મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના નગરોની અભિનવ પહેલ ‘આત્મનિર્ભર નગરસેવા’

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં
ગુજરાતના નગરોની અભિનવ પહેલ ‘આત્મનિર્ભર નગરસેવા’

*૧૬ નગરપાલિકાના સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસ.ટી.પી., વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ-ડબલ્યુ.ટી.પી. સૌર ઊર્જા-સોલાર એનર્જી આધારિત કરવાના ખાતમુહૂર્ત સંપન્ન કરતા મુખ્યમંત્રીશ્રી*

 *વાર્ષિક રૂ. ૪ કરોડથી વધુની વીજ બચત થશે*
 *૧૮ નગરપાલિકાઓમાં વિવિધ વિકાસ કામો – ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કાર્યોનો પ્રારંભ*
 *એક જ દિવસમાં ૧૩૬ કરોડથી વધુના ઈ- લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કામો થયા*

-:*મુખ્યમંત્રીશ્રી*-

• *વિકાસના રોલ મોડલ ગુજરાત પાસે દુનિયાના લોકોની આધુનિક વિકસીત સુઆયોજીત નગર-વિકાસની મોટી અપેક્ષાઓ*
• *રાજ્યની બધી નગરપાલિકાઓ ગ્રીન-ક્લીન એનર્જી-વીજળી ઉત્પાદન કરે તેવી નેમ*
• *સૌરઉર્જા ઉત્પાદનથી નગરપાલીકાઓને વીજ બીલ ભારણથી મુક્તિ મળશે*
• *નગરોમાં શુદ્ધ પીવાનું પાણી- નલસે જલ- રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાથી સ્વચ્છ-આરોગ્યયુક્ત નગરો બનાવવા છે*
• *એસ.ટી.પી. અને રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરના વપરાશથી નગરો આવકના સ્ત્રોત ઉભા કરે*
• *રાજ્યના નગરો એસ.ટી. પી; ડબલ્યુ.ટી.પી યુક્ત બને તેવું મુખ્યમંત્રીશ્રીનું આહવાન*

……..

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર નગર સેવાની ગુજરાતની અભિનવ પહેલરૂપે રાજ્યની ૧૬ નગરપાલિકાઓમાં ૨૮ જેટલા સ્યુએજ ટ્રીટમેંટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઇ-ખાતમુહૂર્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકાસના રોલમોડેલ ગુજરાત પાસે દુનિયાના લોકોની આધુનિક વિકસીત અને સુઆયોજિત નગર વિકાસની મોટી અપેક્ષાઓ છે

