કાપડના વેપારીઓના ફસાયેલા પૈસા કઢાવીને રિકવરી કરવા બ્રોડકાસ્ટીંગ ગ્રુપ બનાવાયું.
શહેરના કાપડના વેપારીઓના હિત, વેપાર-ધંધા, આર્થિક વ્યવહાર અને અધિકારોની રક્ષા કાજે રચાયેલા સીમાટા(કલોથીંગ મેન્યુફેકચરર્સ એન્ડ ટ્રેડર્સ ચેરીટેબલ એસોસીએશન) દ્વારા કાપડના વેપારીઓના ફસાયેલા પૈસા કઢાવવા, રિકવરી કરવા સહિતની અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ માટે એક બહુ નવતર, કંઇક અલગ અને હકારાત્મક અભિગમ સાથે બ્રોડકાસ્ટીંગ ગ્રુપની રચના કરવામાં આવી છે. અને વેપારીઓના ફસાયેલા પૈસા પાછા અપાવવામાં અને તેની રિકવરી કરાવી આપવામાં પરિણામલક્ષી કામગીરી કરી રહ્યા છે, જેને લઇ અમદાવાદના કાપડના વેપારીઆલમમાં ભારે રાહત અને ખુશીની લાગણી પ્રસરી છે. આ ગ્રુપનો મુખ્ય ઉમદા આશય એ જ છે કે, જો કોઇ વેપારીએ કોઇ એજન્ટ કે માણસ મારફતે અહીંની, રાજયની કે રાજય બહારની કોઇપણ પાર્ટીને માલ આપ્યો હોય અને નિયત સમયમર્યાદામાં તેના પૈસાનું પેમેન્ટ ના થાય તો તે સીમાટાનો કોન્ટેક્ટ કરી એસોસીએશનના હોદ્દેદારોનું ધ્યાન દોરી શકે છે. સીમાટાના હોદ્દેદારો બ્રોડકાસ્ટીંગ ગ્રુપમાં પેમેન્ટ ચૂકવવામાં આવા ધાંધિયા કરનારી પાર્ટીઓ કે લેભાગુ તત્વો સામે લાલ આંખ કરી તેમને બ્લેકલીસ્ટ કરી તેની જાણકારી બ્રોડકાસ્ટીંગ ગ્રુપમાં મૂકી દે છે અને ભવિષ્યમાં આવી ચીટીંગ કરનારી પાર્ટીઓ સાથે કોઇપણ ધંધાકીય વ્યવહાર કે નાણાંકીય લેવડદેવડ નહી કરવા તાકીદ કરવામાં આવે છે.
સીમાટાના આ નવતર અભિગમની અમલવારી સીમાટાના પ્રમુખ ગીરીશભાઇ કોઠારી, સેક્રેટરી દિપક વર્દાની, કમીટી મેમ્બર અંશુલ સોમાણી, ટ્રેઝરર શરદભાઇ જૈન સહિતના હોદ્દોદારો વેપારીઓ અને આવી પાર્ટીઓ કે એજન્ટો સાથે સેતુરૂપ બની સલાહ મસલતથી અને બિલકુલ શાંતિપૂર્ણ વાતાવરણમાં ફસાયેલા પેમેન્ટની સમસ્યાનો સુખદ ઉકેલ લાવી રહ્યા છે., જેને લઇ વેપારીઆલમમાં ભારે રાહત અને ખુશીની લાગણી પ્રસરી છે. અમદાવાદના કાપડ માર્કેટની વાત કરીએ તો, સીમાટાના હોદ્દેદારો દ્વારા અત્યારસુધીમાં તેમના આ નવતર અભિગમની અમલવારીથી અત્યારસુધીમાં આશરે રૂ. સાત કરોડ જેટલી માતબર રકમની રિકવરી કરી વેપારીઓને બહુ મોટી રાહત અપાવી છે.
આ અંગે સીમાટાના પ્રમુખ ગીરીશભાઇ કોઠારી અને સેક્રેટરી દિપક વર્દાનીએ જણાવ્યું હતું કે, લગભગ ચારેક વર્ષ પહેલાં અમે આ એસોસીએશનની સ્થાપના કરી હતી, જેનો મુખ્ય આશય કાપડના વેપારીઓના માલ, પેમેન્ટ, તેમના આર્થિક વ્યવહારો, તેમના હિત અને અધિકારોની રક્ષા થઇ શકે. સાથે સાથે વેપારીઓ અને તેમના પરિવારજનોને એક યા બીજા પ્રકારે મદદ કરી સહાયભૂત થઇ શકે. અત્યારે કાપડ માર્કેટના 450 થી વધુ વેપારીઓ અમારા એસોસીએશનના મેમ્બર્સ બન્યા છે, અને તે સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. અમે ઇચ્છીએ છીએ કે, હજુ વધુ ને વધુ વેપારીઓ અમારી સાથે જોડાય અને તેઓ સીમાટાના છત્ર હેઠળ નિશ્ચિંત બની શકે. અત્યાર સુધીમાં આશરે રૂ.સાત કરોડ જેટલી માતબર રકમની રિકવર સીમાટા દ્રારા કરી છે.
સીમાટા દ્વારા કોરોના કાળમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ પાંચ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો, આ સિવાય મજૂર વર્ગને માસ્ક વિતરણ સહિતની સેવાકીય પ્રવૃતિઓ કરી છે.