શિક્ષણ વિભાગે પલટી મારી! બોર્ડની માર્ક્સશીટ દર વર્ષ કરતાં જુદી હશે, પાછળ માસ પ્રમોશનનું નોટિફિકેશન છપાશે; પહેલાં કહ્યું હતું કે ‘માસ પ્રમોશનનો ઉલ્લેખ નહીં થાય’
માર્ક્સશીટનાં કલર કે ડિઝાઇન બદલવા અંગે શિક્ષણબોર્ડ નિર્ણય લેશે
ધો.10 અને 12ના વિદ્યાર્થીને કંઈ ફોર્મ્યુલાથી માર્ક્સ મળ્યા એ પણ. માર્ક્સશીટમાં દર્શાવાશે
કોરોના મહામારીને કારણે આ વર્ષે ધોરણ 10 અને 12 બંનેમાં માસ પ્રમોશન આપી દેવાયું છે અને બંને ધોરણમાં માર્ક્સ મૂકવાની ફોર્મ્યુલા જાહેર કર્યા બાદ દરેક સ્કૂલે શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર માર્ક્સ પણ અપલોડ કરી રહ્યા છે. તાજેતરમાં શિક્ષણ બોર્ડની રાજ્યના સરકારી, ગ્રાન્ટેડ શાળાના આચાર્યો અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરવામાં આવી હતી, જેમાં બોર્ડના વિદ્યાર્થીઓને માર્ક્સ આપવા, ફોર્મ્યુલા પ્રમાણે ગણતરી કરવી સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. એવામાં આ વર્ષે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને અપાનારી માર્ક્સશીટ પણ દર વર્ષ કરતાં અલગ હોવાનું શિક્ષણવિદો જણાવે છે.
(માસ પ્રમોશનનું નોટિફિકેશન છપાશે)
દર વર્ષ કરતાં આ વર્ષની માર્ક્સશીટમાં રૂપ-રંગ જુદા કરવામાં આવી શકે છે. માર્ક્સશીટની પાછળની બાજુ સરકારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું એ અંગેનું નોટિફિકેશન પણ છપાશે. આ ઉપરાંત ધો.10માં અને ધો.12માં કઈ ફોર્મ્યુલાથી વિદ્યાર્થીઓને માર્ક્સ અપાયા એ ફોર્મ્યુલા પણ માર્ક્સશીટની પાછળ છાપવાની સંભાવના રહેલી છે.
(કલર અને ડિઝાઇન બોર્ડ નક્કી કરશે)
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ જણાવ્યું હતું કે માર્ક્સશીટમાં ક્યાંય માસ પ્રમોશન પણ દર્શાવાશે નહીં. આ વર્ષની માર્ક્સશીટના કલર કે ડિઝાઇન બદલવા અંગે શિક્ષણ બોર્ડ નિર્ણય લેશે, પરંતુ માર્ક્સશીટની પાછળની બાજુ આ વર્ષે સરકારે વિદ્યાર્થીઓને જે માસ પ્રમોશન આપ્યું છે એ અંગેની જોગવાઈનો ઉલ્લેખ કરાશે. આ ઉપરાંત બંને ધોરણની જુદી જુદી ફોર્મ્યુલા પણ માર્ક્સશીટની પાછળ છપાશે. કલર-ડિઝાઈન સામાન્ય બાબત છે એ અંગે બોર્ડ નિર્ણય કરશે. આ બાબતોને કારણે આ વર્ષની ધોરણ 10 અને 12ની માર્ક્સશીટ દર વર્ષ કરતાં જુદી હશે.