પધરામણી.- © દેવેન ભટ્ટ

પધરામણી

જાતને જળબિંદુઓથી જો કરે સોહામણી,
સૂર્યની વરસાદમાં રંગીન છે પધરામણી.

જેમ નળિયાંમાં ચળાઈ ને પડે છે રવિ કિરણ,
એમ આવે અંગતોની હૂંફ છે થોડીઘણી.

હોય સોડમ ધૂળની કે ફૂલ કેરી મ્હેક હો,
માલિકી ખુદની પવન સમજી કરે છે વ્હેંચણી.

નામના અમથી થઈ છે ક્યાં અહીંયા આપણી?
કે અમે જાતે કરી જે વાવણી, જાતે લણી.

દોષ આંખોનો નથી હોતો નજરનો હોય છે,
વાંકદેખું દ્રષ્ટિમાં જોવાં મળે છે આંજણી.

– © દેવેન ભટ્ટ (૦૨/૦૧/૨૦૨૧)