ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિકટ બનતા હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (બાપુ)એ પણ મદદનો હાથ લંબાવ્યો છે. શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી સેવા માટે પ્રસ્તાવ મુક્યો છે. પત્રમાં શંકરસિંહ તેમની સંસ્થાના 2 સ્થળોને કોવિડ સેવામાં ફેરવી આપવા રજૂઆત કરી છે. ગાંધીનગરના 2 સ્થળોને સેવામાં સામેલ કરવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. શંકરસિંહે કહ્યું, 2 ઈમારતોને કોવિડ કેર સેન્ટર બનાવી શકો છો સાથે જ આર્થિક નબળા લોકોને ફાઉન્ડેશન મદદ કરશે તેવી પણ જાહેરાત કરી.
કોરોનાનો કાળો કહેર વેઠતા ગુજરાતમાં સંક્રમણનો વધારો ચિંતાજનક છે, તો સામે સેવાભાવી સંસ્થાઓ પોતાને ત્યાં એવા કોવિડ કેર સેન્ટર ખોલવા આગળ આવવા લાગી છે, જ્યાં હળવો ચેપ ધરાવતા દર્દી ને ગૃહ એકાંતવાસમાં રાખી સારવાર આપી શકાય. ત્યારે ગુજરાતના બાપુએ રૂપાણીને પત્ર લખી તેમની બે કોલેજને કોવિડ હોસ્પિટલમાં ફેરવવા માટે સોંપવા તૈયાર છે.
જણાવી દઈએ, બે દિવસ પહેલા બાપુએ રેમડેસીવીર ઇન્જેક્શનને લઇ ભાજપા સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, કપરા સમયે પણ લોકોના જીવ સાથે ચેડા કરીને ભાજપે લોકોને મોતના મુખમાં ધકેલ્યા છે. ગુજરાતમાં હોસ્પિટલોની બનેલી હાલતે કથિત ગુજરાત મોડલની પોલ ખોલી દીધી છે. નાગરિકોના કરોડો રૂપિયા વડાપ્રધાન અને મુખ્યપ્રધાનના વિમાન પાછળ વેડફાય છે, પણ નાગરિકોને એમ્બ્યુલન્સ અને શબવાહિની પણ નથી મળતી.