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે નગરોના રસ્તા, ગટર, લાઈટ, પાણીના કામમાં કોઈ કચાશ ન રહે. તેમ જ નાના મોટા શહેરો નગરો સમયાનુકૂળ તમામ સુવિધાયુક્ત બને તે માટેના આયોજનબદ્ધ પ્રયાસો આ સરકારે હાથ ધર્યા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યની સુરેન્દ્રનગર, વલસાડ અને ગોધરામાં તૈયાર થયેલા કુલ ૧૦૩.૨૬ કરોડના S.T.P. ના લોકાર્પણ તથા ૧૮ નગરપાલિકાઓના બહુવિધ વિકાસ કામોના ખાતમુહૂર્તના પ્રારંભ કર્યા હતા.
તેમણે રાજપીપળા નગરની ૧૭.૭૭ કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું પણ ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન અને શહેરી વિકાસ નિગમને આ અભિનવ પહેલ માટે અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, રાજ્યના તમામ નગરો S.T.P.-W.T.P. યુક્ત બને અને નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી, નલ સે જલ સ્વરૂપે મળે, ઉપરાંત વપરાયેલા ગંદા પાણીનો પણ રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર તરીકે ખેતીવાડી, બાગ-બગીચા, તળાવો ભરવા જેવા કામોમાં પુનઃ વપરાશ થાય તે દિશામાં નગર સત્તામંડળો આગળ વધે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારે જારી કરેલી નવી ઐતિહાસિક સોલાર પોલિસીમાં સ્વાયત અને સ્થાનિક સ્તરે સૌર ઊર્જા વીજ વપરાશને વ્યાપક પ્રોત્સાહક જોગવાઈઓ આપી છે તેની વિષદ ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની નગરપાલિકાઓને આહવાન કર્યું કે, મ્યુનિસિપાલિટીઝ પોતાની સંપત્તિ ઉપર સૌર ઉર્જા ઉત્પાદન કરે અને પોતાના વપરાશ બાદ વધેલી વીજળી વેચીને આવકના સ્ત્રોત ઊભા કરે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં નગરોમાં વિકાસ કામો, પાણી જેવી પાયાની સુવિધાના કામો, ડ્રેનેજના કામો માટે કોઈ આયોજન ન હતું. લોકોને શુદ્ધ પાણી ન મળતું અને નગરોમાં ડ્રેનેજ ના અભાવે મેલેરિયા સહિત નો રોગચાળો પણ ફેલાતો.
તેમણે સ્પષ્ટ કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી તરીકે હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ જવાબદારી સંભાળી ત્યારથી બે દાયકાથી નગરો મહાનગરોના ડ્રેનેજ, ફિલ્ટર વોટર, ઘર-ઘર જલ જેવા પ્રાથમિક જરૂરિયાતના કામોને પ્રાયોરીટી આપીને આગળ ધપાવ્યા છે.
હવે નગરોમાં સૌરઊર્જા ઉત્પાદનથી ગ્રીન એનર્જીને વેગ આપવા સાથે વીજ બિલ ખર્ચ ઘટાડવા અને નગરપાલિકાઓ સેલ્ફ સફિશિયન્ટ બને તેની પણ વિશેષ કાળજી કરીએ છીએ, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ એક જ દિવસમાં ૧૩૬ કરોડથી વધુના કામોના ઇ-લોકાર્પણ કરતા ફાટકમુક્ત ગુજરાતની નેમ પાર પડી રહી છે તેમ પણ ઉમેર્યું હતું.
તેમણે દંગા મુક્ત ગુજરાત ખુલ્લામાં શૌચ ક્રિયા મુક્ત ગુજરાત રોગમુક્ત ગુજરાત અને હવે કોરોના મુક્ત ગુજરાત થી આપણે દેશમાં અગ્રેસર રહેવું છે તેમ પણ કહ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ૧૬ નગરપાલિકાઓમાં ૨૨ જેટલા એસ.ટી.પી. ડબલ્યુ.ટી.પી. માટે સોલાર એનર્જી પાવર પ્લાન્ટના ખાતમુહૂર્ત કર્યા તેનાથી વાર્ષિક રૂ. ૪ કરોડથી વધુની વીજળી બચત થશે.
મુખ્યમંત્રીશ્રીએ નગરોમાં સૌર આધારિત વીજળી ઉત્પાદનથી આવક ના સ્ત્રોત નગરપાલિકાઓ ઊભા કરીને ગુજરાત દેશને નવો વિકાસ રાહ બતાવશે અને પ્રાથમિક સુવિધા સાથે આધુનિકતાના સમન્વયથી ગુજરાતના શહેરો સ્માર્ટ સિટીઝ બનશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

આ વેળાએ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ શ્રી કે. સી. પટેલ, શ્રી દેવસિંહ ચૌહાણ, શ્રી મિતેશભાઇ પટેલ, શ્રી પ્રભુભાઈ વસાવા તથા ધારાસભ્યો શ્રી ભવાનભાઈ પટેલ, શ્રી સી.કે. રાઉલજી, શ્રી રાજેન્દ્રસિંહ વગેરે કાર્યક્રમ સ્થળેથી સહભાગી થયા હતા.
શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશપુરી, કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન શ્રી રાજકુમાર બેનીવાલ, જી.યુ.ડી.સી.ના એમ.ડી. શ્રી લોચન શહેરા તથા નિયામક શ્રી હાર્દિક શાહ વગેરે ગાંધીનગરથી જોડાયા હતા.
…….