ઈકો સેન્સેટિવ ઝોન-એસઓયુ સત્તા મંડળથી આદિવાસીઓને ફાયદો કે નુકસાન થશે તે અંગે પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી એ કરી સ્પષ્ટતા.
ઈકો સેન્સેટિવ ઝોનમાં ખેડૂતોની માલિકી હક પર કોઈ તરાપ નહિ મારે – પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી.
કેવડિયા સત્તા મંડળ કોઈ પાસેથી જમીન લેવાની નથી
રાજપીપળા, તા.5
સરકારે 1 ફેબ્રુઆરી 2020 ના રોજ અમલમાં મુકેલો સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (કેવડિયા ઓથોરિટી) કાયદાનો સ્થાનિક આદિવાસીઓ ખૂબ વિરોધ કરી રહ્યા છે, એ વિરોધ શાંત પડ્યો નથી ત્યાંતો નર્મદા જિલ્લાના 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવતા એનો પણ એટલો જ વિરોધ થઈ રહ્યો છે. બીટીપી અને કોંગ્રેસ એમ કહી રહી છે કે આ બન્નેવ કાયદાથી આદિવાસીઓ ને મોટું નુકશાન થશે જ્યારે ભાજપ એમ કહી રહી છે કે બીટીપી અને કોંગ્રેસ આદિવાસીઓને ભરમાવે છે.
ગુજરાત સરકારના પૂર્વ વન રાજ્ય મંત્રી શબ્દશરણ તડવીએ ગુજરાત એક્સકલુઝીવ સાથેની ખાસ વાતચીત જણાવ્યું હતું કે, ઈકો સેન્સેટિવ ઝોનની જો વાત કરીએ તો ખેડૂતોના માલિકી હક પર કોઈ તરાપ નહિ મારે, તમે પરંપરાગત ખેતી કરો અથવા તમારો કોઈ ધંધો કરો એના પર પણ આ કાયદામાં કોઈ નિયંત્રણ નથી. પણ ખેતી લાયક જમીનમાં ઉદ્યોગો માટે અથવા તો કોઈ બીજા ધંધા માટે એનએ કરાવવા જાવ તો પરવાનગી લેવી પડે, પણ એ ઉદ્યોગો પ્રદુષણ અને અવાજ કરતા ન હોવા જોઈએ.
શબ્દશરણ તડવીએ જણાવ્યું કે,સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (કેવડિયા ઓથોરિટી) કાયદાની જો વાત કરીએ તો કેવડિયા સત્તા મંડળને 1 ઈંચ જમીન પણ સંપાદન કરવાની સત્તા નથી, એ કાયદાથી કોઈ ગામો પણ સરકાર ખાલી નહિ કરાવે.કેવડીયા સત્તા મંડળ વિકાસને નિયંત્રિત કરવાનું કામ કરે, અનિયત્રિત વિકાસ નહી થાય.ખાનગી માલિકીની જમીનમાં કોમર્શિયલ બેઝ ઉપર હોટેલો, રહેઠાણોના પ્લાન બનાવે એની પર આજે પણ નિયંત્રણ છે.
ટાઉન પ્લાનિંગ વગર વિકાસ શક્ય જ નથી, ટાઉન પ્લાનિંગ વખતે 40 % જમીન હેરાફેરી માટે રસ્તો બનાવવા, શાળા બનાવવા, દવાખાનું બનાવવા ખાલી રાખવી એવો કાયદો તો હમણાં પણ છે જ, અને એ જમીનના સરકાર પૈસા પણ ચૂકવે છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા