લેભાગુ વેપારીઓ સામે રક્ષણ માટે પાંચકુવા કાપડ મહાજનની લવાદ કમિટી રચાઈ

લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહેલા કાપડ ઉદ્યોગમાં ધીરે ધીરે તેજી આવી રહી છે. ત્યારે જ કેટલાક લેભાગુ વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં ઉધાર માલ લઈ પેઢીઓનું ઉઠામણું કરવામાં આવી રહ્યું છે. આવા લેભાગુ તત્વો સામે યોગ્ય પગલાં લઈ શકાય અને માર્કેટના સરળ વ્યાપારીઓને રક્ષણ મળી શકે તેના માટે પાંચકુવા કાપડ મહાજન દ્વારા લવાદ કમિટી ની રચના કરવામાં આવી છે. હવે વ્યાપારીઓને ચૂનો લગાવી પલાયન થઈ જતાં પ્રભાગો વેપારીઓ સામે લવાદ કમિટી પગલા લેશે.
પાંચકુવા કાપડ મહાજનના કિરીટભાઈ પટેલના જણાવ્યા મુજબ વેપારીઓ વચ્ચે ચાલતી તકરારનું સમાધાન થઇ શકે અને લેભાગુ તત્વો સામે પગલા લઇ શકાય તેના માટે લવાદ કમિટીની રચના કરવામાં આવી છે. પાંચકુવા કાપડ દ્વારા મસ્કતી કાપડ મહાજન પણ આ મુદ્દે મદદ લેવામાં આવી રહી છે. મસ્કતી કાપડ મહાજન દ્વારા તાજેતરમાં જ 100થી વધારે લેભાગુ વેપારીઓ અને દલાલોને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યા હતા.