જાકો રાખે સાંઈયા, માર શકે ન કોય..૧૧ મહિનાનો દેવાંશ ઘરના બીજા માળથી નીચે પટકાયો. 1 માહિનાની જંગ બાદ સિવિલના હોસ્પિટલના તબીબોએ મોતના મુખમાંથી ઉગાર્યો.

જાકો રાખે સાંઈયા, માર શકે ન કોય..૧૧ મહિનાનો દેવાંશ ઘરના બીજા માળથી નીચે પટકાયો. 1 માહિનાની જંગ બાદ સિવિલના હોસ્પિટલના તબીબોએ મોતના મુખમાંથી ઉગાર્યો.

અમદાવાદ: અમદાવાદમાં વસનારા એક ભલાભોળા અને પરગજુ પરિવારનો એક વર્ષનો માસૂમ પુત્ર દેવાંશ આયુષ્યના એક વર્ષનો ઉંબરો ઓળંગવાની તૈયારીમાં હતો. હજુ થોડા દિવસ પહેલા જ ઘરના આનંદનું કેન્દ્ર એવો દેવાંશ ચાલતા શીખ્યો હતો…સમગ્ર ઘરમાં ખુશીઓની કોઇ સીમા રહી નહોતી. એવામાં આવ્યો ૧૩ ડિસેમ્બર, ૨૦૨૦નો એ ગોઝારો દિવસ…

એ દિવસે દેવાંશ તેનાથી ત્રણ વર્ષ મોટા ભાઈ સાથે ઘરની બાલ્કનીમાં રમી રહ્યો હતો. રમતરમતમાં અચાનક દેવાંશ ઘરના બીજા માળની રેલિંગ પરથી નીચે જમીન પર પટકાયો. નસીબજોગે દેવાંશ ભાનમાં હતો, પણ તેને ખોરાક અને લોહીના અંશો ધરાવતી ઊલટીઓ થતા તેની હાલત દયનીય બની હતી. અચાનક આ ભલાભોળા પરિવાર પર વિધાતાએ આફતનો કોરડો વિંઝ્યો હતો. હતપ્રભ થયેલો પરિવાર દેવાંશને લઇને નજીકની હોસ્પિટલમાં ગયો, જ્યાંથી તેને અમદાવાદ સિવિલ રિફર કરવામાં આવ્યો.

અમદાવાદ સિવિલમાં દેવાંશને લાવવામાં આવતાં તેના માતાપિતાની આંખોમાં આશાના તોરણ બંધાયાં. અહીં બાળરોગ વિભાગમાં ડો. બેલા જે. શાહની દેખરેખમાં દેવાંશને ઉગારી લેવાના પ્રયાસો શરૂ થયા. દેવાંશના મગજનો સીટી સ્કૅન કરાવવામાં આવતા તેને સબઍરેકૅનોઇડ હૅમરેજ તથા ઓક્સિપિટલ રિજનમાં કન્ટ્યુઝન હોવાનું ફલિત થયું. તાબડતોબ બીજા ટૅસ્ટ પણ કરવામાં આવ્યાં. છાતી અને ઉદરનો સિટી સ્કૅન કરાયો જેમાં પાંસળીઓના નીચલા ભાગમાં એક કરતા વધુ ફ્રૅક્ચર્સ અને ડાબી તરફ હળવું ન્યૂમોથૅરેક્સ હોવાનું જણાયું. પેટ અથવા નાના આંતરડામાં પરફોરેશનની સંભાવના પણ જણાઈ.
તબીબી વિજ્ઞાન અનુસાર, ખાસ કરીને બાળ વયના દર્દીઓના કિસ્સામાં, ઉંમર જેટલી ઓછી હોય તેટલી જ સર્જરી વધુ ને વધુ જટિલ હોય છે. જોખમ હતું પણ ડોક્ટર્સે વિધાતા સામે બાથ ભીડવાનું નક્કી કર્યું અને દેવાંશના ઑપરેશનની તૈયારીઓ શરૂ કરાઈ.
બાળરોગ સર્જરી વિભાગના વડા અને પ્રોફૅસર ડૉ. રાકેશ જોશીના માર્ગદર્શન હેઠળ મદદનીશ પ્રાધ્યાપક ડો. મહેશ વાઘેલા દ્વારા સર્જરી કરાઈ. મદદનીશ પ્રાધ્યાપક ડો. ચિરાગ પટેલના વડપણ હેઠળ ઍનેસ્થેસિયા ટીમ પણ ઑપરેશનમાં હાજર હતી. અતિ જટિલ સર્જરીના અંતે પેટના પડમાં પડેલા પાંચ સેન્ટિમિટર જેવડા ચીરાને પાછો ઠીક કરી દેવાયો. એ સિવાય અન્ય ભાગોની પણ સર્જરી કરીને તેને ઠીક કરાયો.

