આવો આજે વિશ્વઆરોગ્યદિન નિમિત્તે આરોગ્યપ્રાપ્તિના શપથ લઈએ . શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

વિશ્વઆરોગ્યદિન દર વર્ષની સાતમી એપ્રિલે મનાવવામાં આવે છે જેનો હેતુ સ્વાસ્થ્ય સંબંધી જાગૃતતા જનસમુદાયમાં ફેલાવવાનો રહ્યો છે. પ્રથમ ૧૯૪૮માં હેલ્થએસેમ્બલીમાં તેની શરૂવાત થયેલી અને ખાસ કરીને ૧૯૫૦ બાદ તેનો અમલ શરુ થયો. આજના મોર્ડન યુગમાં સુખનો સાચો અર્થ જ સ્વાસ્થ્ય છે. કેમ કે આધુનિક યુગની પ્રજા સૌથી વધુ પરેશાન રોગો અને બીમારીઓથી છે.
વ્યક્તિએ ખરેખર સ્વાસ્થ્યનું મહત્વ સમજવું હોય તો હોસ્પિટલમાં જઇને કોઇ દર્દીની પથારીમાં મોત કે બીમારી સામે થઈ રહેલો સંઘર્ષ જોવો જોઈએ. આવા સમયે જ સમજાય છે કે આપણું સ્વાસ્થ્ય જ સાચી સંપતિ છે. કોઈ વ્યક્તિ તંદુરસ્ત જીવન જીવતી હોય તો તેનાથી ધનવાન વ્યક્તિ બીજી કોઈ નથી. ઈશ્વરે આપણને જે શરીર આપ્યું છે તેના એક-એક અંગની જો કિંમત આંકીયે તો આપણને સમજાય કે આપણે અબજોપતિ છીએ કેમ કે હવે તો મેડિકલ સાયન્સ દરેક અંગો ટ્રાન્સપ્લાન્ટ કરે છે એ રીતે વાસ્તવમાં આપણે આપણા અમૂલ્ય અંગો અન્ય જરૂરિયાતમંદોને આપીને અબજોપતિ થઇ શકીએ. પરંતુ આપણે એવું કરતા નથી એનો અર્થ એ થયો કે આપણને ખબર છે કે શરીર ગુમાવી પૈસાનું શું કામ? તો પછી આવી સમજ આપણે જ્યારે પૈસા કમાવવાની દોડમાં ઉતરીએ ત્યારે ક્યાં જાય છે? તે સમજાતું નથી. કેમ કે દરેક વ્યક્તિ, શરીર તંદુરસ્ત હોય ત્યારે તેની ચિંતા કે પરવા કર્યા વગર માત્ર પૈસા કમાવવામાં તત્પર રહે છે. ન ખાવાનો સમય, ન સૂવાનો, વળી આહાર-વિહારના કોઈ નિયમ નહીં, તેમ જ પોતાના લોકો સાથે ન સમય પસાર કરવાની પરવા, વાસ્તવમાં આવી વ્યક્તિને તો શારીરિક અને માનસિક રીતે બીમાર કહેવાય. અંતે શરીરના ભોગે જે પૈસા કમાયા હોય તે એ જ શરીરને સાજુ કરવામાં વપરાય. આવા અનેક કિસ્સાઓ આપણે રોજબરોજના જીવનમાં જોઈએ છીએ, સમજીએ છીએ, છતાં સમયસર જાગતા નથી અને જીવનનો અમૂલ્ય અવસર ખોઈ બેસીએ છીએ. મનુષ્યશરીર અને તેની તંદુરસ્તી ઈશ્વરની આપણને મળેલી અમૂલ્ય ભેટ છે, જેની કદર આપણે કરવી જોઈએ.
