નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી તેમજ સીઆરવાય સંસ્થાના સંયુકત ઉપક્રમે રાજપીપલામાં સરકીટ હાઉસ ખાતે બાળલગ્ન નાબૂદી અને કિશોર- કિશોરી સશકિતકરણ વિષય પર યોજાયેલી એક દિવસીય કાર્યશાળા યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટર મનોજ કોઠારી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરીઅને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના અધ્યક્ષ ન્યાયાધીશ એન.કે. નાચરે, જિલ્લા પંચાયતના પ્રમુખ દામાભાઇ વસાવા સહિત જિલ્લાના અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય દ્વારા ખૂલ્લી મૂકાઇ હતી.
જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ કાર્યશાળાને ખૂલ્લી મૂકતાં જણાવ્યું હતું કે, સાંપ્રત સમયમાં સમાજની અનેકવિધ સમસ્યાઓમાં બાળલગ્ન પણ આજે એક સમસ્યા છે અને તેના માટે સામાજિક રીત-રિવાજો, વાલીઓ અને લગ્નગ્રંથી થી જોડાનાર યુગલ પોતે જ જવાબદાર રહેતા હોય છે,ત્યારે આ સામાજિક દૂષણની નાબૂદી માટે સામાજિક ચેતનાની સાથોસાથ વાલીઓને પણ ખોટા સામાજિક-કૌટુંબિક પ્રભાવથી દૂર રહેવા તેમજ યોગ્ય શિક્ષણ અને તેની સમજ દ્વારા ઓછી ઉંમરે લગ્નથી દૂર રહેવાનો દિકરા-દિકરીઓ જાતે જ નિર્ણય લે તેવું વાતાવરણ ઉભું કરવાનો ખાસ અનુરોધ કરી સશકત-સ્વસ્થ માતા, બાળ અને સમાજ નિર્માણ માટે સૌને સહિયારા પ્રયાસો થકી સામૂહિક લોકજાગૃત્તિ કેળવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂકયો હતો.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના અધ્યક્ષ ન્યાયાધીશ એન.કે.નાચરેએ જણાવ્યું હતું કે, 18વર્ષની નીચેની વયની કન્યા સાથે લગ્ન કરવામાં આવે તો બાળલગ્નો સાથે પોકસો એક્ટ અંતર્ગત કાયદાકીય ગુંચ પણ ઉભી થતી હોવાની બાબતો તેમણે ઉદાહરણ સાથે સમજાવી હતી.