જામનગર મનપા ચૂંટણી પરિણામોમાં ભાજપની સિક્સર સાથે ફિફટી. ફરી સત્તામાં કમળ.

જામનગર મનપા ચૂંટણી પરિણામોમાં ભાજપની સિક્સર સાથે ફિફટી. ફરી સત્તામાં કમળ.

જામનગર: જામનગરમાં મનપાની ચૂંટણીમાં 25 વર્ષ અને પાંચ ટર્મ થી સતત સત્તા પર ભાજપ દ્વારા છઠ્ઠી વખત વિજય પ્રાપ્ત કર્યો છે અને ફિફટી ફટકારતા એક મોટો ઇતિહાસ બનવા પામ્યો છે. મનપાના 16 વોર્ડ માં ભાજપે 50 સીટ પર કર્યો કબજો. આવો જાણીએ ક્યાં કોણ કેવી રીતે વિજયી બન્યા..

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં સતત છઠ્ઠી વાર વિજય પ્રાપ્ત કરી ભાજપ દ્વારા ઇતિહાસ સર્જ્યો છે અને ભાજપે ફિફટી ફટકારતા સમગ્ર શહેરમાં ભાજપે વિજય પતાકા ફહેરાવી હતી. મનપા ચૂંટણીઓમાં વિપક્ષ કોંગ્રેસ પક્ષ નબળો સાબિત થતો જોવા મળ્યો તો ક્યાંક અને અન્ય પાર્ટી એટલે કે બસપા એ પણ બાજી મારી એમ બે ની લડાઈમાં ત્રીજો ફાવ્યો હોય એવું સામે આવ્યું છે. તો અન્ય તરફ એકાએક દબદબો ધરાવતા આપ સમેટાઈ જતા જામનગરમાં માનપમાં સતત છઠ્ઠી વાર કમળ ખીલતું જોવા મળ્યું છે. જ્યારે પહેલે થી જળવાઈ રહેતી કોંગ્રેસની સીટ કોંગ્રેસને ફાળે કાયમ રહી હતી તો અમુક વિસ્તારોમાં કોંગ્રેસ ની સીટ ખેરવી લેતા ભાજપે ભગવો લહેરાયો હતો. ગઈ ટર્મની સરખામણીએ આ વખતે ભાજપ ને 12 સીટનો ફાયદો તો કોંગ્રેસને 13 સીટોનું નુકશાન જોવા મળ્યું છે.

