નાંદોદ તાલુકાનું બોરીદ્વા ગામ હાલ સંપૂર્ણ કોરોના મુક્ત ગામ બન્યું

નાંદોદ તાલુકાનું બોરીદ્વા ગામ હાલ સંપૂર્ણ કોરોના મુક્ત ગામ બન્યું


“મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત જિલ્લાના બોરીદ્રા ગામનાં લોકોની જાગૃતિનું ઉત્તમ પરિણામ

બોરીદ્રા ગામનાં લોકોની સજાગતાથી થયેલી નોંધપાત્ર કામગીરી

બોરીદ્રા ગામની પ્રાથમિક શાળાના SMC સમિતિના સભ્ય એ પ્રાથમિક શાળાના કોવિડ કેર સેન્ટર ખાતે ઓક્સિજનની ૧૫૦ કિ.ગ્રામની બે બોટલ આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડ્યું

ગ્રામજનો ના સહયોગથી અમે બોરીદ્રા ગામમાં કોરોનાનું સંક્રમણ અટકાવી શક્યા છીએ

ગામને કોરોના મુક્ત કરવા ખાસ નિમિત્ત બન્યા બોરીદ્રા ગામની શાળાના મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણા

કોરોના જાગૃતિના સતત કાર્યકમોથી ગામ સુરક્ષિત બન્યું.


રાજપીપલા,તા.11


નર્મદા જિલ્લામા કોરોનાના કેસોનું પ્રમાણ વધ્યું છે.અત્યાર સુધીમાં નર્મદા મા 3615 કોરોનાના કેસો થઈ ચુક્યા છે. અને હવે રોજ હવે 40ની એવરેજથી કેસો મા વધારો થઈ રહ્યો છે.જે ચિંતાનો વિષય બન્યો છે. જિલ્લાના પાંચ તાલુકામા રોજેરોજ કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે તંત્ર કોરોના સંક્ર્મણ ઘટાડવા યથાયોગ્ય પ્રયત્ન કરી રહી છે. ત્યારે નાંદોદ તાલુકાનું નાનકડું ગામ બોરીદ્રા ગામ એક એવુ ગામ છે જ્યાં આજની તારીખે ગામમાં એક પણ કોરોનાનો કેસ નથી. અર્થાત આજની તારીખે બોરીદ્રા ગામ સંપૂર્ણ કોરોના મુક્ત ગામ બન્યું છે.
આ અંગે ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક અનિલ મકવાણાએ જણાવ્યું છે કે છેલ્લા દોઢ વર્ષથી જ્યારથી કોરોનાની મહામારી જિલ્લામા શરૂ થઈ હતી. ત્યારથી જ અમે ગામ કોરોના સંક્રમિત ન થાય તે માટેજાગૃતિ ના કાર્યક્રમો શરૂ કર્યા હતા. શાળાઓ બંધ હોવાથી ઓન લાઈન શિક્ષણ હું જાતે બાળકો ને આપતો. અમારા ગામ મા નેટનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો હું બાળકો ને ઘરે જઈને કોવીડ ના નિયમો અને સરકારની ગાઈડ લાઈન નો ઉપયોગ કરીને શિક્ષણ આપતો. અને સ્કૂટર પર હરતી ફરતી શાળા ચાલુ કરી કોરોના જાગૃતિ નો સંદેશો આપી. માસ્ક પહેરો, સાબુથી હાથ ધૂવો. સોસીયલ ડિસ્ટન્સ જાળવો, કામ વગર ઘરની બહાર ન નીકળો એની ઘરે ઘરે જઈને સમજૂતી આપતો. અમારા ગ્રામજનો પણજાગૃત બન્યા અને કોવીડ ના નિયમોનું પાલન કર્યું. જેને કારણે ગ્રામ જનો કોરોના સંક્ર્મણથી બચી ગયા. જોકેબોરીદ્રા ગામમાં આજદિન સુધી માત્ર ત્રણ જ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા હતાં. પણ તેઓએ જે તે સમયે સમયસર સારવાર લઇહોમ આઇસોલેટ કરી સારવાર કરતા આજે સંપૂર્ણપણે સ્વસ્થ છે. અને હવે આજની તારીખે અમારા ગામમા એક પણ કેસ કોરોનાનો નોંધાયો નથી. આજે અમારું આખુ સંપૂર્ણ ગામ કોરોના મુક્ત બની ગયું છે એનો અમને વિશેષ આનંદ છે.


