અમદાવાદ જગન્નાથ મંદિરે યોજાઈ જળયાત્રા. મંદિર થી સાબરમતી નદીના તટે સપ્ત નદી સંગમ સ્થાને ભગવાન જગન્નાથની યોજાઈ જળયાત્રા



અમદાવાદ જગન્નાથ મંદિરે યોજાઈ જળયાત્રા. મંદિર થી સાબરમતી નદીના તટે સપ્ત નદી સંગમ સ્થાને ભગવાન જગન્નાથની યોજાઈ જળયાત્રા. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પૂજનવિધિ કરવામાં આવી*

અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ યોજાતી જગવિખ્યાત રથયાત્રા પૂર્વે આજે સાબરમતી નદીના તટે સપ્ત નદીના સંગમ સ્થાને થી ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ હતી.
આ જળયાત્રામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સાબરમતી નદીમાંથી લવાયેલ કળશથી સોડષોપચાર પૂજન વિધિ કરીને ભગવાન જગન્નાથજીને જળાભિષેકમા સહભાગી થયા હતા. રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા નાગરિકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે ત્યારે કોરોનાકાળ વચ્ચે કોરોનાના તમામ દિશાનિર્દેશોનું પાલન કરીને જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથજીનું મંદિર ધાર્મિક આસ્થા અને ભક્તોની લાગણીઓની સાથે સાથે આજે નાગરિકોની સેવા માટેનું કેન્દ્રબિંદુ બન્યું છે.
જગન્નાથ મંદિરના પ્રાંગણમાં નાગરિકો માટે નિ:શૂલ્ક કોરોના રસીકરણ અને પોલીસ જવાનો માટે ટેલીમેડિસીનની સેવા શરૂ કરાઇ હતી જેના થકી જગન્નાથ મંદિરમાં સેવાનું ત્રિ-સંગમ જોવા મળ્યું.
જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીને જળાભિષેક કરી મંદિરના પ્રાંગણમાં થઇ રહેલ કોરોના રસીકરણની કામગીરી અને ટેલીમેડિસીન સેવાનો નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ તાગ મેળવ્યો હતો.
ત્યારબાદ મીડિયા સાથેના સંવાદમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે, છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ અમદાવાદ કે ગુજરાત જ નહી પરંતુ દેશ આખા માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે શાંતિ-સલામતિ-સુરક્ષામય વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થાય એ રાજ્ય સરકારની અગ્રીમતા છે…
કોમી એખલાસ અને શાંતિપૂર્ણ ધાર્મિક વાતાવરણમાં સદભાવથી આ રથયાત્રા સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.ગુજરાત જ નહી પરંતુ દેશ આખાની આસ્થા કેંદ્ર સમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે લોકોત્સવ બન્યો છે.
આજે સાબરમતી નદીમાંથી જળ ભરીને જળયાત્રાની ધાર્મિક વિધી કરવામાં આવી જેનો અમને અનેરો આનંદ છે. મંત્રોચ્ચાર દ્વારા જળાભિષેક કરીને ભગવાન જગન્નાથનું કરાયેલ પૂજન અને આ મંત્રોચ્ચારે શહેરના વાતારણમાં સકારાત્મકતાનો સંદેશ અને તેની સોડમ પ્રસરાવી છે.
જગન્નાથ મંદિરમાં સ્વામી શ્રી દિલિપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ઝા દ્વારા સમાજઉપયોગી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. રાજ્યની સૌથી મોટી ગૌશાળા કાર્યરત કરીને અનેક ભક્તો-નગરજનોને લોકઉપયોગી બન્યા છે.
આજે આ સેવાકીય પ્રવૃતિઓમાં મંદિર દ્વારા એક છોગુ ઉમેરાયું છે. પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશભરમાં શરૂ કરાયેલ નિ:શૂલ્ક રસીકરણ અભિયાનમાં સહભાગી બનવા જગન્નાથ મંદિરના પ્રાંગણમાં શરૂ કરાયેલ કોરોના રસીકરણની પહેલ આવકારદાયક છે.
જગન્નાથ મંદિરમાં રસીકરણની પહેલ અને પોલીસ જવાનો માટેના ટેલિમેડિસીન થકી આયુર્વેદિક અને એલોપેથી ઉપચાર પધ્ધતિએ તેમના ભક્તો,નાગરિકો, સમાજ પ્રત્યેની ઉતરદાયિત્વની કેડી કંડારી છે.
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને નાગરિકોની સુરક્ષા અને સલામતી જ રાજ્ય સરકારની અગ્રમિતા છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રી શ્રી એ ભારપૂર્વક કહ્યું કે, આ વર્ષે કોરોનાની તમામ ગાઇડલાઇનનું પાલન કરીને કોરોનાની સ્થિતનો તાગ મેળવી જનસુરક્ષાને ધ્યાનમાં રાખીને જ રથયાત્રાના આયોજનનો નિર્ણય હાથ ધરવામાં આવશે. આજે યોજાયેલ રથયાત્રા પૂર્વેની જળયાત્રામાં સંતો, મહંતો, સમાજ અને શહેરના અગ્રણીઓ ભારે ઉત્સાહભેર જોડાયા હતા.