ પોતાનો દેશ છોડી સાવ અજાણ્યા લોકો અને અજાણી ભાષા સાથે તેઓએ એક એવો નાતો જોડ્યો કે જે આજપર્યંત તેમનામાં ધબકી રહ્યો છે! ૧૮ વર્ષની ઉંમરે વિદેશમાં જઈને તેઓ ૧૨ વર્ષ ત્યાં રહ્યા, ભણ્યા છતાં તેઓમાં અંશ માત્ર દૂષણ ન ઘૂસ્યા , તેનું કારણ તેમના માતા-પિતાના સંસ્કાર જ કહી શકાય! ન તો ધૂમ્રપાન , ન મદ્યપાન કે ન માંસાહાર અને વાત એ બની કે તેમને મળ્યા પછી તેમના કેટલાંક જર્મન મિત્રોએ તેમની આવી આદતો છોડી દીધી! તે સમયે માંડ મહિને- બે મહિને પરિવાર સાથે માંડ ફોન લાગે તો વાત થાય તેવાં સમયમાં પોતાની રીતે જ બધા નિર્ણયો લેવાના આવે એ વાત આજે ઈન્ટરનેટ યુગના બાળકો માટે તો માન્યામાં જ ન આવે તેવી વાત બની રહે! ખાસ કરીને આજના બાળકો તથા યુવાઓએ આ કહાની વાંચવા અને વિચારવા જેવી છે કે જેઓ થોડો વખત વિદેશ રહીને તેમની રહેણીકરણી , વેશભૂષા , હાવભાવ અને ઉચ્ચારણ બધું બદલી નાંખે છે!
આટલો લાંબો સમય પશ્ચિમમાં રહ્યા છતાં તેમનામાં કોઈ પણ પ્રકારનો બદલાવ શી રીતે ન આવ્યો, તેના જવાબમાં તેઓ કહે છે કે, “ કોઈ પણ પ્રકારનો શોઓફ વ્યક્તિને પાયમાલ કરી નાંખવામાં આગળ પડતો ભાગ ભજવે છે. મને ત્યાં જઈને ખ્યાલ આવ્યો કે દેશ તેવો વેશ હોવો જોઈએ કારણકે એ બધું ત્યાંની ઋતુને અનુરુપ હોય છે. અહીં આવીને આપણે પણ જ્યારે સૂટબૂટ પહેરવાની કોપી કરીએ કે અમુક બીજી વિદેશની આદતો ગ્રહણ કરીએ તો એ આપણા દેશની ઋતુ માટે અનુકૂળ નથી હોતું, માટે આપણે જ્યારે આપણાં દેશમાં હોઈએ ત્યારે આપણે સૂતરાઊ કપડાં જ પહેરવા જોઈએ કો બીજી શૈલી પણ એ જ રીતે કેળવવી જોઈએ.”
“આજે પણ તમારા જર્મન મિત્રો તમારા સંપર્કમાં છે અને તમે લોકો શું અવારનવાર મળતા રહો છો?” સવાલનાં જવાબમાં પાર્થિવભાઈ કહે છે કે “ આજે પણ જર્મનીથી અમદાવાદ વચ્ચે અમારા મિત્રો વચ્ચે હોટલાઈન નાંખેલી હોય તેમ અમે સોશ્યિલ મિડિયા, ફોન વગેરેથી સંકળાયેલા રહીએ છીએ. ઘણી વાર કામમાં મહિનાઓ પણ નીકળી જાય પણ જ્યારે પણ વાત થાય ત્યારે અમે એ જ તરોતાજી મૈત્રીનો અનુભવ કરીએ છીએ . મારી પત્ની વૈદેહી પણ એ લોકો સાથે સંપર્કમાં રહે છે . ત્યાંનાં મિત્રોના સંતાનો પણ અમારા બાળકો સાથે હળીમળી ગયા છે અને તેઓ પણ અવારનવાર મળતા રહે છે. તેઓ અમારે ત્યાં લગ્ન કે વારતહેવારે પ્રસંગોમાં અવારનવાર આવતા રહે છે. અમે પણ એમના પ્રસંગોમાં ત્યાં જઈએ છીએ.”
એ વખતે તમે જર્મન ભાષામાં અભ્યાસ કર્યો તો તમને અઘરુ ન પડ્યું ? તમે કેવી રીતે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ બાદ જર્મન માધ્યમમાં અને એ પણ ઈલેકટ્રોનિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી શક્યા ?
“ મન હોય તો માળવે જવાય” કહેવત છે એ સાચી જ છે. જો તમે મહેનત , ખંત અને ધૈર્યથી કાર્ય કરો તો તેમાં સફળતા મળે જ છે. જર્મન ભાષા હું ખૂબ જલ્દી ગ્રહણ કરી શક્યો જો કે મેં એ માટે કોઈ વિશેષ પ્રયત્નો કર્યા ન હતા. જર્મન ભાષાના પુસ્તકો વાંચવા, જર્મન મિત્રો બનાવીને તેમની સાથે હળવુંમળવું , ટીવીના કાર્યક્રમ અને અમુક એજ્યુકેશનલ ફિલ્મ્સ જોવી એ બધા પ્રયત્નો અને ક્લાસીસ એટલું કોઈ પણ નવી ભાષા શીખવા માટે પૂરતું હોય છે.”
“ આજે પણ મારા જર્મન મિત્રોનો ફોન આવે તો હું એટલી જ ફ્લુઅન્સીથી વાત કરી શકું છું. હું એમ કહું તો એમાં કોઈ જ અતિશયોક્તિ નથી કે મને અંગ્રેજી કરતાં પણ જર્મન ભાષા વધારે સારી આવડે છે.”