હાલ સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” ના હાથ ધરાયેલાં રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત સામાન્ય લક્ષણો ધરાવતા દરદીઓને ગ્રામ્યકક્ષાએ જ સમયસર સારવાર મળી રહે તે માટે નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં જ કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયુ છે, જે અંતર્ગત નાંદોદ તાલુકાના અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં આવેલ બોરીદ્વા ગામના મુખ્ય શિક્ષક અનિલભાઇ મકવાણા, શાળાના SMC સમિતિના સભ્ય અને ગામના અગ્રણી સુકાભાઇ વસાવા તેમજ બોરીદ્રા ગામના ૧૦ સભ્યોની જનભાગીદારી થકી બોરીદ્રા ગામના લોકોની સજાગતાથી નોંધપાત્ર કામગીરી થયેલ છે. “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન ગ્રામ્યકક્ષાએ આશિર્વાદ રૂપ બન્યું છે.
ગામના સરપંચ શ્રીમતી અલીન્દાબેન વસાવાએ ૯ બેડ, શાળાના મુખ્ય શિક્ષક અનિલભાઇ મકવાણાએ ૯ બેડના ગાદલા,ઓશિંકા અને શાળાના SMC સમિતિના સભ્ય અને ગામના અગ્રણી સુકાભાઇ વસાવાએ જરૂરીયાતમંદ લોકોને સમયસર અને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગામની પ્રાથમિક શાળાના કોવિડ કેર સેન્ટર ખાતે ઓક્સિજનની ૧૫૦ કિ.ગ્રાની બે બોટલ આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણપણ પુરૂં પાડ્યું છે. તેની સાથોસાથ બોરીદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે નાંદોદ તાલુકાના આયોજન-સહ અને તાલુકા વિકાસ અધિકારી એમ.બી.વસાવાએ ગામના આગેવાનો સાથે “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંગે તાજેતરમાં બેઠક યોજીને કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને માહિતી આપી હતી ત્યાર બાદ ૩૦૦ જેટલાં માસ્કનું ડોર ટુ ડોર સર્વેલન્સમાં શાળા બાળકો અને ગામના લોકોને વિના મૂલ્યે વિતરણ પણ કર્યું હતું.

બોરીદ્રા ગામમાં શિક્ષણનું પ્રમાણ સારું છે તેની સાથે સાથે લોકોની સમજદારી પણ સારી છે . ગામની વસ્તી અંદાજે ૯૫૦ જેટલી છે જેમાં સરકાર દ્વારા નિયત કરાયેલાં ૪૫ થી વધુ વયના ૭૦ ટકા લોકોએ વેક્સીન લઈ લીધી છે

નાંદોદ તાલુકાના આયોજન-સહ અને તાલુકા વિકાસ અધિકારી એમ.બી.વસાવાએ બોરીદ્રા ગામની મુલાકાત લેતા જણાવ્યું હતું કે, બોરીદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે જનભાગીદારી થકી કોવિડ કેર સેન્ટરની સુંદર પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ડોર ટુ ડોર સર્વેલન્સ, વેક્સીનેશનની કામગીરી થઇ રહી છે જે જનભાગીદારી દ્વારા જ શક્ય બન્યું છે

બોરીદ્વા ગામના મુખ્ય શિક્ષક અનિલભાઇ મકવાણાએ કહ્યું હતું કે, સરકારના “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” થકી જ અમે બોરીદ્રા ગામમાં કોરોનાનું સંક્રમણ અટકાવી શક્યા છીએ.લોકોને પણ સમયસર વેક્સીન લેવાં ઉપરાંત સામાન્ય લક્ષણો ધરાવતા દરદીઓને અમારા ગામના કોવિડ કેર સેન્ટર ખાતે હોમ આઇસોલેટ થઇને સારવાર લેવાનું પણ સમજાવી રહ્યાં હોવાની સાથે એક પણ કોવિડ-૧૯ નો કેસ હાલ ન હોવાનું તેમણે જણાવ્યું હતું.

બોરીદ્વા ગામની પ્રાથમિક શાળાના SMC સમિતિના સભ્ય સુકાભાઇ વસાવાએ જણાવ્યું હતું કે
બોરીદ્વા ગામ હાલ કોરોના મુક્ત ગામ બન્યું છે. અમારા ગામમાં જો કોઇ સંક્રમિત થશે તો તેમના માટે કોવિડ કેર સેન્ટર ખાતે તમામ પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઇ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

બોરીદ્રા ગામના સરપંચ શ્રીમતી અલીન્દા બેન વસાવા, શાળાના મુખ્ય શિક્ષક અનિલભાઇ મકવાણા, લીમટવાડાના સીઆરસી વાસુદેવભાઇ રાઠવા સહિતની ટીમ દ્વારા બોરીદ્રા ગામના લોકોને ઘરે ઘરે જઇને અવશ્ય માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલનું પણ ગામ લોકોને સમજાવી રહ્યાં છે.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા
………………………..