BJP સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, BTP-AIMIM બન્નેવ ગાંડા, ઓવૈસી બોલવામાં મર્યાદા રાખે
BTP-AIMIMનું સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અસ્તિત્વ ખતમ: મનસુખ વસાવા
રાજપીપળા:તા 9
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTPએ AIMIM સાથે ગઠબંધન કર્યું છે. ભરૂચ અને અમદાવાદ ખાતે BTPના છોટુભાઈ વસાવા અને AIMIM અસદુદ્દીન ઓવૈસીએ જાહેરસભા સંબોધી ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો હતો. AIMIM અસદુદ્દીન ઓવૈસીએ બન્ને જાહેરસભામાં ભાજપ અને નરેન્દ્ર મોદી તથા અમિત શાહ વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કર્યો હતો અને એમની પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. AIMIM અસદુદ્દીન ઓવૈસીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે ગુજરાત છોટુભાઈ વસાવાનું છે નરેન્દ્ર મોદી કે અમિત શાહનું નહિ. અસદુદ્દીન ઓવૈસીના આ નિવેદન બાદ ખળભળાટ મચ્યો હતો. ત્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ AIMIM અસદુદ્દીન ઓવૈસીને બોલવામાં મર્યાદા રાખવાની સલાહ આપી હતી. એમણે જણાવ્યું હતું કે BTP-AIMIM તો ગાંડા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BTP-AIMIM ગઠબંધન વિશે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે એ ગઠબંધનથી કોંગ્રેસને ખૂબ મોટું નુકશાન જશે ભાજપને કોઈ જ ફરક નહિ પડે. એમણે વધુમાં જણાવ્યું હતું કે BTP-AIMIM અલગતાવાદી વિચારધારા ધરાવતી પાર્ટી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ બન્નેવ પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઈ જશે, BTP-AIMIM ની કોઈ હેસિયત નથી કે ભાજપને ચૂંટણીમાં હરાવીશકે.
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે BTP અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM બંને ગાંડા છે. તેઓ આવનારી ચૂંટણીમાં હાંસિયામાં ધકેલાઈ જશે. અસદુદ્દીન ઓવૈસીએ ભરૂચમાં જાહેરમાં એમ કહ્યું હતું કે ગુજરાત તો ગાંધીનું અને છોટુભાઈ વસાવાનું છે, નરેન્દ્ર મોદી કે અમિત શાહનું નથી. ત્યારે આ મામલે મનસુખ વસાવાએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી વિશ્વફલકના નેતા છે, છોટુભાઈ સીમિત છે તેઓ હજુ ઝઘડિયાથી બહાર નીકળી નથી શકતા. અસદુદ્દીન ઓવૈસીએ બોલવામાં મર્યાદા રાખવી જોઈએ.
અસદુદ્દીન ઓવૈસીને ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિનું જ્ઞાન નથી અને કઈ પાર્ટીને ક્યાં કેટલો જનધાર છે એનો અભ્યાસ પણ કર્યો નથી. તેઓ એક પાગલ વ્યક્તિની માફક કહે છે કે ગુજરાત તો છોટુભાઈ વસાવાનું છે. છોટુભાઈ વસાવાએ અત્યાર સુધી આદિવાસીઓને ઉશ્કેરવા સિવાય બીજું કોઈ કામ કર્યું નથી.
તસવીર: જ્યોતિ જગતાપ,રાજપીપળા