સર્જરી પછી હ્યદય સંબંધિત ઇજાઓના કારણે દેવાંશના ધબકારા વધી ગયા હતાં. બ્લડ ઇલેક્ટ્રોલાઇટ્સમાં પણ ફેરફાર થયો હતો. તેનો પણ પીડિયાટ્રિક્સ વિભાગે કાબુ મેળવી લીધો. ધીરે ધીરે ઇલેક્ટ્રોલાઇટ્સ સામાન્ય થઈ ગયા. બધાને એમ હતું કે હવે દેવાંશ ઠીક થઈ જશે, પણ વિધાતાએ તો જાણે ઉપરા ઉપરી કસોટીઓ લેવાનું નક્કી કર્યું હતું.
દેવાંશને ઓપરેશન પછી સતત તાવ રહેતો હતો. અલ્ટ્રાસાઉન્ડ પેટના ભાગમાં થોડુંક ઍબ્ડોનિમલ કલેક્શન પણ હતું. ઓપરેશન પછીના વીસમાં દિવસે ફરી ઑપરેશન કર્યું, હવે ડોક્ટર્સ પણ વિધાતા સામે લડી લેવાના મૂડમાં હતાં. દેવાંશના શરીરમાં સર્જાયેલી બીજી ખામીઓ પણ વીણી વીણીને દૂર કરી દેવાઈ. આખરે ડોક્ટર્સના પ્રયાસોમાં દેવાંશના સારા સ્વાસ્થ્યરૂપી સુગંધ ભળી. દેવાંશે ધીરે ધીરે ખોરાક લેવાનું શરૂ કર્યું, હવે કોઇ પણ તકલીફ નહોતી.

અત્રે ખાસ નોંધવું પડે કે જ્યારે કોઇ બાળક આટલી ઊંચાઈએથી જમીન પર પટકાય ત્યારે તેના એક કરતા વધુ અંગો ઇજાગ્રસ્ત થતા હોય છે. આવી સારવારમાં એક કરતા વધુ વિભાગોની તજજ્ઞતાની જરૂર પડે છે. આવી દુર્ઘટનાથી ઘણા દર્દીઓમાં આજીવન કોઇ ખોડખાંપણ રહી જાય છે તેમજ અમુક કિસ્સામાં જીવ પણ ગુમાવી દે છે. દેવાંશ અને તેનો પરિવાર એ રીતે નસીબદાર હતો કેમકે તેને સમયસર અમદાવાદ સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તબીબોની સારવાર મળી ગઈ અને તબીબોએ ત્વરિતતા દાખવીને દેવાંશની તમામ ઇજાઓ પર સફળતાપૂર્વક કાબુ મેળવી લીધો.

સારવાર દરમિયાન જ દેવાંશની પ્રથમ વર્ષગાંઠ પણ આવી હતી. માસૂમ દેવાંશ અંદરથી આનંદ અનુભવે તેનું ધ્યાન પણ સિવિલ હોસ્પિટલના સ્ટાફે રાખ્યું અને હોસ્પિટલમાં જ તેનો પ્રથમ જન્મદિન ઘરની જેમ જ ઉજવીને માનવીય સંવેદનશીલતાને ઉજાગર કરી હતી.
હવે નાનકડો દેવાંશ મોતને મ્હાત આપીને પાછો સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યો છે. દેવાંશનો આ કિસ્સો એ વાત તરફ અંગૂલીનિર્દેશ કરે છે કે ગુજરાતની મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ-નિર્ણાયક સરકારના લોકહિત અભિગમના લીધે અમદાવાદ સહિત ગુજરાતના ખૂણેખૂણામાં દરેક માનવી માટે સ્વાસ્થ્ય સુશ્રુષા અને સારવાર સહજ બની છે.