પીઠા ગ્રાઉન્ડ દેડિયાપાડા ખાતે બીટીપી દ્વારા 26 મી જાન્યુઆરી આદિવાસીઓનું મોટું સંમેલન મળશે.
ઇકો સેન્સીટીવ ઝોન હટાવો,અનુસૂચિત-5 બચાવો,આદિવાસી બચાવો મુખ્ય મુદ્દાઓ પર થશે ચર્ચા.
બીટીપી આગેવાનો છોટુભાઈ વસાવા, ધારાસભ્ય મહેશ વસાવા સહિત જેએનયુના આગેવાનોની ખાસ ઉપસ્થિતિ.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે બીટીપીના રાજકીય સમીકરણો તેજ બન્યા.
રાજપીપળા,તા.22
ઈકો સેન્સીટીવ ઝોન હટાવો,અનુસૂચિત -5 બચાવો,આદિવાસી બચાવો મુખ્ય મુદ્દાઓને ધ્યાને લઇ આગામી 26 મી જાન્યુઆરીના રોજ પીઠા ગ્રાઉન્ડ દેડિયાપાડા ખાતે બીટીપી દ્વારા આદિવાસીઓનું મોટું સંમેલન મળવા જઈ રહ્યું છે. જેમાં બીટીપી આગેવાનો છોટુભાઈ વસાવા, ધારાસભ્ય મહેશ વસાવા સહિત જેએનયુના આગેવાનોની ખાસ ઉપસ્થિતિ રહેવાની છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે બીટીપીના રાજકીય સમીકરણો તેજ બનવા પામ્યા છે.
આ સંમેલનમાં ઈકો સેન્સીટીવ ઝોનનો મુદ્દો મુખ્ય રહેશે. જેમાં નર્મદા જિલ્લાના શૂલપાણેશ્વર અભ્યારણના ગરુડેશ્વર ગરુડેશ્વર તાલુકાના 12, નાંદોદ તાલુકાના 23,દેડિયાપાડા તાલુકાના 74, સાગબારા તાલુકાના 12 ગામોના ને મળીને 121 ગામોને ઈકો સેન્સીટીવ ઝોન લાગુ કરવામાં આવેલ છે.જેનાથી આદી અનાદીકાળથી અહીં વસનારા આદિવાસીઓને સંવૈધાનિક અધિકારો, માનવ અધિકાર, કેન્દ્ર સરકાર દ્વારા હનન કરી આદિવાસીઓને અસ્તિત્વ પર જોખમ ઊભું કરેલ છે.ઈકો સેન્સીટીવ ઝોનના નામે સરકાર દ્વારા આદિવાસી સમાજની જળ,જંગલ, જમીનો. ખનીજ સંપદાઓ હળવાનું કાવતરું કરવામાં આવેલ છે.જેને રદ કરવામાં આવે અને અનુસૂચિત- 5 ની ચુસ્ત અમલવારીની માંગ કરશે.
જેમાં મુખ્ય વક્તા બીટીપી -બીટીએસ રાષ્ટ્રીય સંયોજક છોટુભાઈ વસાવા,અધ્યક્ષ મહેશભાઈ વસાવા, ડો. દિલીપભાઈ યાદવ જેએનયુ નવી દિલ્હી, ડો.મુલાયમ યાદવ જેએનયુ નવી દિલ્હી, ડો.રાજેશભાઈ વસાવા બીટીએસ રા.મહાસચિવ, ધવલ ચૌધરી બીટીપી ગુ.પ્ર.અધ્યક્ષ,દિલીપભાઈ વસાવા બીટીપી મહાસચિવ, પરેશભાઇ વસાવા બીટીપી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ,રમેશભાઈ વસાવા બીટીપી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ, પ્રો.રમેશભાઈ વસાવા બીટીપી મહારાષ્ટ્ર પ્ર.પ્રભારી રહેશે
ઈકો સેન્સીટીવ ઝોન લાગુ કરેલ 121 ગામોમાં પૈસાનું 1996 લાગુ કરવા તેમજ ઇકો સેન્સિટીવ ઝોનમાં કેટલીક પ્રવૃત્તિઓ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા આવેલ છે. તે દૂર કરવા તથા આદી અનાદીકાળથી જળ,જંગલ જમીનો, ખનીજો સાથે રહી જીવન નિર્વાહ કરનાર આદિવાસી સમાજ પર ઈકો સેન્સીટીવ ઝોન લાગુ કરી સરકાર પ્રવાસનના નામેં રહેણાક હોટલ રીસોર્ટ, લઘુ ઉદ્યોગો આવવાથી બહારના લોકો વસવાટ કરવા આવશે.જેની સીધી અસર આદિવાસી સમાજની રહેણીકરણી, જાતિગત પરંપરા, સંસ્કૃતિ પર માઠી અસર થશે.જેને તાત્કાલિક ધોરણે મૂળ અસરથી રદ કરવાની માંગ કરશે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ ,રાજપીપળા