ઓક્ષફર્ડ ડિક્શનરી અનુસાર, તંદુરસ્તીનો અર્થ છે તન, મન અને આત્માનું પુષ્ટ હોવું. સામાન્ય રીતે આપણે તંદુરસ્તીને માત્ર શારીરિક સંદર્ભમાં જ સમજીએ છીએ. જ્યારે એ તો મન અને આત્મા સુધીની ઊંડાઈ ધરાવે છે. શરીરની તંદુરસ્તી જેવી પ્રાથમિક બાબત પણ જો આજના લોકો માટે લગભગ અશક્ય બની ગઈ હોય તો મન અને આત્માના આરોગ્યની તો કલ્પના પણ કેવી રીતે થાય? વાસ્તવમાં તન, મન અને આત્માનું સ્વાસ્થ્ય એકબીજા પર આધારિત છે. એકની ગેરહાજરીમાં બીજાની તંદુરસ્તી શક્ય જ નથી. મન અને આત્મા પુષ્ટ ન હોય, બળવાન ન હોય તો ગમે તેટલી મહેનત શરીરને સ્વસ્થ રાખવાની કરો, પરિણામ મળવું શક્ય નથી. માટે જ આરોગ્ય અને આયુષ્યના સંદર્ભમાં વિચારતી વખતે એક સાથે શરીરની તંદુરસ્તી, મનની શક્તિ અને આત્માના વિકાસ જેવા 3 in 1 કાર્યક્રમને ધ્યાન પર લેવો આવશ્યક છે. ‘ચરકસંહિતા’ના ઉપદેશક મહર્ષિ આત્રેય જણાવે છે કે જે વ્યક્તિ શરીરના અને આરોગ્યના ધર્મોનું પ્રમાણિકપણે પાલન કરે છે તેને તન કે મનના રોગો કદીયે થતા નથી. વળી જેના મન, વાણી અને કર્મો હિતકારી હોય તેને રોગ થતો નથી. આનો અર્થ એ થયો કે જેનું મન સંયમિત હોય, બુદ્ધિ સાત્વિક હોય તે સ્વાસ્થ્ય-સુખ આજીવન ભોગવી શકે છે. મહર્ષિ આત્રેયનું સૂચન સમજાવે છે કે તન,મન અને આત્મા એકબીજા સાથે ગહન રીતે જોડાયેલા છે.
આરોગ્ય સાચવવાના બધા નિયમો સરળ અને સ્વાભાવિક છે, કોઈ કઠોર કે મુશ્કેલ નથી. કુદરતની પ્રેરણા અનુસાર સમગ્ર પ્રાણીજગત જન્મે છે, વૃદ્ધિ પામે છે, ઘરડા થાય છે અને મૃત્યુ પામે છે પરંતુ બીમાર પડતા નથી. સંસારમાં એક જ મૂર્ખ પ્રાણી છે મનુષ્ય, જે વારંવાર બીમાર પડી જાય છે. કેમ કે કુદરતના નિયમોનું પાલન કરતો નથી. એનું એક માત્ર કારણ છે કે તે પોતાની જાતને ખૂબ બુદ્ધિશાળી સમજે છે અને માત્ર ભોગવિલાસની ખેવના રાખે છે અને અંતે રિબાઈ-રિબાઈને મરે છે. સામાન્ય રીતે પશુ-પક્ષી વધુ બીમાર પડતા નથી, પરંતુ મનુષ્યે પાળેલા પશુ-પક્ષીઓ બીમાર પડે છે કેમ કે મનુષ્ય પોતાના સંપર્કમાં આવનારને પણ બગાડી નાખે છે. એટલે કે પ્રાકૃતિક નિયમોથી દૂર લઈ જાય છે. બીમારી અને રોગો કુદરતની પ્રેરણા વિરુદ્ધ કાર્ય કરવાનું પરિણામ છે. મનુષ્ય જો કુદરતની પ્રેરણા, પ્રાકૃતિક જીવન કે ઈશ્વરના આદેશને સમજી લે, તો કદી બીમાર કે રોગી બનતો નથી. હરહંમેશ તંદુરસ્ત અને શાંતિમય જીવન ગાળી શકે છે. મનુષ્યની શક્તિ કુદરતની શક્તિ સામે લાચાર છે. શક્તિશાળી પ્રકૃતિ સામે તે કદી જીતી ન શકે, પરંતુ તેનું અનુકરણ કરીને તંદુરસ્ત અવશ્ય રહી શકે.
તંદુરસ્તી એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિનું શરીર, મન અને આત્મા શક્તિશાળી હોય અને ખાસ કરીને તમામ ભૌતિક રોગો અને પીડાઓથી મનુષ્યની આઝાદી કે મુક્તિ. તમામ પ્રકારની શારીરિક અને માનસિક નબળાઈઓની ગેરહાજરી એટલે આરોગ્ય. તંદુરસ્તી વ્યક્તિની કાર્ય કરવાની ક્ષમતા અને ચયાપચયની કાર્યક્ષમતા દર્શાવતું સ્તર છે સમાજમાં આવતા શારીરિક, માનસિક, ભાવાત્મક અને સામાજિક પરિવર્તનોને સ્વીકારી તેની સાથે તાદાત્મય સાધવાની વ્યક્તિની શક્તિ એ જ તેની તંદુરસ્તીનું સાચું માપ છે. વર્ષોના પરિશ્રમ બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના તજજ્ઞોએ સ્વાસ્થ્યની સંપૂર્ણ વ્યાખ્યા આપતા કહ્યું છે કે આરોગ્ય એટલે માત્ર રોગોનો અભાવ જ નહિ પરંતુ વ્યક્તિની શારીરિક, માનસિક,સામાજિક અને આધ્યાત્મિક ઉન્નત સ્થિતિ.
વર્તમાન સમયે લોકો આરોગ્ય અંગે ખૂબ જાગૃત થયેલ જોવા મળે છે. એ વાત જુદી છે કે સ્વાસ્થ્ય જાળવણી માટે જરૂરી આચરણ બાબતે મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેની પાછળ વર્ષોથી ખોટી રીતે એટલે કે અપ્રાકૃત રીતે જીવવાની આદત જવાબદાર છે. મનુષ્ય સ્વભાવની ખાસિયત જ એ છે કે કોઈ વસ્તુ ગુમાવ્યા પછી જ તેને તેની કદર થતી હોય છે. પછી તે શરીર હોય વસ્તુ હોય કે સંબંધો. આ તમામ જ્યારે હાથમાંથી જતા દેખાય ત્યારે તે સફાળો ઉભો થઇ જાય છે. પરંતુ ઘણીવાર ખૂબ વિલંબ થઈ ગયો હોય છે અને બાજી હાથમાંથી જતી રહી હોય છે. જ્યારે માથું દુખે ત્યારે આપણને ખબર પડે છે કે આપણા શરીરમાં માથું પણ છે જે ખૂબ અગત્યનું છે અને તેની કાળજી રાખવી જરૂરી છે. સાંધા દુખે ત્યારે ખબર પડે કે આપણી દિનચર્યાનો સંપૂર્ણ આધાર તેના પર છે. આમ શરીરનું જે અંગ દુઃખે તેના તરફ આપણું ધ્યાન સહજતાથી જાય છે. પરંતુ જો પહેલેથી જ આપણું ધ્યાન સમગ્ર શરીર કે તેના અંગોના સ્વાસ્થ્ય તરફ જાય તો મુશ્કેલી કે પીડા સહન કરવામાંથી બચી જવાય. વર્તમાન સમયે વિશ્વસ્તરે જે તંદુરસ્તી, આરોગ્ય કે સ્વાસ્થ્યની ચર્ચા છે તે આંશિક નથી પરંતુ સંપૂર્ણની છે એટલે કે માત્ર health નહીં પરંતુ holistic health. “Holistic health” નો અર્થ છે સંપૂર્ણની જાણકારી. “Holistic” શબ્દ અન્ય એક શબ્દ “whole” પરથી આવ્યો છે. જેનો અર્થ છે complete એટલે સંપૂર્ણ કે સમગ્ર. આમ holistic health મા સમગ્ર કે પૂર્ણ તંદુરસ્તીનો વિચાર સમાયેલો છે, જે ખૂબ તાર્કિક છે. સંપૂર્ણને સમજ્યા વગર આરોગ્યપ્રાપ્તિ શક્ય જ નથી. હોલિસ્ટિક હેલ્થ એ સંપૂર્ણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કોઈ ભાગ કે વિભાગ તરફ નહીં. કેમ કે શરીર, મન અને આત્મા એકબીજા સાથે સઘન રીતે જોડાયેલા છે.
હોલિસ્ટિક હેલ્થમાં મુખ્યત્વે છ પ્રકારના આરોગ્યની ચર્ચા કરવામાં આવે છે. ૧) શારીરિક તંદુરસ્તી ૨) સામાજિક આરોગ્ય ૩) માનસિક કે બૌધિક તંદુરસ્તી ૪)ભાવનાત્મક આરોગ્ય (emotional health) ૫) આધ્યાત્મિક આરોગ્ય ૬) વાતાવરણીય આરોગ્ય (environmental health). (આ છ પ્રકારના આરોગ્ય વિષે વિગતે માહિતી મેળવવા મારું પુસ્તક “આરોગ્ય અને આયુષ્ય” વાંચવું)
ઘણીવાર વિચાર આવે કે જીવનમાં આરોગ્યની જરૂરિયાત શું છે? મોટાભાગના લોકોને તો મોટા રોગ કે બિમારી ન આવે ત્યાં સુધી ખબર જ નથી પડતી કે તેમનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. વૈજ્ઞાનિક સંશોધનો જણાવે છે કે વ્યક્તિનું સ્થૂળશરીર બિમાર પડે તે પહેલા 6 મહિના અગાઉ તેનું સૂક્ષ્મશરીર બિમાર પડવા માંડે છે. જે કોઈને કોઈ રૂપે વ્યક્તિને અનુભવાય છે પરંતુ આપણે તેના તરફ ધ્યાન આપવાની દરકાર કરતા નથી અથવા તેને ખૂબ હળવાશથી લઈએ છીએ. જીવનમાં સંપૂર્ણ આરોગ્ય દ્વારા અનેક લાભો પ્રાપ્ત થાય છેઅ કે મનુષ્યયોનિના મુખ્ય ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ શક્ય બને છે. બિમારી કે રોગમુક્ત જીવનની પ્રાપ્તિ થાય છે. જીવનમાં શાંતિ અને પ્રસન્નતા બની રહે છે. જીવનમાં દરેક ક્ષેત્રે સફળતાનો અનુભવ થાય છે. આત્મવિશ્વાસમાં વધારો થાય છે. અન્યને મદદરૂપ(શારીરિક કે માનસિક) થઈ શકાય છે. સંબંધો બાંધવામાં, ટકાવવામાં, વધારવામાં સફળતા અને સરળતા રહે છે જે સામાજીક પ્રાણી તરીકે મનુષ્ય માટે ખૂબ જરૂરી છે. દરેક સંબંધોને પૂરતો ન્યાય આપી શકાય છે. ચિંતા, હતાશા, નિરાશામાથી મુક્તિ મળે છે. તન- મન અને આત્મા શક્તિશાળી બને છે. અણધારી મુસીબતો સામે ટકવાનું પીઠબળ મળી રહે છે. આકર્ષક દેખાવ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. જે સમાજમાં મોભો વધારી આપે છે. જીવનપર્યંત પળે-પળે ઉત્સાહ બની રહે છે જે જીવનને ઉત્સવ સમાન બનાવે છે.