જામનગરની હરિયા કોલેજ ખાતે મતગણતરી શરૂ થતાં પ્રથમ પરિણામ ભાજપની પેનલનું વિજયી બનવાના આવતા જ ભાજપ કાર્યકરો અને ઉમેદવારોમાં જુસ્સો અને આનંદ જોવા મળ્યો હતો. જામનગરના 16 વોર્ડની ક્રમ મુજબ વાત કરીએ તો વોર્ડ નંબર 1 માં પહેલેથી જ પોતાની પકડ જમાવી રાખતી સીટ કોંગ્રેસે પોતાનો પંજો મજબૂત રાખ્યો હતો અને અહીં કોંગ્રેસના ઉમેદવારો પેનલ સમજુબેન, જુબેદાબેન, નૂરમહમદ અને કાસમભાઈ વિજયી બન્યા હતા જ્યારે વોર્ડ નંબર 2 માં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી અને કોંગ્રેસ દ્વારા પુરી તાકાત લગાવવામાં આવી હતી છતાંય અહીં અન્ય વોર્ડના ભાજપના ઉભા રાખવામાં આવેલ ઉમેદવારો બાજી મારી ગયા હતા અને કૃપાબેન, ડિમ્પલબેન, જયરાજસિંહ, જ્યેન્દ્ર સિંહ વિજયી બન્યા હતા. ત્યારે વોર્ડ નંબર 3 માં પૂર્વ મેયર દિનેશ પટેલની ટીકીટ કપાઈ હતી છતાંય આ વોર્ડમાં ભાજપે જીત મેળવી હતી જેમાં અલકબા, પન્નાબેન, સુભાષ જોશી, પરાગ ભાઈ વિજયી બન્યા હતા. વોર્ડ નંબર 4 માં ભાજપ કોંગ્રેસ ફરી સાથ સાથ હે જોવા મળ્યા હતા નવાગામ ઘેડ વિસ્તારમાં અહીં કોંગ્રેસની મજબૂત પેનલ હતી પરંતુ આ વખતે આપની એન્ટ્રી દારા આખો જંગ ત્રિપંખીયો જોવા મળ્યો હતો પરંતુ પરિણામ આવતા ભાજપ ને 3 અને 1 સીટ કોંગ્રેસના ફાળે ગઈ હતી જેમાં ભાજપના જડી બેન, કેશુભાઈ, પૃથ્વીસિંહ અને કોંગ્રેસના રચનાબેન વિજયી બન્યા હતા. વોર્ડ નંબર 5ની ચૂંટણી આ વોર્ડ માટે સૌથી ચર્ચાસ્પદ ચૂંટણી રહી હતી જેમાં પૂર્વ ડેપ્યુટી મેયરએ ભાજપ સાથે નાતો તોડી આપ પાર્ટીમાં જોડાયા હતા અને અહીં આપ અને ભાજપ વચ્ચે સીધો જંગ ખેલાયો હતો. તેમ છતાં અહીં ભાજપ વિજયી બન્યું હતું જેમાં બીનાબેન, સરોજબેન, કિશનભાઈ અને અશિષભાઈ વિજયી બન્યા હતા. વોર્ડ નંબર 6 માં આ વખતે નવું સમીકરણ રચાયું હતું અહીં પરપ્રાંતિયોની બહુમતી ધરાવતા વિસ્તારમાં ભાજપમાં અપસેટ સર્જ્યો હતો અને ભારતીય બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો વિજય બન્યા હતા. જેમાં બસપાના ફુરકાનભાઈ, જ્યોતિબેન, રાહુલભાઈ ને ભાજપના જશુબા વિજયી બન્યા હતા. વોર્ડ નંબર 7માં ભાજપનો ગાઢ ગણાતો વોર્ડ પાટીદારો દારા જાળવી રાખવામાં આવ્યો હતો અહીં ભાજપને પાટીદાર સમાજનો પૂર્ણ ટેકો હોવાથી અહીં ભાજપના ઉમેદવારો પ્રભાબેન, લાભુબેન, અરવિંદભાઈ, ગોપાલભાઈ વિજયી બન્યા હતા. તો વોર્ડ નંબર 8 ની વાત કરીએ તો પટેલ અને મહાજન સમાજની વસ્તી ધરાવતા આ વિસ્તાર પૂર્ણ રીતે ભાજપનો ગઢ માનતો હોવાથી અહીં ભાજપના ઉમેદવારો સોનલબેન, તૃપ્તિબેન, કેતનભાઈ અને દિવ્યેશભાઈ વિજયી બન્યા હતા. વોર્ડ નંબર 9 ની વાત કરવામાં આવે તો જામનગરના જુના અને નવા વિસ્તારનો સંગમ અહીં પહેલા અન્ય વોર્ડમાં વિજયી બનેલ ઉમેદવારોને ઉતારતા લોકોમાં નારાજગી જોવા મળી હતી અને ઓછું મતદાન કરી નારાજગી વ્યક્ત કરી હતી છતાંય અહીં ભાજપ પોતાનો ગઢ જાળવવામાં સફળ બન્યું હતું અને અહીં ઉમેદવારો ધર્મીનાબેન, કુસુમબેન, ધીરેનભાઈ અને નિલેશભાઈ વિજયી બન્યા હતા તો બીજી તરફ વોર્ડ નંબર 10 ની વાત કરીએ તો જૂનું જામનગર ગણાતો આ વિસ્તારમાં ભાજપના નિયમો મુજબ પૂર્વ મેયર હસમુખ જેઠવા ને ટીકીટ ન મળતા તેમના પુત્ર પાર્થને અહીં મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો અને અનેક વિરોધ અને અટકળો બાદ અહીં ભાજપના ઉમેદવારો પાર્થભાઈ, ક્રિષ્ના બેન, આશાબેન અને મુકેશભાઈ વિજયી બન્યા હતા. વોર્ડ નંબર 11 જે એક સમયે કોંગ્રેસનો ગઢ મનાતા વિસ્તારમાં જ્યાં 2015માં રાજયમંત્રી હકુભા જાડેજાના પત્ની કોંગ્રેસમાંથી લડી આખી પેનલ સાથે વિજયી બન્યા હતા આ સમયે હકુભા ભાજપમાં હતા જેથી અહીં પણ કોંગ્રેસ ભાજપ વચ્ચે અટકળો વિરોધ વચ્ચે પણ ભાજપ દ્વારા મજબૂત દેખાવ કરી અહીં ભાજપ બાજી મારી ગયું હતું અને અહીં ભાજપના ઉમેદવારો તપનભાઈ, ધર્મરાજસિંહ, તરુણાબેન, હર્ષાબેન વિજયી બન્યા હતા. વોર્ડ નંબર 12 જે પૂર્ણ રીતે કોંગ્રેસનો અડીખમ વિસ્તાર છે આ વોર્ડમાંથી કોંગ્રેસના બંને વિરોધ પક્ષના નેતા ચૂંટાતા આવે છે. લઘુમતી બહુમતી ધરાવતા આ વિસ્તારમાંથી કોંગ્રેસ દ્વારા 14 હજાર થી વધુ મતો થી જીત મેળવતા સત્તા જાળવી રાખી હતી અને કોંગ્રેસની પેનલના ઉમેદવારો જેનબબેન, ફેમિદા બેન, અલતાફભાઈ, અસ્લમભાઈ વિજયી બન્યા હતા. વોર્ડ નંબર 13માં આ વખતે ભાજપના ગઢમાં ગાબડું પડતું નજરે જોવા મળ્યું હતું જેમાં કોંગ્રેસના 1 ઉમેદવારે બાજી મારી હતી જેથી ભાજપને અહીં ઝાટકો લાગતો જોવા મળ્યો હતો. અહીં ભાજપના 3 ઉમેદવારો પ્રવિણાબેન, બબીતાબેન અને કેતનભાઈ સાથે કોંગ્રેસના ધવલભાઈ એ જીત મેળવી હતી. વોર્ડ નંબર 14 માં ભાજપે પોતાનો કેસરિયો લહેરાતો જ રાખ્યો હતો કચ્છી ભાનુશાળી સમાજનું પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં ભાજપ નો દબદબો કાયમ રહ્યો હતો અને નવા ચહેરાઓને સ્થાન આપીને પણ અહીં ભાજપના ચારેય ઉમેદવારો શારદાબેન, જીતેશભાઈ, લીલાબેન અને મનીષ ભાઈએ જીત હાંસિલ કરી હતી. વોર્ડ નંબર 15ની વાત કરીએ તો આ વખતે કોંગ્રેસનો ગઢ ગણાતા વિસ્તારમાં ભાજપે ગાબડું પાડતા મોટો અપસેટ સર્જાયો હતો અને સૌથી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં ભાજપ એ 3 સીટ પર કબજો મેળવી ગઢ પોતાના નામે કર્યો હતો જેમાં ભાજપના ત્રણ ઉમેદવારો શોભનાબેન, હર્ષાબા અને જેન્તીલાલ અને કોંગ્રેસના આનંદ ભાઈ વિજયી બન્યા હતા. અંતે વોર્ડ નંબર 16 ની વાત કરવામાં આવે તો અહીં આંખે આખો કોંગ્રેસ નો ગઢ ભાજપે છીનવી મોટી સત્તા કાયમ કરી હતી આ વખતે ભાજપે ચારેય નવા ચહેરાઓને સ્થાન આપ્યું હતું. પટેલ અને મુસ્લિમ બહુમતિવાળા ધરાવતા આ વિસ્તારમાં ભાજપના ચારેય ઉમેદવારો ગીતાબા, ભારતીબેન, વિનોદભાઈ અને પાર્થભાઈ વિજયી બનતા આ ભાજપે આ સીટ કબજે કરી હતી.

તમામ મત ગણતરીના અંતે ભાજપના વિજયનું ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામ્યું હતું જેમાં મનપા માટેની કુલ 64 સીટોમાં ભાજપે 50 સીટો પર કબજો મેળવી ફિફટી મારતા પોતાની વિજય પતાકા લહેરાવી હતી જ્યારે કોંગ્રેસના ફાળે 11 અને બસપા ના ફાળે 3 સીટ આવી હતી. મનપાની ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર પ્રબળ પાર્ટી સાબિત થઈ હતી અને અમુક કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ પોતાનો ગઢ બનાવવામાં સફળ બની હતી. પરિણામ આવતાંની સાથે બહાર આવતા વિવિધ વોર્ડના વિજયી ઉમેદવારો દ્વારા પોતાની લાગણીઓ ઉત્સાહ અને પ્રતિક્રિયાઓ દર્શાવામાં આવી હતી અને જામનગર ખાતે વિજય સરઘસ દ્વારા લોકોનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા.