જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ભાભી-દિયર વચ્ચે રમાયો લોહિયાળ જંગ.. દિયરની હત્યા તો ભાભીની હાલત અતિ ગંભીર.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ભાભી-દિયર વચ્ચે રમાયો લોહિયાળ જંગ.. દિયરની હત્યા તો ભાભીની હાલત અતિ ગંભીર.


જામનગર: જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ પ્રભાત નગર ખાતે એક પરિવારમાં દિયર-ભાભી વચ્ચે કોઈ બાબતના ઘર કંકાશમાં લોહી રેડાયું છે. સવારે પોતાના ઘરે જ બંને વચ્ચે થયેલ ચાકુ બાજીમાં દિયરનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જયારે અતિ ગંભીર હાલતમાં ભાભીની સારવાર શરુ કરવામાં આવી છે. સીટી એ પોલીસના પીઆઇ એમ જે જલુ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના પાછળનું કારણ જાણવા તપાસ શરુ કરી છે.

જામનગરમાં ચકચારી બનેલા બનાવની વિગત જોઈએ તો, જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ સત્યસાંઈ નગર પાછળ પ્રભાતનગરમાં રહેતા કિશન ફટુભાઈ પરમાર ઉમર આશરે ૩૦ વર્ષ અને તેના ભાભી હેતલબેન ગોપાલભાઈ પરમાર વચ્ચે આજે સવારે કોઈ બાબતે બોલાચાલી હતી. આ બોલાચાલી ચાકુબાજીમાં પરિવર્તન પામતા ભાભીએ દિયર કિશનને શરીરના ભાગે છરીના ઘા ઝીંકી દેતા યુવાન ઢળી પડ્યો હતો જો કે ભાભીના હુમલા પૂર્વે જ યુવાને પણ ભાભીને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે શરીરના ભાગે ઈજાઓ પહોચાડતા બંને લોહી લુહાણ થઇ ગયા હતા. આ બનાવની જાણ થતા સીટી પોલીસે ઘટના સ્થળે પહોચી હતી અને લોહીથી લથપથ હાલતમાં દિયર-ભાભીને હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે યુવાન કિશનનું રસ્તામાં જ મૃત્યુ નીપજ્યું હતું. જયારે ભાભી હેતલને તાત્કાલિક ટ્રોમાં વોર્ડમાં ખસેડી સારવાર શરુ કરી હતી. દિયર-ભાભી વચ્ચે ક્યા કારણોસર ઝઘડો થયો તે બાબત હજુ સ્પષ્ટ થઇ નથી. પોલીસે મૃતકનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની તજવીજ હાથ ધરી છે. હવે શા કારણે હત્યા કરવા સુધીનો ખેલ ખેલાયો તે પોલીસ ની વધુ તપાસમાં બહાર આવશે. પોલીસ દ્વારા ઉપયોગમાં લેવાયેલ ચાકુ કબજે કરેલ તેમજ અન્ય માહિતી મેળવી હતી. પોલીસ દ્વારા આસપાસના લોકોના નિવેદન લઈ આ બાબતે સાચું સત્ય શું છે તે તો તપાસના અંતે બહાર આવશે..