જીવનમાં સ્વાસ્થ્ય કેમ જોખમાય છે, બીમારી અને રોગો કેમ વધે છે તેની જાણકારી દ્વારા જ તેનું નિવારણ શક્ય છે. જેથી એવા તમામ કારણો પર નજર નાખીએ જે ક્યાંક ને ક્યાંક તંદુરસ્તીના દુશ્મન છે. જે મુખ્યત્વે આ પ્રમાણે છે.પોષક આહારની ગેરહાજરી અને Junk Food નું સેવન, બેઠાળુ જીવન અને આળસ, આહાર-વિહાર અંગેની અજ્ઞાનતા અને અનિયમિતતા, જીવનનો નકારાત્મક અભિગમ-શુદ્ધ વિચારોની ગેરહાજરી, જીવનમાં રહેલા લોભ-લાલચ, સ્વાર્થ, ઈર્ષા, અભિમાન જેવા કષાયો, આરોગ્ય અંગેનું શિક્ષણ અને કેળવણીનો અભાવ, ઈશ્વર પરનો અવિશ્વાસ અને ભગવાન અંગેની અંધશ્રદ્ધા, જીવનમાં સ્વચ્છતા અને વ્યવસ્થાનો અભાવ, પૈસા પાછળની ઘેલછા અને અસંતોષી અને અભાવપૂર્ણ જીવન, પરદોષ દર્શનની આદત, કાર્યભાર અને આંતરીક જીવનમાં સંતુલનનો અભાવ, અધર્મમય જીવન, સહનશક્તિનો અભાવ અને દવાનું ગાંડપણ, અપૂરતી ઊંઘ અથવા વધુ પડતી ઉંઘ, વીર્યરક્ષા પ્રત્યે ઉદાસીનતા (બ્રહ્મચર્યની ઉપેક્ષા), સંયમપૂર્ણ જીવનનો અભાવ, તમામ વસ્તુનો અતિરેક(અતિશય ભોગવૃત્તિ), સ્વાર્થી સંબંધો અથવા સંબંધોમાં લાગણીનો અભાવ, મહત્વકાંક્ષી વિચારધારા, કુટુંબ ભાવના, દયા-કરુણા, પરોપકારની ગેરહાજરી, પ્રદૂષણયુક્ત વાતાવરણ, જોખમકારક અને રસાયણસભર અનાજ, કઠોળ, ફળ, શાકભાજી. આવા અનેક કારણો સ્વાસ્થ્ય ખતમ કરવા માટે જવાબદાર છે જે અંગે સજાગ બની આજના વિશષ્ટ દિને (વિશ્વઆરોગ્યદિને) સંપૂર્ણ સ્વાસ્થ્યની પ્રાપ્તિ અવશ્ય કરીએ એ જ અભ્યર્થના.(આરોગ્ય અને આયુષ્ય પ્રાપ્તિ માટેના 7 golden rules ની વિગતે માહિતી મેળવવા તેમ જ ageing slow કરી લાંબા સમય સુધી યુવાન કેવી રીતે રહી શકાય તેમ જ આરોગ્ય અંગેના અનેક વૈજ્ઞાનિક સંશોધનો તેમ જ વિશ્વસ્તરે ૧૦૦ વર્ષથી વધુ જીવેલા અનેક વાસ્તવિક કિસ્સાઓની માહિતી માટે મારું પુસ્તક આરોગ્ય અને આયુષ્ય વાંચવું હિતકારી છે એટલું તો હું આજના ખાસ દિને ચોક્કસ કહીશ) વિશ્વઆરોગ્યદિનની સર્વને ખૂબ ખૂબ શુભકામના.