રૂા. ૧૮ લાખના ખર્ચે સન ફાર્મા કંપની દ્રારા CSR હેઠળ સામાજિક દાયિત્વના ભાગરૂપે રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ સમર્પિત કરાયો
સન ફાર્મા કંપનીએ માનવતા વાદી અભિગમ સાથે નર્મદા ના કોરોના દર્દીઓની સારવાર માટે ઓક્સિજન પ્લાન્ટ ડોનેટ કર્યો
રાજપીપલા,તા 31
રાજપીપલાની આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર-પાનોલીની સનફાર્મા કંપની દ્રારા સામાજિક દાયિત્વના ભાગરૂપે CSR હેઠળ અંદાજે રૂા. ૧૮ લાખના ખર્ચે તૈયાર કરાયેલા અને ડોનેશન સ્વરૂપે ફાળવાયેલ ઓક્સિજન પ્લાન્ટને ખૂલ્લો મૂકી તેને કાર્યાન્વિત કરાયો હતો.
સનફાર્મા કંપનીના ગુજરાત કલ્સ્ટરના વડા અને એસોસીએટેડ વાઇસ પ્રેસિડેન્ટ આશિષ ભટૃનાગર, કંપનીના ગ્લોબલ એન્જિનીયરીંગ વિભાગના વડા નિકેશ કાપડીયા વગેરે દ્રારાઆ ઓક્સિજન પ્લાન્ટ કોવિડ હોસ્પિટલને સંમર્પિત કરાયો હતો.
નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ૨૪x૭ સતત ઓક્સિજનનો પુરવઠો મળી રહે તે માટે સન ફાર્માસ્યુટીકલ કંપની દ્રારા છેલ્લા દોઢ મહિનાથી સદરહું પ્લાન્ટ સંદર્ભે અથાક પ્રયાસો કરીને હવામાંથી લિક્વિડ નાઇટ્રોજનમાંથી ઓક્સિજનમાં કન્વર્ટ કરીને લગભગ દૈનિક ૧ ટનની કેપેસીટી ગણાય અને લગભગ ૩૫ બેડને ઓક્સિજનનો પુરવઠો સતત મળી રહે તે માટેનો આ પ્લાન્ટ ગત શુક્રવારથી કાર્યરત કરાયેલ છે. જેને લીધે રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ૭૦ બેડને આ પ્લાન્ટની સુવિધા મળશે. હેમાની ઇન્ડ્રસ્ટ્રીઝનો પ્લાન્ટ પણ કાર્યરત થઇ ગયો છે. અને આજે સન ફાર્મા કંપનીનો આ પ્લાન્ટ કાર્યરત થવાને લીધે જિલ્લાની સાથોસાથ સારવાર હેઠળના દરદીઓ અને હોસ્પિટલ તંત્રને પણ ઘણી બધી રાહત થશે.
જિલ્લા કલેકટર શાહે વધુમાં ઉમેર્યુ હતું કે, નોવેલ કોરોનાની મહામારી દરમિયાન રાજય સરકાર અને આરોગ્ય વિભાગ તથા પ્રભારી સચિવ તેમજ અન્ય તમામ વિભાગો દરદીઓને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે અને હોસ્પિટલને પણ તમામ પ્રકારની સુવિધા મળી રહે અને તેમાંય ખાસ કરીને કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની જરૂરીયાતવાળા વધુ દરદીઓના અનુભવને લક્ષમાં લઇને ઓક્સિજનની જરૂરીયાતને પહોંચી વળવા રાજય સરકાર અને જિલ્લા પ્રશાસન સતત પ્રયત્નશીલ અને ચિંતિત છે. સહુના સહિયારા પ્રયાસોના પરિણામે રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ તમામ CHC, તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તમામ સબ-ડિસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે ઓક્સિજનના સિલીન્ડરની સુવિધા સતત વધારી રહયાં છે. અને આપણે ૧ હજાર સિલીન્ડરની ડિલીવરી મેળવી શકયાં છીએ તેમજ લિક્વિડ ઓક્સિજનની ટેન્કની ડિલીવરી પણ મળી શકી છે. હજાર લીટરની ટેન્ક અને ૨૦૦ લીટરની ટેન્ક પણ મેળવીને તમામ જગ્યાએ પૂરી પાડી છે.
