રાવણને દયાળુ કહેવાનું સૈફને પડ્યું ભારે! વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે છોટે નવાબ વિરુદ્ધ કરી પોલીસ ફરીયાદ

અમદાવાદ, 09

ડિસેમ્બરઃ છેલ્લા કેટલાક સમયથી રામાયણ પર બની રહેલી ફિલ્મ ‘આદિપુરુષ’ચર્ચામાં છે. આ ફિલ્મમાં બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન રાવણની ભૂમિકામાં જોવા મળશે. હવે આ ફિલ્મમાં રાવણની ક્રિયાઓને ન્યાયી ઠેરવવામાં આવી છે તેવા નિવેદનના સૈફ વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદના દિલ્હી રાજ્યના પ્રમુખ રાજેશ તોમર દ્વારા પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

જો કે, આદિપુરુષ ફિલ્મનું શૂટિંગ હજી શરૂ થયું નથી. આ ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ થશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનને રાવણની ભૂમિકાની ઓફર કરવામાં આવી છે. જ્યારે સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર પ્રભાસ આ ફિલ્મમાં ભગવાન શ્રીરામની ભૂમિકામાં જોવા મળી શકે છે. માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનની ભૂમિકા ભજવનારા અભિનેતાઓ વિશે હજી કંઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાને ફિલ્મ ‘આદિપુરુષ’ પર એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, રાવણ દયાળુ હતા. તે રાવણના કૃત્યને રસપ્રદ બનાવશે અને તેની ભૂમિકાને ન્યાય આપશે. તેના નિવેદનની મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય રામ કદમ સહિતના સોશિયલ મીડિયા યુઝરો દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી. લોકોએ કહ્યું કે રાવણ ભારતીય સંસ્કૃતિમાં અનિષ્ટ અને અન્યાયનું પ્રતીક છે અને તેની ક્રિયાઓને કોઈપણ રીતે વ્યાજબી ઠેરવી ન શકાય.

વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ, રાજેશ તોમરે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, સૈફ અલી ખાને જાણી જોઈને આ કોમેન્ટ કરી હતી જેનાથી સમાજમાં ધાર્મિક અસમાનતાઓ વધી શકે. સૈફ અલી ખાનના નિવેદનથી કરોડો હિન્દુઓની આસ્થાને હાની પહોંચી છે. આ નિવેદનથી સમાજમાં શાંતિ ભંગ થવાનું જોખમ વધી ગયું છે.