*ગુજરાતમાં પંચાયતોની ચૂંટણી પહેલા ભાજપ મને જેલમાં પૂરવા માગે છે: હાર્દિક પટેલ*

ગુજરાતમાં પંચાયતી ચૂંટણી આવી રહી હોવાથી ભાજપ મને જેલમાં બંધ કરવા માગે છે. હું ભાજપની સામે જનતાની લડાઈ લડતો રહીશ, એવું અમદાવાદના વસ્ત્રાપુર રાયોટિંગ કેસમાં ધરપકડ થાય તે પહેલા ભૂગર્ભમાં ઊતરી ગયેલા પાટીદાર કૉંગ્રેસી નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું. હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના સહારે ગુજરાત સરકાર અને પોલીસ પર આક્ષેપ સાથે ટ્વીટ કરી લખ્યું કે, ચાર વર્ષ પહેલા ગુજરાત પોલીસે મારા પર ખોટો કેસ કર્યો હતો. લોકસભા ચૂંટણી સમયે મારા થયેલા કેસની યાદી અમદાવાદ પોલીસ કમિશનર પાસે માગી હતી, પરંતુ આ કેસ આ યાદીમાં નહોતા. ૧૫ દિવસ પહેલા મને હિરાસતમાં લેવા અચાનક પોલીસ મારા ઘરે આવી હતી, પરંતુ હું ઘરે નહોતો. જ્યારે બીજા ટ્વીટમાં લખ્યું કે, ખોટા કેસમાં મારા આગોતરા જામીનની પ્રક્રિયા હાઈ કોર્ટમાં ચાલી રહી છે. મારી સામે અનેક બિનજામીનપાત્ર વોરન્ટ પણ કાઢવામાં આવ્યા છે. ગુજરાતમાં પંચાયતી ચૂંટણી આવી રહી હોવાથી ભાજપ મને જેલમાં બંધ કરવા માગે છે.