કોરોના મહામારી સામેના જંગમાં વેક્સિનેશનના બીજા તબક્કાનો આરંભ. અમદાવાદ જિલ્લા કલેક્ટર, ડીડીઓ, શહેર પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકએ રસી લીધી

કોરોના મહામારી સામેના જંગમાં વેક્સિનેશનના બીજા તબક્કાનો આરંભ. અમદાવાદ જિલ્લા કલેક્ટર, ડીડીઓ, શહેર પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકએ રસી લીધી

અમદાવાદ: અમદાવાદ જિલ્લામાં ફ્રંટલાઈન કોરોના વોરિયર્સના રસીકરણના બીજા તબક્કાનો શુભારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે કોરોના વેક્સિનેશન સેન્ટરમાં કોવીડ સામે રક્ષણ આપતી રસી મુકાવી જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓએ તે સુરક્ષિત હોવાનો સંદેશ આપ્યો હતો.

અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેએ કોવીડ સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ લઈને પ્રજાજનોને સંદેશ આપતા જણાવ્યું હતું કે,” કોરોના રસીકરણના મહાઅભિયાનમાં જોડાઈને તમામ કોરોના વોરિયર્સે રસી અચૂક મૂકાવવી જોઈએ”. તેમણે ઉમેર્યું હતું કે ઉચ્ચ અધિકારીઓએ વેક્સિન લઈને કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધારવાની સાથે ઉદાહરણ પુરુ પાડ્યુ છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીની સાથે આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ અને અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિરેન્દ્ર યાદવ પણ જોડાયા હતા. આ ઉચ્ચ અધિકારીશ્રીઓએ પણ રસી લઈ રસી સલામત છે તેનો સંદેશ આપ્યો હતો.

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુએ રસીકરણ કાર્યક્રમની રુપરેખા આપતા જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં 3 દિવસ રસીકરણ અભિયાન ચાલશે, જેના માટે 16 સાઈટ્સ નક્કી કરવામાં આવી છે. આ સાઈટ્સ પર અમદાવાદ ગ્રામ્યના પોલીસકર્મી, પંચાયત, મહેસૂલ વિભાગના કર્મચારીઓ ઉપરાંત નગરપાલિકાના સ્ટાફને રસી અપાશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવે કોરોના સામેની રસી લઈ પોલીસ જવાનોમાં ઉર્જાનો સંચાર કર્યો હતો. તેમણે કહ્યું કે,’’ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ મને કોઈ અસર નથી. વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે અને કોરોના સામેની લડતમાં વેક્સિન જરુરી હથિયાર છે.’’ તેમણે ઉમેર્યું હતું કે આગામી ત્રણ દિવસમાં મહત્તમ પોલીસકર્મીઓને વેક્સિન આપી સુરક્ષિત કરવાનો અમારો પ્રયાસ રહેશે.
સિવિલ હોસ્પિટલમાં વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને શહેર પોલીસ ઉચ્ચ અધિકારીઓ તેમ જ નિષ્ણાત તબીબો પણ સહભાગી થયા હતા.
************