કોરોના મહામારીમાં રાઉન્ડ ધ ક્લોક કાર્ય કરનાર અમદાવાદ સીવીલના ફ્રંટલાઇન વોરીયર્સની કર્તવ્યનિષ્ઠાને બિરદાવતા સેવાભાવી સંસ્થા દ્વારા કરાયું સન્માન.
અમદાવાદ: કોરોની મહામારીમાં અગણિત કોરોના વોરીર્યસે કોરોના સામે બાથ ભીડીને તેને ધોબીપછાડ આપવા માટે દિવસ રાત મહેનત કરી છે. જેના પરિણામ સ્વરૂપ જ આજે કોરોનાનો કહેર ઓછો થયો છે.
અમદાવાદ શહેરમાં પણ ઘણા તબીબો અને ફ્રંટલાઇન કોરોના વોરીયર્સે રાઉન્ડ ધ ક્લોક દર્દીનારાયણની સેવા-શુશ્રુષા કરીને કોરોનાને કાબૂ મેળવાવાના પ્રયાસ કર્યા છે જેમાં જવલંત સફળતા મળી છે.
આ કોરોના વોરીયર્સની નોંધ લઇને ઘણી સેવા ભાવી સંસ્થાઓ કોરોના વોરીયર્સના જુસ્સાને બિરદાવવા આગળ આવી છે.અમદાવાદ સ્થિત સેવાભાવી સંસ્થા “જન વિકાસ” દ્વારા અમદાવાદ શહેરની વિવિધ હોસ્પિટલમાં કાર્યરત કોરોના વોરીયર્સની કામગીરીનો સર્વે કરીને પરિણામ સ્વરૂપ અમદાવાદ શહેરમાં અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલની પસંદગી કરીને તેમની કામગીરીને બિરદાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોરીયર્સની કામગીરીનું સન્માન કરવા અને તેમની સેવા-શુશ્રુષાને બિરદાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના અસ્મિતા ભવનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં કોરોના મહામારી દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ સ્થિત કોરોના ડેડીકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીનારાયણની સેવા-શુશ્રુષામાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, સફાઇકર્મીઓની કર્તવ્યનિષ્ઠાનું સન્માન કરવામાં આવ્યુ હતુ.
આ સેવાભાવી સંસ્થા દ્વારા કોરોના વોરીયર્સના કામગીરીની યશ ગાથા દર્શાવતું પુસ્તક તૈયાર કરીને સિવિલ હોસ્પિટલને ભેંટ કરવામાં આવ્યુ હતુ. જેમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા કરતા પોતે સંક્રમિત થયેલ તમામ કેટેગરીના હેલ્થકેર વર્કરોની કામગીરીનો ચિતાર અને તેમના જુસ્સાનો સહર્ષ વર્ણન કરવામાં આવ્યુ છે જેનં વાંચન કરતા -કરતા ઘણાંય તબીબો સંવેદનશીલ બન્યા હતા.
આ પ્રસંગે જનવિકાસ સંસ્થાના સભ્યો, સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી.મોદી, એડિસનલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલ, ડૉ. રાકેશ જોષી સહિત ઉચ્ચ તબીબી અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
—————–