એક સલામ અનોખા પર્યાવરણ રક્ષકને. ૮૩ વર્ષીય વાસંતીબેન વેસ્ટ કાપડમાંથી થેલી બનાવી લોકોને નિશુલ્ક આપી રહ્યા છે

એક સલામ અનોખા પર્યાવરણ રક્ષકને. ૮૩ વર્ષીય વાસંતીબેન વેસ્ટ કાપડમાંથી થેલી બનાવી લોકોને નિશુલ્ક આપી રહ્યા છે

અમદાવાદ:* “ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ” મકરંદ દવેની આ પંક્તિને અમદાવાદના વાસંતીબાએ સાર્થક કરી બતાવી છે. ગયા વર્ષે લોકડાઉનમાં અબાલ-વૃદ્ધ સૌ કોઇને ઘરમાં પુરાઈ જવું પડ્યું હતું તેવા સમયે ૮૩ વર્ષના વાસંતી બહેને પ્રવૃત્ત રહેવાનો માર્ગે શોધી કાઢ્યો હતો. તેઓએ વર્ષો પહેલા છોડી દીધેલો સિલાઈનો શોખ ઘરમાં જ રહી સમય પસાર કરવા માટે ફરી તાજો કર્યો અને વેસ્ટ કાપડમાંથી થેલી બનાવવાનું શરૂ કર્યું. બાની આ પ્રવૃત્તિ આજે પણ ચાલુ છે. વાસંતીબા કાપડની થેલી હવે આસપાસના લોકો અને દુકાનદારોને નિ:શુલ્ક આપી રહ્યા છે. એટલુજ નહિ પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી વાપરવાનો સંદેશ પણ.

વાસંતી બાના દીકરા આશુતોષ ભાઇ રાવલ કે જેઓ ટ્રાવેલ્સ કંપની ચલાવે છે તેઓના કહ્યા મુજબ, લોકડાઉનમાં ઘરે બેઠા બેઠા એક દિવસ ચર્ચા દરમિયાન બાએ પૂછ્યું કે આ કોરોના કેમ આવ્યો ? ત્યારે મેં દુષિત પર્યાવરણ અને તેમાંથી ઉદભવતા રોગ- મહામારીની વાત કરી. વળી વાત વાતમાં પ્લાસ્ટિકના કચરાનો વિશેષ ઉલ્લેખ કર્યો. ત્યારે મારી બાએ કહ્યું કે તો આપણે લોકોને કાપડની થેલી બનાવી આપીએ અને એ જ ઉપયોગમાં લેવાનો આગ્રહ પણ કરીએ તો !

તેઓ આગળ કહે છે કે, બાના કાપડની થેલી બનાવવાના નાનકડા અભિયાનની આ શુભ શરૂઆત હતી. તેણે વેસ્ટ કાપડ ભેગું કરી તેની સિલાઈ કરી થેલી બનાવવાનું શરૂ કર્યું. બાને મન સિલાઈ કામ એટલે ગમતી પ્રવૃત્તિ. લોકડાઉનના કપરા સમયમાં આ કામથી બા વ્યસ્ત રહેવા લાગી. ધીરે ધીરે એની રીતે રોજ અનુકૂળતા પ્રમાણે થેલી સીવતા ત્યારે કંઈક કર્યાનો આનંદ અને ગર્વ પણ તેમના ચહેરા પર છલકાતો. આ જોઈને બાને ઉંમર લાયક હોવા છતાં પણ સિલાઈ કામ કરવા માટે અટકાવ્યા નહીં.

આશુતોષભાઈએ હવે દરજીકામ કરતાં વ્યક્તિઓ પાસેથી નકામું વધેલું કાપડ એકઠું કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની તરકીબ અજમાવી છે જે સફળ નીવડી છે. વાસંતીબાએ બનાવેલી કાપડની થેલી હવે આશુતોષ ભાઇ આસપાસના લોકો અને દુકાનદારોને પર્યાવરણ રક્ષણના સંદેશ સાથે નિ:શુલ્ક આપી રહ્યા છે. લોકો પણ વાસંતી બાના પ્રેમ અને લાગણીથી ગૂંથાયેલી થેલીને સહર્ષ સ્વીકારી લે છે..

વાસંતી બા અત્યાર સુધીમાં આવી ૫૦૦થી વધુ કાપડની થેલી બનાવી લોકોને ભેટ આપી ચુક્યા છે. વાસંતી બાએ ગમતી પ્રવૃત્તિ વર્ષો બાદ ફરી શરૂ કરી અને હવે આ કાર્ય બીજાને પણ પ્રેરણા સંદેશ આપી રહ્યું છે.