કોરોનાયુગમાં પરિવારની સંભાળ પણ આધુનિક વાસવદત્તાઓ જ રાખે છે

સરળ શબ્દોમાં આ નાટક સમજો… એક હતો રાજા. એનું નામ ઉદયન. આ ઉદયન નાનકડા વત્સ દેશનો રાજા. એક દિવસ અવન્તિ એટલે કે ઉજ્જૈનના રાજાની દિકરી વાસવદત્તાને વિણા વગાડતા શીખવતો હોય છે, ભણાવતા અને ભણતા બંને પ્રેમમાં પડે છે. ઉદયન અને વાસવદત્તા ભાગી જાય છે, લગ્ન કરે છે. સ્વાભાવિક છે કે ઉજ્જૈનના રાજાને આ લગ્ન પસંદ નથી. બધા દિવસો સરખા નથી હોતા. ઉદયન પર એક શક્તિશાળી રાજા હુમલો કરે છે, રાજપાટ જતું રહે છે. ઉદયન, તેની પત્ની વાસવદત્તા અને વિશ્વાસુ મંત્રી યોગંધારાયણ એક નાનકડા ગામમાં છૂપાઇ જાય છે. વાસવદત્તાને થાય છે કે મારો પતિ રાજા થવા સર્જાયો છે પણ પોતાના પિયરમાં મદદ માંગી શક્તી નથી. આ બુદ્ધિશાળી મહીલાને એક વાત સમજાય છે કે કોઈ શક્તિશાળી રાજાની પુત્રી તેના પતિ સાથે લગ્ન કરે તો પતિને રાજપાટ પાછું મળે. વાસવદત્તા અને મંત્રી યોગંધારાયણ એક યોજના કરે છે, જે ઝૂપડામાં રહેતા હતાં તે સળગાવીને ભાગી જાય છે. બંને મગધ રાજ્ય પહોંચે છે અને વાસવદત્તા અવંતિકા નામ ધારણ કરીને મગધની રાજકુમારી પદ્માવતીની દાસી બને છે. પદ્માવતીને તો ઉદયન વિશે કશી ખબર નથી, પણ વાસવદત્તા રોજ ઉદયનની મહાનતાની વાતો કરે. પદ્માવતી ઉદયનના પ્રેમમાં પડે છે, ઉદયનને શોધવામાં આવે છે અને બંનેનું લગ્ન થાય છે. મગધની મદદથી ઉદયન પોતાનું રાજ્ય પાછું મેળવે છે. આ તરફ ઉજ્જૈનના રાજાનો પુત્રીના અવસાન સાંભળી ગુસ્સો શાંત થાય છે. ઉદયનને અને પદ્માવતીને ઉજ્જૈનના રાજા પોતાની પુત્રી વાસવદત્તાના કેટલાક ફોટા મીન્સ પેઇન્ટિંગ મોકલે છે, પેઇન્ટિંગ જોઇને પદ્માવતીને ખબર પડે છે કે અવંતિકા એ જ વાસવદત્તા છે… પદ્માવતી માફી માંગે છે અને બંને રાણીઓ સાથે રહે છે… કથા પૂરી… આ સંસ્કૃત નાટક ભાષે લખેલું. પ્રશ્ન થાય કે શા માટે લખ્યું? એ યુગમાં ક્યાંથી આવી વાર્તા લખવાની પ્રેરણા મળી હશે? ભારતમાં રાજાઓના પ્રારંભિક યુગમાં એટલે કે અઠ્ઠાવીસ સો વર્ષ પહેલાં, કાશીના શિશુનાગે મગધ સામ્રાજ્યનો પાયો નાખ્યો. તે સમયે કૌશલ, કૌશમ્બી અને અવન્તિમા શક્તિશાળી રાજવંશો હતા. બધા એકબીજા સાથે વર્ચસ્વ જમાવવા લડતા રહેતા. શિશુનાગ વંશના મગધના અજાતશત્રુ નામના રાજાએ કૌશલના રાજાને હરાવ્યો હતો. અજાતશત્રુના પિતા એટલે બૌદ્ધ જાતકકથાના નાયક બિંબિસાર. અજાતશત્રુનો પુત્ર એટલે દર્શક. દર્શકની બહેનનું નામ પદ્માવતી હતું, જે અજાતશત્રુની પુત્રી હતી. અત્યંત સ્વરૂપવાન હતી…. આ નાટક ભાસ નામના વિદ્વાને લખ્યું હતું. નાટકનું નામ હતું, સ્વપ્નવાસવદત્તા… આપણે એકવીસમી સદીના ચશ્મા પહેરીને વિચારીએ કે રાજા એક કરતાં વધુ લગ્ન શા માટે કરતાં હશે? તેમની શાશન પદ્ધતિ કેવી હશે? રાજ્યના અસ્તિત્વને ટકાવવા શું કરતા હશે?… વાસવદત્તા પચ્ચીસસો કરતાં વધુ વર્ષ જૂની કહાનીનુ મુખ્ય પાત્ર… એ સમયે મહીલાઓ કેવું વિચારી શક્તી હશે? પોતાના રાજ્ય માટે પ્રેમમાં ભાગીદાર લાવવો એ નાનો ભોગ નથી…. રાજનીતિ અને અક્કલનો એક યુગ હતો…. સ્ત્રીઓ દાયકાઓ નહીં, પણ સદીઓથી બ્રિલિયન્ટ હતી, છે અને રહેશે…. પહેલી બોલ્ડ એન્ડવાળી ફિલ્મ અર્થની શબાના હોય કે કોરોના પહેલાં આવેલી થપ્પડ ફિલ્મના યુગમાં થપ્પડ ખાતી કે અપમાન સહેતી મહીલા પણ એક પ્રકારની વાસવદત્તા જ છે… કોરોનાયુગમાં પરિવારની સંભાળ પણ આધુનિક વાસવદત્તાઓ જ રાખે છે…