અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નારોલ-પીપળજ રોડ ઉપરની ચિરીપાલ ગૃપની નંદિમ ડેનિમ નામની ફેક્ટરીના ગોડાઉનમાં શનિવારે સાંજે 5.45 વાગે લાગેલી ભીષણ આગ 15 કલાક બાદ પણ કાબૂમાં આવી નથી. આગ એટલી વિકરાળ હતી કે, અહીં હાજર કર્મચારીઓને જીવ બચાવવાનો મોકો પણ મળ્યો ન હતો. ફેક્ટરીનો દરવાજો ખોલતાં જ ફાયરવિભાગના જવાનો ચોંકી ઉઠ્યા હતા. કેમ કે, દરવાજાની આગળ જ પાંચ વ્યક્તિઓનાં ભૂંજાઈ ગયેલાં મૃતદેહો મળ્યા હતા. આ આગમાં છ કર્મચારીઓ જીવતાં ભૂંજાઇ ગયા હતા. જ્યારે હજુ પણ એક વ્યક્તિ ગુમ છે.
આગને બુજાવવા માટે 16 ફાયર ફાઇટર વાહનો સાથે 150 ફાયરમેનનો કાફલો તૈનાત કરી દેવાયો હતો. હજારો લીટર પાણીનો છંટકાવ કર્યા બાદ પણ આગ સવાર સુધી કાબુમાં આવી ન હતી. આ ફેક્ટરીમાં ખુલ્લેઆમ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લઘંન થયું હોવાનું પ્રાથમિક નજરે ફાયરના સુત્રો જણાવી રહ્યાં છે. આગ ઉપર મહંદઅંશે કાબૂ મેળવી લેવાયો છે. પણ હજુ પણ કાપડના રોલમાં આગ યથાવત છે. હજુ કોઈ ફેક્ટરીમાં ફસાયેલું છે કે નહીં તે અંગે ફાયરબ્રિગેડે તપાસ શરૂ કરી છે. આ મામલે નારોલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના નારોલ પીપળજ રોડ પાસે ચીરીપાલ ગૃપની નંદીમ ડેનિમ નામની કાપડ ફેકટરીનાં ગોડાઉન આવેલું છે. અહીં શનિવારે સાંજના સમયે આગ લાગી હતી જેથી અહીં હાજર કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, અહીં કાપડ યુનિટ હોવાથી બે માળના બે મોટા ગોડાઉનમાં કોટન અને કાપડ સહિત અન્ય ચીજવસ્તુઓનો જથ્થો પડયો હતો. જેથી અહીં આગ ઝડપીથી ફેલાઇ ગઇ હતી. કર્મચારીઓ જીવ બચાવીને ભાગે તે પહેલાં જ તેઓ આગની ઝપેટમાં આવી ગયા હતા.