સનફાર્મા કંપનીના ગ્લોબલ એન્જીનીયરીંગ વિભાગના વડા નિકેશ કાપડીયાએ આ પ્લાન્ટ અંગેની ટેકનીકલ જાણકારી સાથે વિગતો આપતાં જણાવ્યું હતું કે, દેશમાં ઓક્સિજનની જરૂરીયાતના સમયે CSR ના ભાગરૂપે સન ફાર્મા કંપનીના મેનેજીંગ ડીરેકટરની પ્રેરણા હેઠળ આ પ્લાન્ટની સ્થાપના માટે ભગીરથ કાર્ય હાથ પર લીધુ ત્યારે નવો પ્લાન્ટ એરેન્જ કરવામાં વધુ સમય માંગી લેતો હોવાથી કંપની પાસે ઉપલબ્ધ નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં કન્વર્ટ કરવા માટેની મુખ્ય જરૂરીયાત કે જેણે નવા પ્રકારની ZMS કહે છે તેને જર્મનીથી ઇમ્પોર્ટ કરીને કંપનીની ટીમના તમામ સાથીદારોના અથાક પ્રયાસો હેઠળ પૂર્ણ કરેલ છે. આ પ્લાન્ટ ૮થી ૧૦ હજાર લીટર ઓક્સિજન પુરો પાડે છે. એક દરદીની જરૂરીયાત જો પાંચ લીટર ગણીએ તો ૨૫ બેડની જરૂરીયાત પુરી કરી શકાશે અને ૧૫ લીટર ગણીએ તો લગભગ ૧૦ થી ૧૨ દરદીઓની ઓક્સિજનની જરૂરીયાત પુરી કરી શકાશે. દરદીનું ઓક્સિજનનું એવરેજ કન્ઝમશન ૧૦ લીટરનું છે. આ પ્લાન્ટ લગભગ ૧૩ થી ૧૫ બેડને ઓક્સિજનનો જથ્થો પુરો પાડશે.
કોવિડ-૧૯ હોસ્પિટલના નોડલ અધિકારી CDMO અને સિવીલ સર્જન ડૉ. જયોતિબેન ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ હોસ્પિટલને પ્રાપ્ત થયેલી આ પ્લાન્ટની સુવિધાને લીધે ઓક્સિજનના સિલીન્ડર ભરાવવા માટેના આવન-જાવનમાંથી મુક્તિની સાથો સાથ સમય બચત વગેરે સહિતની બાબતોમાં ઘણી રાહત મળી રહેશે.
આ પ્રસંગે નર્મદા જિલ્લાના કલેકટર ડી.એ.શાહ, નર્મદા સુગર ફેકટરીના ચેરમેન અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી ઘનશ્યામભાઇ પટેલ, સનફાર્મા કંપનીના ગુજરાત કલ્સ્ટરના વડા અને એસોસીએટેડ વાઇસ પ્રેસિડેન્ટ આશિષ ભટૃનાગર, કંપનીના ગ્લોબલ એન્જિનીયરીંગ વિભાગના વડા નિકેશ કાપડીયા, એન્જિનીયરીંગ હેડ નરેન્દ્ર ઉપાધ્યાય, CDMO- સિવીલ સર્જન અને કોવિડ-૧૯ હોસ્પિટલના નોડલ અધિકારી ડૉ. જયોતિબેન ગુપ્તા, અધિક કલેકટર હિમાંશુ પરીખ, RMO ડૉ. મજીગાંવકર સહિત કોવિડ હોસ્પિટલના તબીબો-પેરામેડીકલ સ્ટાફ વગેરે ઉપિસ્થિત રહ્યા હતા
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા